ભારતની આવતીકાલ “ગણતંત્ર”- પાકિસ્તાનની “પરતંત્ર”: 50 હજાર કરોડ માટે પાકે સૌથી મોટું ગ્રીન પાર્ક ગીરવે મૂક્યું !!

આઝાદી પછી પાકિસ્તાનની પરિસ્થિતિ બાળોતિયાના બળેલા બાળક જેવી બની રહી છે: આવતીકાલે ભારત તેની ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન આર્થિક રીતે બરબાદી તરફ ઢસડાઈ રહ્યું છે

ભારત-પાકિસ્તાનની આઝાદીની ત્વારીખ એક સાથે જ શરૂ થઈ છે. બ્રિટીશરોએ પારોઠના પગલા ભર્યા ત્યારે પાકિસ્તાનની પ્રથમ ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળી હતી. ભારતને બીજા દિવસે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ જાહેર કર્યું. લોકતંત્રની ત્વારીખમાં પાકિસ્તાનની લોકશાહી આમ ગણો તો ભારત કરતા એક દિવસ મોટી ગણાય પરંતુ બાળોતિયાના દાઝેલા ભાગ્યે જ મોટા થાયની જેમ આઝાદીથી આજ સુધી પાકિસ્તાનની અવદશા અને નકારાત્મક નીતિથી દેશનું ક્યારેય ઉદ્ધાર થયું નથી. આઝાદીના સાત દાયકા બાદ આવતીકાલે ભારત તેની ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન દિવસે-દિવસે પરતંત્ર તરફ ધકેલાઈ જતું હોય તેવું ચિત્ર ઉભુ થયું છે. પાકિસ્તાનનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે અને વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર થુંકના સાંધા કરવા નિકળી હોય તેમ એક બાદ એક વસ્તુઓ ગીરવે મુકીને પૈસાનો મેળ કરવા પરાવલંબી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદનું સૌથી મોટુ ગ્રીન પાર્ક ૫૦,૦૦૦ કરોડ ઉભા કરવા માટે ગીરવે મુકી દીધું છે.

પાકિસ્તાનના પ્રસારીત માધ્યમોના અહેવાલોમાં પૈસાની તાણને લઈ સરકાર ઈસ્લામાબાદનું વિખ્યાત એફ-૯ પાર્ક ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની લોન માટે ગીરવે મુકવા જઈ રહ્યું છે. વિડીયો કોન્ફરન્સથી વડાપ્રધાન કાર્યાલય સાથે યોજાયેલી મીટીંગમાં કેબીનેટે નક્કી કર્યું હતું. ૭૫૯ એકર એટલે કે સાડા ૧૭૦૦ વિઘા જેટલી હરિયાળી જમીન ગીરવે મુકવાનો વારો આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. પાકિસ્તાને વિદેશના બે મોટા ધીરાણકર્તાઓ સાથે આ સોદો ગર્યો છે. જેમાં સાઉદી અરેબીયા અને સંયુક્ત અરબ અમીરાતનું નામ બહાર આવ્યું છે. ગયા ઓગષ્ટ મહિનામાં સાઉદી અરેબીયાએ ૩ બીલીયન ડોલરની લોન પરત કરવાનું દબાણ કર્યું હતું. ઈસ્લામાબાદ આ આર્થિક કટોકટી ઉકેલવા માટે પ્રયત્નશીલ હતી પરંતુ પૈસાનો ક્યાંય મેળ થયો નથી એટલે હવે નાછુટકે પાકિસ્તાનને ઈસ્લામાબાદનું ઘરેણું એવા એફ-૯ ગ્રીન પાર્ક ગીરવે મુકવાનો વારો આવ્યો છે. સંયુક્ત અરબ અમીરાત પાસેથી પાકિસ્તાન વારંવાર પૈસા લે છે, અત્યારે સંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનના નાગરિકોના વિઝા પણ બંધ કરી દીધા છે અને આ પ્રતિબંધને દૂર કરવા માટે વિદેશ મંત્રી શા મહમદ કુરેશી અનેકવાર આંટા મારી આવ્યા પરંતુ કાંઈ વળતું નથી. ભારત આવતીકાલે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પરતંત્ર તરફ વધુ એક ડગલું ઢસડાઈ ચૂક્યું છે.

Loading...