કલાનગરીનો પરિચય કરાવ્યું ૧૫૦૦ ફૂટનું વિશાળ આર્ટ વર્ક

વડોદરા કલેકટરની પ્રેરણાથી કલાની આગવી ઓળખ આપવા પ્રયાસ

સ્થાપત્યના ૩૦ વિદ્યાર્થીઓની એક માસની મહેનત ‘રંગ’ લાવશે

અમદાવાદ અને એ તરફના અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓ જ્યારે અમિત નગર સર્કલ ખાતે આવે છે ત્યારે એમને વડોદરા શહેરનો મુખ્ય વિસ્તાર હવે શરૂ થઈ ગયો એવી અનુભૂતિ થાય છે.આ અનુભૂતિને પ્રબળ કરવા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની પહેલ અને પ્રેરણથી, અમદાવાદ તરફથી આવતા પ્રવાસીઓ અમિતનગર પાસે આવે કે તુરત જ એમને વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખ મળી રહે એ માટે ,અમિત નગર ઓવરબ્રિજના પ્રવાસી વાહનોની બરોબર સામે આવતા પડખા પર કલેકટરની પ્રેરણાથી પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્કિટેકચરના કલાધર વિદ્યાર્થીઓ દ્વારા એક ૧૫૦૦ ફૂટનું વિશાળ, કલાત્મક, વડોદરા શહેરની ઓળખ જેવો વડલો,સ્થાપત્યો અને સાંસ્કૃતિક પરંપરાના વૈભવને ચિત્રિત કરતું આર્ટવર્ક લગાવવામાં આવ્યું છે, બલ્કે એમ કહીએ તો ચાલે કે જડી દેવામાં આવ્યું છે.

આ એક નવો પ્રયોગ છે જેમાં આવું વિશાળ અને કલાત્મક ચિત્ર, એક અક્ષર કે શબ્દ લખ્યા કે બોલ્યા વગર, સાવ અજાણ્યા કે પહેલીવાર આવતા પ્રવાસીમાં,વડોદરામાં આવું બધું દર્શનીય છે એવું કુતૂહલ જગવશે અને એક કળા અને સંસ્કૃતિના ધામમાં પ્રવેશ્યાનો અહેસાસ કરાવશે. આ વિશાળ ચિત્રિકરણ માટે જિલ્લા કલેકટરે, મહાનગરપાલિકાની સંમતિ મેળવીને પારુલ યુનિવર્સિટીના સહયોગથી એને સાકાર કર્યું છે. વડોદરા શહેરના અન્ય મોકાના સ્થળોએ, આ છે અમારા વડોદરાની ઓળખાણ એવી અનુભૂતિ કરાવતા આ પ્રકારના આર્ટવર્ક લગાવી શહેરને કલાત્મક ઓપ અને ઓળખ આપવાનો વિચાર જિલ્લા વહીવટી તંત્રે કર્યો છે જેમાં આ પ્રકારે શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.

જિલ્લા કલેકટરે કલાનગરીના પ્રવેશ દ્વારે પ્રવાસીઓને કલાત્મક આવકાર આપવાનો વિચાર આવ્યો જે આ આર્ટ વર્કથી સાકાર થયો છે એવી લાગણી વ્યક્ત કરતા આ પ્રોજેક્ટ ના સંકલનકાર અને જિલ્લા આયોજન અધિકારી જીતેન્દ્ર રાવલે જણાવ્યું કે શહેરના કલા અને સંસ્કૃતિના ઉત્તમ વારસાથી પ્રવાસીઓના મનમાં શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો આ એક અનોખો પ્રયાસ છે.આ વિચારના અમલીકરણ માં વડોદરા મહાનગર પાલિકા એ જરૂરી સંમતિ દ્વારા સહયોગ આપ્યો છે.જિલ્લા કલેકટરે શહેરના અન્ય મુખ્ય સ્થળો ની શોભા વધારતું આવું આયોજન વિચાર્યું છે જેમાં વિવિધ સંસ્થાઓનો સહયોગ લેવાશે. ઉલ્લેખનીય છે કે સ્થાપત્ય વિદ્યાશાખાના ૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ફેબ્રીકેશન પર સિમેન્ટ સીટની મદદથી ૧૫૦૦ ફૂટની આ કલાકૃતિ બનાવીને અહીં લગાડી છે.લગભગ એક મહિનાની મહેનત આ કલા સર્જનમાં લાગી છે. કોરોના સંકટને લીધે લાદવા માં આવેલા લોક ડાઉન ના એક દિવસ પહેલા આ આર્ટ વર્ક લગાવવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું.પરંતુ તે પછી તુરત જ લાંબુ લોક ડાઉન શરૂ થઈ જતાં આ કલાકૃતિ લોકોના ધ્યાને લાવી શકાઈ ન હતી.

પારૂલની સ્થાપત્ય વિદ્યા શાખાના ડીન ભાગ્યજીત રાવલે જણાવ્યું કે આ સર્જન જિલ્લા કલેકટરની પ્રેરણાનું કલાત્મક પરિણામ છે.અમારા વિદ્યાર્થીઓ એ આર્ટના વિવિધ મિડિયમોનું સંયોજન કરી વડોદરા માટે આ ઓળખ કલાકૃતિ બનાવી છે. અમે વડોદરાની મુખ્ય ઓળખ ગણાતા વડલા થી શરૂ કરી લક્ષ્મી વિલાસ પેલસ અને અન્ય ઈન્ડો ઇસ્લામિક મોનુમેન્ટ્સ, ઇએમઇ ટેમ્પલ જેવું આધુનિક અને ટેકનોલોજીના સમન્વય થી બનેલું મંદિર,વડોદરાની કલા ઓળખ બની ગયેલા ગરબા, ઉત્તરાયણ ઇત્યાદિને આ ચિત્ર સર્જનમાં સમાવી લઈને વડોદરાની કલાત્મક ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાની જુદી જુદી મુખ્ય જગ્યાઓ, ફ્લાય ઓવર,જંકશનને આ રીતે જુદી જુદી સંસ્થાઓનો સહયોગ લઈને સજાવવાનો કલેકટનો વિચાર નવીન અને આવકાર્ય છે.

Loading...