યજમાન ઓસ્ટ્રેલીયાને હરાવી ભારતીય મહિલાઓએ ટી-૨૦ વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ કર્યો

ફિલ્ડીંગમાં ભારતીય ટીમનાં ‘ઓલ રાઉન્ડ’ પ્રદર્શની કાંગારૂઓનથી ટીમ ૧૧૫ રનમાં પેવેલીયન ભેગી

હાલ જે રીતે ક્રિકેટમાં ભારતીય પુરૂષોએ તેમનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, તેની સાથો સાથ હવે મહિલાઓ પણ પાછળ રહી નથી. યજમાન ઓસ્ટ્રેલીયા સામે ટી-૨૦ વિશ્ર્વકપમાં પ્રથમ મેચ રમતા ભારતીય ટીમે કાંગારૂને ૧૭ રને માત આપી છે, જેમાં ભારતીય ટીમ તરફી પૂનમ યાદવે ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ૧૩૩ રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી. ઓસ્ટ્રેલીયાની ટીમ માત્ર ૧૧૫ રન જ બનાવી શકી હતી. એક સમયે એવું લાગતું હતું કે, ઓસ્ટ્રેલીયા તેનો પ્રથમ મેચ ખૂબજ સરળતાથી જીતી જશે, પરંતુ તે શક્ય બન્યું ન હતું.

વિમેન્સ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે વિજયી શરૂઆત કરી છે. ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૩૨ રન નોંધાવ્યા હતા. પરંતુ પૂનમ યાદવની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ટકી શકી ન હતી અને ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૧૫ રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ભારતે ૧૭ રને વિજય નોંધાવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ પૂનમ યાદવે ચાર ઓવરમાં ૧૯ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો પૂનમે જ આપ્યો હતો. તેણે ૩૨ રનના સ્કોર પર તેણે બેથ મૂનીને આઉટ કરી હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ ઘણી કંગાળ રહી હતી અને ફક્ત બે જ ખેલાડી બે આંકડાનો સ્કોર નોંધાવી શકી હતી. પૂનમ યાદવ અને શિખા પાંડેની જોડીએ ઓસ્ટ્રેલિયન ખેલાડીને લાચાર બનાવી દીધી હતી.ઓપનર એલીસા હિલીએ ૫૧ રન ફટકાર્યા હતા પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શકી ન હતી. તેણે ૩૫ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૫૧ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત એશ્લે ગાર્ડરને ૩૬ બોલમાં ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે પૂનમ યાદવે ચાર, શિખા પાંડેએ ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે એક વિકેટ ઝડપી હતી.અગાઉ ભારતે દીપ્તિ શર્મા સહિત અન્ય ખેલાડીઓની મહત્વની ઈનિંગ્સની મદદથી ૧૩૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના ફક્ત ૧૦ જ રન નોંધાવી શકી હતી. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર બે રને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

જોકે, મિડલ ઓર્ડર ખેલાડી દિપ્તી શર્માએ ૪૯ રનની અણનમ ઈનિંગ્સ રમીને ભારતના સ્કોરને સન્માનજક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. આ ઉપરાંત ઓપનર શેફાલી વર્માએ ૨૯ અને જેમિમા રોડ્રિગ્સે ૨૬ રનનું યોગદાન આપ્યું હતું.

Loading...