જયેશ પટેલની ટોળકીની પૂછપરછ, ટૂંકમાં નવા ધડાકા થશે

એડવોકેટ, બિલ્ડરના ભાઇ, બાહુબલી સહિત ચાર નામોની ચર્ચા

પોલીસે ૧૪ માંથી ૧૦ આરોપીના નામ જાહેર કર્યા ચાર અંગે સસ્પેન્સ

જામનગર વાસીઓને જયેશ પટેલ અને તેની ટોળકીના ત્રાસ માંથી મુક્ત કરાવવા પોલીસે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી છે. પૂછપરછ બાદ આગામી દિવસોમાં નવા ધડાકાની સંભાવના જાણકારો દ્વારા સંયુકત થઇ રહી છે. ૧૪માંથી ૧૦ નામો પોલીસે જાહેર કર્યા છે.  જો કે ચાર નામો પહેલા થયા છે તેમાં એડવોકેટ, બિલ્ડરનો ભાઇ, મસલ્સ પાવર ધરાવતા શખ્સોના નામ ચર્ચામાં છે.

જામનગરીઓને જયેશ ૫ટેલ અને તેની ટોળકીના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસે કમર કસ્યા પછી રિમાન્ડ પર રહેલા આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરાઈ રહી છે. આરોપીઓને આજે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેની સામે ગુજસીટોક કાયદાનો જામનગરમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે તેવા ચૌદ આરોપી પૈકીના દસ નામ જાહેર થયા પછી ચાર નામ માટે પોલીસ ચુપકીદી સેવીને આગળ વધી રહી છે. બિનઆધારભૂત રીતે ચાર નામો વહેતા થયા છે ત્યારે હજુ પણ આ પ્રકરણમાં નવા ઘડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે.

જામનગરમાં બિલ્ડરો, કારખાનેદારો, વેપારીઓ તથા સામાન્ય વર્ગના લોકો પાસે કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલની ગેચ ધાક ધમકી આપી, ફાયરીંગ કરાવવા સુધી પહોંચી ભયનો માહોલ સર્જી મોટી રકમો પડાવી લઈ કાયદો તથા વ્યવસ્થાની ધજ્જીયા ઉડાવતા હોવાની રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

ગૃહ વિભાગે તાત્કાલીક જ હુકમ કરી અમદાવાદમાં એસીપીની ફરજ બજાવતા દીપન ભદ્રનને જામનગરના જિલ્લા પોલીસવડાનો ચાર્જ સોંપી કડક કાર્યવાહીનો હુકમ કર્યો હતો. સતત ભયના ઓથાર હેઠળ જીવતા નાગરિકોને ભય મુક્ત બનાવવા માટે જામનગર આવીને ચાર્જ સંભાળનાર એસપી દીપન ભદ્રને પોતાના વિશ્વાસુ અધિકારીઓની ટીમ બનાવી સાફસુફીનો પ્રારંભ કર્યો હતો. પોલીસની મહત્ત્વની ગણાતી જામનગરની મુખ્ય શાખાઓ સહિતના પોલીસ સ્ટેશનોના અધિકારીઓની બદલીનો હુકમ કર્યા પછી એલસીબી, એસઓજીના પોતાના ચુનંદા અધિકારીઓની નિમણૂકનો આદેશ કર્યો હતો. તે પછી જયેશ પટેલ ફરતે ગાળીયો કસવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં જયેશની ટુકડીના પાયદળીયાઓને ગીરફતમાં લઈ એસપીએ પરચો બતાવ્યા પછી જયેશ પટેલ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે તેઓની કુંડળી મેળવવાનું ખાનગી રાહે શરૃ કર્યું હતું. જેમાં સમગ્ર જામનગર ચોંકી જાય તેવા નામ પોલીસ સમક્ષ ઉપસી આવ્યા હતાં. મોટા માથાઓના નામ ખુલતા પોલીસે એસપીના સીધા માર્ગદર્શન હેઠળ તે માથાઓની કરમ તથા ક્રાઈમ કુંડળીનો હિસાબ શરૃ કર્યો હતો. જેમાં કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં આવતા એસપીની સૂચનાથી ગયા શુક્રવારે જામનગરના કુલ ચૌદ સામે નવા કાયદા-ગુજસીટોકનો ઉપયોગ કરી ગુન્હા નોંધવામાં આવ્યા હતાં અને ચૌદમાંથી આઠની તાત્કાલીક ધરપકડ કરી લીધી હતી. તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ આરંભી પોલીસે આઠેય આરોપીના નામ જાહેર કર્યા હતાં.

