કોટન કોર્પોરેશનના ગોડાઉનમાં ‘ઘુસ’: કાર્ટલે સીસીઆઇને લૂંટયું!!!

મોટા ખરીદદારોને રિઝવવા ડિસ્કાઉન્ટ સ્કીમ અમલી બનાવાઈ: કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ કર્યો આક્ષેપ

ગત વર્ષે કપાસનો બમ્પર ઉત્પાદન આવતા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખેડૂતોને નુકશાની ન સર્જાય તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં ખેડૂતોને સારા ભાવે કપાસ વેંચવાનો મોકો મળ્યો હતો. ટેકાના ભાવે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ ખુબ મોટા જથ્થાની ખરીદી કરી સંગ્રહ કર્યો હતો. જે બાદ કપાસના નિકાલ માટે સીસીઆઈએ બલ્ક ડિસ્કાઉન્ટ સ્કીમ જુલાઈ માસમાં અમલી બનાવી હતી. જે મુજબ મોટા જથ્થામાં ખરીદી કરનારા લોકો તેમજ સંસ્થાઓને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમમાં કાર્ટલે સીસીઆઈને લૂંટી લીધું હોય તેવી વાતો હાલ પ્રકાશમાં આવી છે.

કપાસના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર પણ અગ્રેસર છે. ગત વર્ષે કપાસનું ઉત્પાદન ખુબ સારૂ મળ્યું હતું. જેને ધ્યાને રાખીને સીસીઆઈએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરી હતી. કપાસની ખરીદી બાદ સીસીઆઈએ નિકાલ માટે મલ્ટીનેશનલ કંપનીઓનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ જથ્થો ખુબ મોટો હોવાથી ડિસ્કાઉન્ટ સ્કીમ  અમલમાં મુકવામાં આવી હતી. જુલાઈ માસમાં અમલી બનેલી સ્કીમમાં સીસીઆઈએ ૫૦ લાખ ગાંસડીનો નિકાલ કર્યો હતો. પરંતુ હજુ પણ સીસીઆઈ પાસે ૩.૫ મીલીયન બેલ્સનો જથ્થો પડેલો છે જેનો નિકાલ કરવો જરૂરી છે. આ સ્કીમ અંગે મદુરાઈના સાંસદ એસ.વૈંકેટસને આરોપ લગાવ્યો છે કે, આ સ્કીમમાં ગેરરીતિ થઈ છે વૈંકેટસના લેટર હેડ પર લખાયેલી આ બાબત વોટ્સએપના માધ્યમથી કોટન ઈન્ડસ્ટ્રીમાં ફરી વળી હતી. બુધવારે જ્યારે વૈંકેટેસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ ખેડૂત આંદોલનમાં ભાગ લેવાના પરિણામે જેલમાં હોવાનું જણાવ્યું હતું.

વર્ષ ૨૦૨૦-૨૧માં સીસીઆઈએ કુલ ૧૨ મીલીયન બેલ્સ (૧૭૦ કિલોગ્રામ પ્રતિ બેલ્સ)ની ખરીદી કરી હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે તેવી વાત પણ હાલ સામે આવી રહી છે. પરંતુ જે રીતે સીસીઆઈએ ચાલુ વર્ષે બલ્ક  ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કરી હતી તે મુજબ પ્રતિ ૩૫૬ કિલોના જથ્થા પર રૂા.૧૫૦૦ની છુટ આપવામાં આવી હતી. તેવા સમયે મોટા કાર્ટલે મોટા જથ્થામાં ખરીદી કરી ડિસ્કાઉન્ટ સ્કીમને વધુ પડતો લાભ લીધો હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. કાર્ટલે લગભગ ૨ લાખ બેલ્સ કે જેની કિંમત આશરે રૂા.૪૦૦ કરોડ છે તેટલી ખરીદી કરી હતી. જેમાં મોટી રકમ ડિસ્કાઉન્ટ સ્વરૂપે બાત કરી દેવામાં આવી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ આક્ષેપ કર્યો છે કે, આ સ્કીમ ફકત કાર્ટલોને લાભ આપવાના ઈરાદાથી જ શરૂ કરવામાં આવી છે.

મામલામાં સીસીઆઈના ચેરમેન પ્રદિપ અગ્રવાલે કહ્યું છે કે, તમામ ખરીદી તેમજ વેંચાણની પ્રક્રિયા પારદર્શક કરવામાં આવી છે. અમે તમામ કપાસના જથ્થાનું વેંચાણ ઈ-ઓકશન માધ્યમથી કર્યું છે. જે ડિસ્કાઉન્ટ બલ્ક બાયર્સને આપવામાં આવ્યું છે તે જ ડિસ્કાઉન્ટ મીલ્સ, સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને પણ આપવામાં આવ્યું છે જેથી ગેરરીતિની કોઈ વાત રહેતી નથી.

જે રીતે હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરાઈ રહ્યો છે તેને ધ્યાને રાખી ચોકકસ એક બાબત સ્પષ્ટ છે કે, જ્યાં સુધી કોઈ સચોટ તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાસ્તવિકતા તરફ જવું અશકય છે. વાસ્તવિક મામલામાં તપાસ થાય તો ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે સચોટ અહેવાલ મેળવી શકાય.

Loading...