ભારતીય ટીમ ‘સમર’ ઈંગ્લેન્ડમાં મનાવશે!: પાંચ ટેસ્ટ મેચની સીરીઝ જાહેર

આગામી વર્ષ ૨૦૨૧ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ એટલે કે ઈસીબીએ ક્રિકેટનું શેડયુલ જાહેર કર્યું છે જેમાં ઈંગ્લેન્ડે ભારતને પાંચ ટેસ્ટ રમવા માટે આમંત્રિત પણ કર્યું છે. કહેવાય છે કે ઈસીબી દ્વારા જે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે તે સમર કેલેન્ડર છે. ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ ૨૦૨૧માં પાંચ ટેસ્ટ રમવા ઈંગ્લેન્ડ પ્રવાસ ખેડશે જેમાં ટ્રેન્ટ બ્રિજ, લોડર્સ, હેડીંગલે, ઓવલ અને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ટેસ્ટ મેચ રમાશે જેમાં પ્રથમ ટેસ્ટ ૪ ઓગસ્ટથી શરૂ થનારી છે. ઈસીબીએ તેના સમર કેલેન્ડર જાહેર કરતા જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીરીઝની યજમાની કરશે જેમાં પુરુષ, મહિલા અને અપંગ લોકો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ વન-ડે તથા પાકિસ્તાન સામે પણ ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. હાલની સ્થિતિ મુજબ ઈંગ્લેન્ડ વુમનની ટીમ સાઉથ આફ્રિકા સામે વન-ડે અને ટી-૨૦ સીરીઝ રમશે. કહેવાય છે કે ઈંગ્લેન્ડનું સમર અત્યંત રમણીય હોવાથી ભારતીય ટીમ માટે ઓગસ્ટનો ઈંગ્લેન્ડ પ્રવાસ અત્યંત ફાયદારૂપ અને મહત્વપૂર્ણ સાબિત થશે.

Loading...