અગાઉ એલસીબીમાં ફરજ બજાવી ગયેલા એએસઆઈ વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા તેમજ જામનગરના જાણીતા બિલ્ડર મુકેશ અભંગી, નિલેશ મનસુખભાઈ ટોલીયા, શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલ પોપટ, નગરસેવક અતુલ ભંડેરી તેમજ વિદેશી નાણાની હેરફેરનું કામકાજ કરતા જીમ્મી ઉર્ફે જીગર આડતીયા તેમજ એક અખબાર સાથે સંકળાયેલા તેના મેનેજર પ્રવિણ ચોવટીયા અને અનિલ પરમારના નામ પોલીસે જાહેર કરતા જામનગર શહેરમાં હડકંપ મચી ગયો હતો.

પોલીસે ઉપરોક્ત આઠ ઉપરાંત જયેશ પટેલના મસલ્સ પાવર મનાતા જશપાલસિંહ જાડેજા કે જે હાલમાં એક ગુન્હામાં ગયા અઠવાડીયે જ ઝડપાયા પછી જેલહવાલે થયો છે તેનું અને ગેન્ગ લીડર જયેશ પટેલ જે હાલમાં પલાયન થઈ વિદેશમાં નાસી ગયો છે અને તેની સામે રેડ કોર્નર નોટીસ પણ નીકળી ચૂકી છે તેનું નામ જાહેર કરી બાકીના ચાર આરોપીના નામ ગુપ્ત રાખ્યા હતાં.

સકંજામાં આવેલા આઠેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગુજસીટોક કાયદા માટેખાસ કાર્યરત કરવામાં આવેલી રાજકોટ સ્થિત ડેઝીગ્નેટેડ કોર્ટમાં આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતાં. જેમાં પાંચ આરોપીના બાર દિવસના અને ત્રણ આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજુર થતા એસપીના માર્ગદર્શન હેઠળ એએસપી નિતેશ પાંડે (આઈપીએસ)એ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ આરંભી છે. જેમાં મક્કમ પગલે પોલીસ આગળ વધી રહી છે અને બાકીના આરોપીઓ ફરતે સકંજો કસવા માટે તેની વિગતો એકઠી કરી રહી છે.

પોલીસે ચૌદ પૈકીના આઠની ધરપકડ કરી હતી અને જશપાલ તથા જયેશ પટેલ સહિતના દસના નામ જાહેર કર્યા હતાં તે પછી બાકીના ચાર નામ કયા છે તે માટે લોકોમાં જાગેલી ઉત્સુકતા વચ્ચે ચાર આરોપીઓના નામ વહેતા થઈ ગયા છે. જામનગરના એક એડવોકેટ, જાણીતા બિલ્ડરના ભાઈ, મશલ્સ પાવર મનાતા એક શખ્સ તેમજ અન્ય એકનું નામ બિનઆધારભૂત રીતે વહેતું થઈ ગયું છે. જો કે તપાસનીસ અધિકારી એએસપી પાંડે તે નામ ચૌદ આરોપીઓમાં નથી તેમ કહી રહ્યા છે પરંતુ તે ચારેય નામ લોક જીભે અને મૂખે બેધડક રીતે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જયેશ પટેલ અને તેની ટોળકીના ત્રાસમાંથી જામનગરીઓને મુક્ત કરાવવા માટે પોલીસ તંત્ર આગળ ધપી રહ્યું છે.

રિમાન્ડ પર રહેલા આરોપીઓની તબીબી ચકાસણી

જયેશ પટેલની ગેન્ગને નેસ્તનાબુદ કરવા માટે રાજ્યના મુખ્ય પોલીસવડા આશિષ ભાટીયાની સૂચનાથી અને રેન્જ આઈજી સંદીપ સીંઘની રાહબરી હેઠળ આગળ વધી રહેલા જામનગરના જિલ્લા પોલીસવડા દીપન ભદ્રને બિલ્ડર નિલેશ ટોલીયા, વશરામ મિયાત્રા, અનિલ પરમાર, પ્રવિણ ચોવટીયા, અતુલ ભંડેરીની બાર દિવસની રિમાન્ડ અને મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, જીગર આડતીયાની નવ દિવસની રિમાન્ડ મેળવ્યા પછી તપાસનો દૌર આગળ ધપાવી રહેલા એએસપી નિતેશ પાંડેએ આરોપીઓને રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં તેઓની તબીબી ચકાસણી કરવામાં આવી હતી.

Loading...