ભારતનું ફોરેન રિઝર્વ રેકોર્ડ બ્રેક ૫૬૮ બિલીયન ડોલરને પાર

વિદેશી હુંડિયામણથી ‘ખિસ્સા’ છલકાયા !

ગત સપ્તાહમાં ૮ બિલીયન ડોલરનો વધારો નોંધાયો

કોરોના સમયમાં દેશની અર્થવ્યવસ્થાને અત્યંત માઠી અસરનો સામનો કરવો પડયો હતો પરંતુ બીજી તરફ દેશના વિદેશી રોકાણમાં અનેકગણો વધારો નોંધાયો છે. આંકડાકિય માહિતી અનુસાર વિદેશી હુંડિયામણ દ્વારા દેશના ખિસ્સા છલકાયા છે તો બીજી તરફ ભારતનું ફોરેન રીઝર્વ પણ ૫૬૮ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે. ગત સપ્તાહમાં દેશના વિદેશી હુંડિયામણમાં ૮ બિલીયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતનું વિદેશી હુંડિયામણ ૪૨.૬૦ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. આ સ્થિતિને ધ્યાને લઈ વિદેશી દેશો અને વિદેશી કંપનીઓનો ભારત પ્રત્યેનો જે વિશ્ર્વાસ જોવા મળ્યો છે તેનું આ પરિણામ સામે આવ્યું છે. ગત સપ્તાહમાં ભારતનું વિદેશી હુંડિયામણ ૧૮૩ મિલીયન ડોલરે પહોંચ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ દેશના જે વિદેશી હુંડિયામણમાં જે વધારો નોંધાયો છે તેમાં હાલ વિદેશી મિલકતોના વધારાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે જેનાથી દેશના તમામ અનામતોમાં મહદઅંશે વધારો પણ થયો છે. ફોરેન કરન્ટ અસેટ છ બિલીયન ડોલરથી વધી ૫૨૪ બિલીયન ડોલરે પહોંચ્યો છે જેનું મુખ્ય કારણ નોન યુએસ યુનિટ એટલે કે યુરો, પાઉન્ડ અને યેનમાં વધ-ઘટ થવાના કારણે ભારત દેશમાં ફોરેન રીઝર્વનું પ્રમાણ અનેકઅંશે વધતુ જોવા મળ્યું છે. ગત સપ્તાહની જો વાત કરવામાં આવે તો ગોલ્ડ રીઝર્વમાં ૧.૩ બિલીયન ડોલરનો વધારો થઈ ૩૭ બિલીયન ડોલરે પહોંચ્યો છે જે અંગેની માહિતી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી છે.  દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ વિકસિત થઈ શકે છે જયારે દેશનું વિદેશી હુંડિયામણ ઘણાખરા અંશે વધુ જોવા મળતું હોય ત્યારે હાલની સ્થિતિ મુજબ ભારત પર વિદેશી દેશોનો વિશ્ર્વાસ અનેકઅંશે વધારાની સાથે દ્રઢતાપણ જોવા મળે છે. ભારત દેશ માટે ઉજળા સંજોગો અને સંયોગો પણ બન્યા છે અને વિદેશમાં વ્યાપાર કરવા માટેની અનેકવિધ તકો પણ ઉભી થઈ છે. હાલ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન જે રીતે પુરઝડપે આગળ વઘ્યું છે તેનાથી અનેકવિધ વિદેશી કંપનીઓ ભારતમાં આવી રોકાણ કરી રહ્યા છે જેનો સીધો જ ફાયદો દેશ અને દેશની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળે છે. વડાપ્રધાન મોદીનું ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથના લક્ષ્યાંક અને સ્વપ્નને સાકાર કરવામાં આ વિદેશી રોકાણો અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે જેથી એ વાત ઉપર સ્પષ્ટતા થઈ શકે કે ઉધોગ ક્ષેત્રે ભારતનું ભાવિ ખુબ જ મજબુત અને વિકાસલક્ષી છે.

Loading...