Abtak Media Google News

સેનેટરીવેર્સ ભરેલું ક્ધટેનર મોરબી બહાર નીકળ્યા બાદ સીલ તોડી રક્તચંદન ભરાયાની શંકા

મોરબીથી સેનેટરીવેર્સ ભરીને નીકળેલા બે ક્ધટેનરમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવી રહેલ પ્રતિબંધિત રક્તચંદનનો ૧૦ કરોડનો જથ્થો ઝડપી લીધા બાદ આ જથ્થો ક્ધટેનરમાં ઘુસાડનાર સૂત્રધારને ઝડપી લેવા ડીઆરઆઈએ ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.

ગઈકાલે ડીઆરઆઈ દ્વારા મોરબીના સાનિયો સેનેટરીવેર્સ નામની સીરામીક ફેક્ટરીમાંથી લોડ કરવામાં આવેલા બે ક્ધટેનરને મુન્દ્રા બંદરે સ્ટીમરમાં ચડાવવામાં આવે તે પૂર્વ શંકાના આધારે ચકાસણી કરતા આ ક્ધટેનરમાંથી અંદાજે રૂપિયા ૧૦ કરોડની કિંમતનું પ્રતિબંધિત ૨૦ મેટ્રિક ટન રક્તચંદનનું લાકડું મળી આવતા ડીઆરઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને આ તપાસનો દૌર મોરબી સુધી લંબાવવામાં આવ્યો છે.

સેનેટરીવેર્સની આડમાં દાણચોરીથી રક્ત ચંદનનો જથ્થો વિદેશ મોકલવા પ્રકરણમાં ડીઆરઆઈની તપાસમાં ચોકવનારી વિગતો ખુલી છે અને મોરબીની ફેક્ટરીમાંથી ક્ધટેનર નીકળ્યા બાદ રસ્તામાં ગમે ત્યાં સીલ તોડી આ રક્તચંદન ઘુસાડી દઈ બાદમાં દુબઇ અને વિયેટનામ મોકલવા કારસો ઘડાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મોરબીથી મોકલવામાં આવેલા પ્લાસ્ટિકના પાઈપના જથ્થામાંથી રક્ત ચંદન ઝડપાયું હતું ત્યારે લાંબા સમય બાદ રક્તચંદનની દાણચોરીનો કિસ્સો બહાર આવતા સનસનાટી મચી છે.

હાલમાં ડીઆરઆઈ દ્વારા મોરબી પંથકમાં તપાસ શરૂ કરી છે અને રક્તચંદન મોકલવામાં કોની સંડોવણી છે તે બહાર લાવવા પ્રયાસો શરૂ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.