અમેરિકી પ્રમુખ ટ્રમ્પને આખી દુનિયાના નીપુણ અને લોકપ્રિય નેતા ગણાવતા ભારતના વડાપ્રધાન: અમેરિકામાં નરેન્દ્ર મોદીની વાહ વાહની ધીંગી લહેર! આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવાહો પર સંભવિત અસર

82

એક જ દેશમાં રહેતા હિન્દુ-મુસલમાન વચ્ચે દિલોજાની સ્થપાશે?

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમની હયુસ્ટન (અમેરિકા)ની મુલાકાત દરમ્યાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં કરેલા પ્રવચનમાં ટ્રમ્પને આખી દુનિયા (પ્લેનેટ)ના નીપુણ તથા લોકપ્રિય રાજપુરૂષ તરીકે ઓળખાવીને તેમની અદ્ભૂત વાક્છટાનો તથા તેના દ્વારા ભારત-અમેરિકાના ભાવિ સંબંધોને સાંકળતી વિદેશ નીતિનો ખ્યાલ આપ્યો હતો. અને હજારો શ્રોતાઓની એકધારી વાહવાહ ઝીલી હતી.

હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પર ઉપસ્થિત અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનું નામ લીધા વિના તેને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું હતુ કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક અતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા માટે પ્રતિબધ્ધ છીએ. ટ્રમ્પે પોતાના ભાષણમાં સરહદોની સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે કહ્યું હતુ કે બંને દેશો માટે પોતાની સરહદોની સુરક્ષા કરવી અત્યંત આવશ્યક છે. આ માટે અમે બંને મળીને કદમ ઉઠાવીશું. ટ્રમ્પના આ નિવેદનનો પાકિસ્તાન દ્વારા ભારતીય સીમામાં ઘૂસણખોરીની કોશિષોના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.

શ્રી મોદીના આ અમેરિકાના પ્રવાસની આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવાહો ઉપર કેવી અસર થશે તે જોવાનું રહેશે.

ભારતના વિરોધ પક્ષો અને ઈતિહાસના અભ્યાસીઓએ હજુ આનાં વિષે કોઈ જાતના પ્રત્યાઘાતો આપ્યા નથી.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારતના સત્તાવાર પ્રવાસે આવવાનો ઈશારો કરી દીધો છે.

સૌ પ્રથમ પંડિત જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા તે વખતે લોકપ્રિય અમેરિકન પ્રમુખ જહોન એફ. કેનેડી તેમના પત્ની સાથે ભારતના પ્રવાસે આવ્યા હતા.

શ્રી મોદીના અમેરિકાના પ્રવાસની પાકિસ્તાન, ચીન, અને ઈરાન સહિતના ઈસ્લામિક રાષ્ટ્રો ઉપર કેવી અસર પડશે તે પણ જોવાનું રહેશે.

ખાસ કરીને એક જ દેશમાં રહેતાને એક સરખી નાગરિકતા ધરાવતા હિન્દુ-મુસલમાનો મોદી-ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકાના સંબંધો ગાઢ બનવાની ધારણાએ હાલની માનસિકતાને છોડીને તેમની વચ્ચે બિરાદરીભાવ વધારશે કે એમની હાલની માનસિકતાને વધુ કડવી બનાવશે એ જોવાનું રહેશે.

પાકિસ્તાન જે ઈસ્લામિક રાષ્ટ્ર છે ત્યાં વસતા બિન મુસ્લિમોએ તે રાજયના રીતરિવાજ માન્ય રાખવા પડે છે. હિન્દુ મહિલાઓ બિન્દી લગાડી ન શકે. તેમનો પહેરવેશ નકકી કરવામાં આવ્યું હોય તેવો જ હોવો જોઈએ. જયાં ચોકકસ પ્રકારનાં સંગીત ગીતની મનાઈ હોય આ સઘળું જો તે દેશના કાયદા પ્રમાણે બિન પાકિસ્તાની અને ખાસ કરીને હિન્દુઓએ સ્વીકારવું પડતુ હોય તો ભારતના મુસ્લિમો આ રાષ્ટ્રના બંધારણ વિરૂધ્ધ કેવી રીતે વર્તી શકે તે સમજી શકાતું નથી. ૪૫ વર્ષનાં વહીવટ પછી પણ ખાસ કરીને કોંગ્રેસ પક્ષ મુસ્લિમોને દેશના કાનુનનું સંપૂર્ણ પાલન કરાવવામાં કે દેશના સાચા સંતાનો તરીકે પૂરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.

