Abtak Media Google News

ફાયર સેફટીના સાધનો વસાવવામાં ન આવે ત્યાં સુધી ટયુશન કલાસીસ બંધ રાખવા આદેશ: અનેક શહેરોમાં કલાસીસો સીલ કરાયા

સુરતમાં સરથાણામાં તક્ષશીલા એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે ટયુશન કલાસીસમાં લાગેલી ભયાનક આગમાં ૧૯ વિદ્યાર્થીઓ ભડથુ થઈ ગયા હતા. આ ઘટનાની રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. રાજય સરકાર દ્વારા રાજયના તમામ શહેરોમાં ટયુશન કલાસીસ, બેઝમેન્ટ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા આદેશ આપ્યા છે. ગઈકાલ સાંજથી સ્થાનિક તંત્ર દ્વારા ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે ઠેર-ઠેર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અનેક શહેરોમાં કલાસીસો સીલ કરી દેવામાં આવ્યા છે. જયાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ન આવે ત્યાં સુધી ટયુશન કલાસીસ શરૂ ન કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે.

સુરતની ઘટનાના પગલે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ગઈકાલે રાજકોટ, જામનગર, બનાસકાંઠા, પાલનપુર, ડિસા, મોરબી સહિતના રાજયના અનેક શહેરોમાં ટયુશન કલાસીસ, બેઝમેન્ટ એરીયા અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ત્રણ ટીમોને ગઈકાલ સાંજથી શહેરમાં ટયુશન કલાસીસમાં ચકાસણી શરૂ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ફાયર સેફટીના સાધન વિનાની પાંચ બિલ્ડીંગો ગઈકાલે સીલ કરી દેવામાં આવી હતી.

આજે સવારે ખુદ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે ફિલ્ડમાં ઉતર્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડના સાધનો ન હોય તેવી બિલ્ડીંગની નોટિસ આપવામાં આવશે અને ફાયરના સાધનો વીના ધમધમતા ટયુશન કલાસીસ જયાં સુધી સેફટીના સાધનો વસાવશે નહીં ત્યાં સુધી કલાસીસ બંધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. નોટિસ આપવા છતાં જો કોઈ બિલ્ડીંગ ફાયરના સાધનો નહી વસાવે તો તેનું કમ્પલીશન સર્ટીફીકેટ રદ્દ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.