ભારતની દિલદારી: વાવાઝોડાંમાં અસ્તવ્યસ્ત થયેલા આ દેશને કરી મોટી મદદ

મહામારીના સમયમાં પડકારો વચ્ચે એનડીઆરએફની શ્રેષ્ઠ કામગીરી

ભારતે વાવાઝોડાંથી અસરગ્રસ્ત ફિજિને છ ટનથી વધુની રાહત સામગ્રી મોકલી છે. આ ઉપરાંત, બીજી મદદ ૬ જાન્યુઆરી ને રોજ મોકલવામાં આવી છે. આ સંદર્ભે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે ઊભા થયેલા પડકારો છતાંપણ એનડીઆરએફ ની ટીમે ખૂબ ઓછા સમયમાં છ ટનથી વધુ રાહત સામગ્રી ભેગી કરી, જિને એર ઇન્ડિયા અને ફિજિ એરવેઝની મદદથી સિડની થઈને ફિજિ મોકલવામાં આવી.  વિદેશ મંત્રાલયે કહ્યું કે દક્ષિણના પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ સમાન દેશ ફિજિમાં ૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ ગ્રેડ ૫નું યાસા નામનું વાવાઝોડું આવ્યું હતું, જેણે મોટા પાયે ફિજિને નુકસાન પહોંચાડીને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચ રને નષ્ટ કરી નાખ્યું હતું. ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં આશ્રય અને સ્વચ્છતા કિટ સામેલ છે, જે વાવાઝોડાંથી અસરગ્રસ્ત સમુદાયોને તાત્કાલિક સહાયતા પ્રદાન કરશે.  વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. ૨૦૧૬માં ફિજિમાં આવેલા વિન્સ્ટન વાવાઝોડાંએ પણ ખૂબ તારાજી સર્જી હતી અને ત્યારે પણ ભારત ફિજિની પડખે મજબૂતીથી ઊભું રહ્યું હતું. યાસા વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને હવે જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે, તે મિત્રદેશોને પહેલી પ્રતિક્રિયા તરીકે માનવીય સહાયતા તેમજ આફતમાં રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Loading...