Abtak Media Google News

તમિલનાડુની ગોમતી મારીમુથુએ વિમેન્સ કેટેગરીની ૮૦૦ મીટર રેસમા સર્વ શ્રેષ્ઠ દેખાવ કરી સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું

તમિલનાડુ: જ્યારે પણ કોઈ ખેલાડી દેશ માટે કોઈ મેડલ જીતીને આવે ત્યારે દેશનું ગૌરવ વધી જાય છે. પરંતુ આ ખુશી બમણી ત્યારે થઈ જાય છે, જ્યારે કોઈ મહિલા રમતવીર દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવે છે. અત્યારે દોહામાં ૨૩મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ ચાલી રહી છે, જેમાં ભારતની ગોમતીએ ૮૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

ભારતની ગોમતી મારીમુથુએ આ ચેમ્પિયનશિપમાં વિમેન્સ કેટેગરીની ૮૦૦ મીટર રેસનું અંતર ૨:૦૨.૭૦ સેક્ધડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯માં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે. ૩૦ વર્ષીય ગોમતીની આ ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ લેપની શરૂઆત નિરાશાજનક રહી હતી. જોકે, આ પછી તેણે શાનદાર વાપસી કરી હતી. જીત બાદ પોતાની ખુશી વ્યક્ત કરતાં ગોમતીએ જણાવ્યું, ’મને ફિનિશિંગ લાઇન સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મેં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. છેલ્લી ૧૫૦ મીટરની રેસ ખૂબ જ અઘરી રહી.’

તમિલનાડુના તિરુચિરાપલ્લીની નિવાસી ગોમતીએ ૨૦ વર્ષની ઉંમરમાં જ દોડવાની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા ખેડૂત હતા. તિરુચરિરાપલ્લીની હોલી ક્રોસ કોલેજમાં ભણતી હતી ત્યારે ગોમતીનું સપનું હતું કે તે કોઈ સારી જગ્યાએ નોકરી કરી પરિવારનો અને ખાસ કરીને તેના પિતાનો આર્થિક ટેકો બનશે. પરંતુ તેનામાં રહેલા દોડવાના ટેલેન્ટને તેની મિત્ર શ્રુતિએ બહાર લાવ્યું અને રેસની તાલીમ લેવા માટે તેને પ્રેરિત કરી. ગોમતીને બેંગલુરુના આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નોકરી મળી ગઈ હોવા છતાં ગોમતી નિયમિતપણે દોડની તાલીમ લેતી હતી. અગાઉ ૨૦૧૩માં પણ તેણે પુણેમાં એશિયન ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટરની દોડમાં ફાઇનલમાં સાતમા સ્થાને રહી હતી. બે વર્ષ પછી ચીનના વુહાનમાં તે જ ઈવેન્ટમાં ગોમતી ચોથા સ્થાને રહી. ગોમતી આ જ ચેમ્પિયનશિપમાં ભવિષ્યમાં ગોલ્ડ મેડલ જીતવા માગતી હતી પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૬માં તેના પિતાને આંતરડાનું કેન્સર થયું અને તેઓ મૃત્યુ પામ્યાં. પિતાના અવસાન બાદ તેની માતા ડિપ્રેશનમાં જતી રહી અને આખા પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેના પર આવી ગઈ.

તે જ વર્ષે ડિસેમ્બર મહિનામાં ગોમતી એક રેસમાં પડી ગઈ અને તેને પગમાં ગંભીર ઇજા થઈ. આ ઈજામાંથી સ્વસ્થ થઈ ત્યાં થોડા મહિનાઓમાં તેના કોચનું હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ગયું. તેમ છતાં તેણે દોડની તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. જોકે, આ દરમિયાન તે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાનું ચૂકી ગઈ. પરંતુ આખરે તેણે ગોલ્ડ મેડલ જીતવાનું પોતાનું સપનું પૂરું કર્યું. ગોમતીના જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ ખૂબ મહેનત અને સખત તાલીમ બાદ ૧૦ વર્ષે ગોમતી પોતાની કરિયરનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.