સાચી વાત તો એ છે કે મુસ્લિમો કરતા હિન્દુઓમાં ભય વિશેષ છે. તેમના મનમાં બેઠેલું અવિશ્ર્વાસનું ભૂત કયારેય જતું નથી. હિન્દુ માનસ હંમેશા રામ જન્મભૂમિ પાછી મેળવવા ચિંતા કર્યા કરશે.

ઘણા હિન્દુઓ એવું માને છે કે, મુસ્લિમોનું વલણ હંમેશા એવું રહે છે કે ‘મારૂ એ તો મારૂ જ છે. પણ તમારૂં છે તે પણ મારૂ છે.’ મુસ્લિમોએ પાકિસ્તાન માંગ્યું અને તેમને તે મળ્યું પણ ખરૂ આજની પેઢી એવું કહે છેકે અમારા બાપદાદાએ કરેલી ભૂલનો ભોગ અમે શા માટે બનીએ પણ એ કેવી રીતે જાણી શકાય કે એ બાપદાદાઓની અત્યારે ભારતમાં હાજરી નથી ?

સોવિયેટ દેશ (રશિયા) અને અમેરિકા જયારે વિશ્ર્વની મહાસત્તા હતા અને બંને વચ્ચે વૈચારિક રીતે અને વૈશ્ર્વિક રાજકારણના સંદર્ભમાં ‘કોલ્ડવોર’ (ઠંડુ યુધ્ધ) ચાલતું હતુ તે વખતે વૈશ્ર્વિક રાજકારણમાં અને યુનોમાં કાશ્મીર પ્રશ્ર્ને કે અન્ય વૈશ્વિક તકરાર વખતે કયારેય અમેરિકાએ ભારતને ટેકો આપ્યો ન હતો. રશિયા જ તેના ‘વિટો’ના હકકના ઉપયોગ સહિત ભારતની પડખે ઉભું રહ્યું હતુ. દશકાઓ સુધી ભારતની વિરૂધ્ધ રહેતા અમેરિકાએ ભારત વિરોધી વિદેશ નીતિ જ અપનાવી હતી. અમેરિકાએ ભારતને તેના વિશ્ર્વાસુ દેશ ગણ્યો જ ન હોતો. એ ઉપરાંત તેણે પાકિસ્તાનને ભારત સાથે સમાન રાષ્ટ્ર ગણીને જ તેને જંગી આર્થિક અને લશ્કરી સહાય આપ્યા કરી હતી.

આતંકવાદી તાલીબાનો સામે લડવા માટે પણ તેણે પાકિસ્તાનનો સાથ લીધો હતો.

હવે મોદી-ટ્રમ્પ ભારત-અમેરિકા વચ્ચે સંબંધોની નવી દિશા ખોલશે, અને બંનેની વિદેશનીતિ નવો વળાંક લેશે એવી કલ્પના થઈ શકે છે.

ભારતના મુસ્લીમોને હિન્દુ પ્રજા સાથે દિલોજાની કેળવવાની તે ફરજ પાડી શકે છે કે કેમઈ તે જોવાનું રહે છે. રામમંદિર-નિર્માણને અને નવા કાશ્મીરને આની સાથે જોડી શકાશે તો તે મોદી-ટ્રમ્પની આ દોસ્તીની મોટી સિધ્ધિ લેખાશે !

Loading...