Abtak Media Google News

પડધરીની ઘટના અંગે ગોંડલ ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલાને તપાસ સોપી

પોલીસની ફરજમાં રૂકાવટ કરી જાહેરમાં કપડા ફાડી નાખ્યા બાદ પોલીસ મથકમાં પણ ધમાલ માચવવાની ઘટના સામે આવતા પાસાની કાર્યવાહી કરાઇ

ધરણા કે પ્રદર્શન કરવાનો પ્રયાસ કરાશે તો તમામ સામે કાયદેસર કાર્યવાહી કરાશે

કોરોનાની મહામારીને અટકાવવા કરાયેલા લોક ડાઉનમાં સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપી છે તેમાં ખેડુતને ખાસ કિસ્સામાં મળેલી છુટનો ગેર લાભ લઇ પોલીસની ફરજમાં રૂકાવટ કરતા શખ્સની પાસા હેઠળ કરાયેલી અટકાયતનો કરણી સેના દ્વારા વિરોધ ઉઠતા ‘અબતક’ દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનો ટેલિફોનીક સંપર્ક કરાતા ખેડુતના નામે સહાનુભૂતિ મેળવવા પ્રયાસ થયાનું ગણાવી પોલીસ કાર્યવાહીનો ખોટો વિરોધ થઇ રહ્યાનું જણાવ્યું છે. વિરોધ કરવામાં રેલી કે પ્રદર્શન કરવામાં આવશે તો તેઓ સામે કાર્યવાહી કરવાનો પોલીસ સ્ટાફને આદેશ આપ્યો છે. આમ છતા પડધરીની ઘટનામાં સત્ય વિગતો અંગે ગોંડલ ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલાને તપાસ સોપી હોવાનું જણાવ્યું છે.

કોરોના વાયરસને અટકાવવા પોલીસ અને તબીબની મહત્વની ફરજ હોવાથી તેઓની ફરજમાં રૂકાવટ થાય તો કોરોના યૌધ્ધા પર હુમલો ગણી કડક કાર્યવાહી કરવા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરાયેલા આદેશના પગલે પડધરીમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરતા ખેડુતની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કરાયા છે.

ખેડુતને લોક ડાઉનમાં છુટછાટ આપી હોવા છતાં પોલીસ દ્વારા કાયદાનો ખોટો દુર ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે કરણી સેના દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને રજૂઆત કરવાનું એલાન કર્યુ છે.

આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ખેડુત દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કર્યાનું અને પોલીસમેનના કપડા ફાડી નાખી પોલીસ મથકમાં ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેની સામે પાસાની કાર્યવાહી કર્યાનું જણાવ્યું છે. આમ છતાં પડધરીની ઘટનામાં સત્ય વિગતો અંગે તપાસ કરવા માટે ગોંડલ ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલાને તપાસ સોપવામાં આવી છે.

પી.એસ.આઇ. વાઢીયા બે દિવસ પહેલાં જ પડધરી પોલીસ મથકે હાજર થયા છે. તેનો સમગ્ર ઘટનામાં કોઇ રોલ જ ન હોવા છતાં ખોટા રાગદ્વેશના કારણે પી.એસ.આઇ. વાઢીયા સામે આક્ષેપ કરવામાં આવી રહ્યાનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું છે. કરણી સેના દ્વારા ધરણા કે પદર્શન કરવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ એસપી મીણાએ જણાવ્યું છે.

ખેડૂતના નામે સહાનુભૂતિ મેળવી તંત્રને દબાવવાના થતા પ્રયાસ સામે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીને મારી મચડીને ખોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પોલીસની કાયદેસરની ફરજમાં થયેલી રૂકાવટને સાખી ન લેવાય તેમ કહી બલરામ મીણાએ આ અંગે બીજી સાઇડ પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.