Abtak Media Google News

આખી રાત બેખૌફ બની લૂંટ ચલાવીને મર્ડર કરનાર ટોળકીને પકડવા પોલીસની ૯ ટીમોએ લગાવ્યું એડી ચોટીનું જોર : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

માળીયા નજીક હાઇવે પર ચાર જેટલા ટ્રકોને રોકી લૂંટ ચલાવી અને એક ટ્રક ડ્રાઈવરની હત્યા નિપજાવનાર લૂંટારું ટોળકીને પકડવા માટે પોલીસ ઊંધા માથે થઈ છે. માળીયા પોલીસ ઉપરાંત મોરબી જિલ્લા પોલીસની અલગ અલગ ૯ ટીમો સઘન તપાસ કરી રહી છે પોલીસ દ્વારા હાલ સ્થાનિક શકમંદોની પુછતાછ તેમજ હાઇવે પરના સીસીટીવી ફૂટેજના સહારે તપાસ થઈ રહી છે. જોકે હજુ સુધી પોલીસના હાથમાં કોઈ મહત્વની કડી લાગી નથી.

માળીયા નજીક સોમવારની રાત્રિના ૮ થી ૧૦ જેટલા લૂંટારુઓની પ્રથમ ખીરઈ ગામના પાટીયા પાસે બેથી ત્રણ ટ્રક રોકીને ૬૦ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. બાદમાં આ જ લૂંટારું ટોળકીએ વાધરવા ગામના પાટીયા પાસે જીજે ૧૦ ઇવી ૭૦૬૨ નંબરના ટ્રકને આંતરીને તેના ડ્રાઇવર સુખારામ મિલન પાલને ઢોર માર મારી તેની હત્યા નીપજાવી હતી. ઉપરાંત ક્લીનરને બંધક બનાવી મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

સતત ધમધમતા નેશનલ હાઇવે પર લૂંટ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે આ કેસ સોલ્વ કરવા એડી-ચોટીનું જોર લગાવ્યું છે. માળિયા પોલીસ ઉપરાંત મોરબી જિલ્લાના એ.એસ.પી. અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી સહિત કુલ ૯ ટીમો બનાવી લુંટારું ટોળકીના સગડ મેળવવા પોલીસનો કાફલો ઉંધામાથે થયો છે પોલીસે એફ.એસ.એલ ડોગ સ્કોડની પણ મદદ લીધી હતી તેમ છતાં કોઇ મહત્ત્વની કડી હાથ લાગી નથી.

આ ઉપરાંત લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકી સ્થાનિક હોવાની શંકાએ પોલીસની જુદી-જુદી ટીમોએ માળિયાના વાંઢ વિસ્તારોમાં છાપામારી સ્થાનિક શકમંદોની અટકાયત કરી તેમની પણ કડક પુછતાછ હાથ ધરી છે જોકે તેમાં પણ હજુ સુધી કોઈ મહત્વની કડી હાથ લાગી નથી. વધુમાં પોલીસ દ્વારા હાઈવે પર લૂંટના સ્થળની આજુબાજુ આવેલી હોટેલો અને ટોલનાકા ઉપરના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ તો પોલીસ અધિકારીઓ તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યા છે ત્યારે સોમવારની આખી રાત હાઈવે પર બેખૌફ લૂંટ ચલાવી ડ્રાઇવરની હત્યા કરનાર ખૂંખાર ગેંગના સગડ મેળવવામાં પોલીસ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.