Abtak Media Google News

જૂનાગઢના નવાબીકાળનો મહોબત મકબરો, ઇડરિયો ગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળોની વાર્તા લોકો સમક્ષ મૂકી

રાજયમાં પ્રવાસીઓને આકર્ષવા સેકશન ઓફિસર કૃણાલ ગઢવીએ નવતર પ્રયોગ અજમાવ્યો છે જેમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રવાસીઓ, વાંચકોને વાર્તા દ્વારા જાણીતા સ્થળલની માહિતી આપી રહ્યા છે.

મહામારી કોરોનાની નાગરિકોને બચાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. નાગરિકો પણ પોતાના ઘરમાં રહીને લોકડાઉનને સફળ બનાવવા સાથ આપી રહ્યા છે. લોકડાઉનના કારણે અનેક ઉદ્યોગ ધંધાને અસર થઇ છે. તેમાં રાજ્યના ટુરિઝમ સેકટરને પણ બાકાત નથી. ત્યારે આવી સ્થિતિમાં રાજયના પ્રવાસન સ્થળોની દેશ-વિદેશના નાગરિકોને જાણકારી મળી રહે તે માટે ગાંધીનગર સ્થિતિ સેકશન ઓફિસર કૃણાલ ગઢવીને નવતર પ્રયોગ કર્યો છે.

જેમાં રાજ્યના જાણિતા પ્રવસન સ્થળોની અજાણી વાતોને વણીને યુવાનો, પ્રવાસપ્રેમીઓ, વાંચકોને આકર્ષક રીતે ગમે તે રીતે વાર્તાની સિરિઝ શરૂ કરી છે. જેને સોશ્યલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં શેર કરી વાંચકો સુધી પહોંચાડે છે.

કૃણાલ ગઢવી દ્વારા રજૂ કરવામાં આવેલી વાર્તામાં જૂનાગઢના નવાબીકાળનો મહોબત મકબરો, પ્રાચીન તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા ઇડર શહેરમાં આવેલા ઇડરિયા ગઢ, હરણાવ નદીના કાંઠે આવેલ પોલના જંગલની સમૃદ્ધિ, સુરતની ડચ સિમેટ્રી, દેશનું સૌથી ઊંચું અને એકતાના પ્રતીક સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્થાપત્ય કળાનું બેનમૂન મોઢેરા સૂર્યમંદિર તથા કચ્છના રણનો તબકકા વાર વાર્તામાં ઉલ્લેખ કરાયો છે. વાર્તામાં સંવાદો તો ધારદાર છે જ પણ સાથે સાથે કૃણાલ ગઢવછીએ જે તે ટુરિસ્ટ સ્પોટ વિશે ઊંડાણપૂર્વક મહિતી પણ આપી છે. તેમણે લખેલ વાર્તામાં પ્રેમ કહાનીની સાથે સાથે, લાગણીઓના ઉતરાચડાવ, કરિયર, થ્રીલ અને ભારતના વિભિન્ન જગ્યાઓની ઊંડી માહિતી હોય છે. અને એટલે જ રીડર બિરાદરો માટે જ્ઞાનવર્ધક સાબિત થાય છે અને વાંચનારને રસાળ વાંચનની સાથે સાથે નવું જાણવા પણ મળે છે.

કૃણાલ ગઢવી એક અધિકારીની સાથે સાથે એક ઉમદા લેખક પણ છે. જે સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, વાર્તા, અને હાસ્ય પ્રધાન લેખો માટે સોશ્યલ મીડિયામાં લોકપ્રિય છે. કૃણાલ ગઢવીએ ટુરિઝમ સેકટરના વિકાસ માટે કરેલો પ્રયાસ ખરેખર કાબીલેદાદ છે. તેમના આ પ્રયાસ બદલ સાથી મિત્રો દ્વારા શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.