વુમન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો દબદબો જારી

240

પૂનમ યાદવનો ચમત્કારીક ‘સ્પેલ’ ઓસ્ટ્રેલીયાની જેમ બાંગ્લાદેશને પણ માત આપી

હાલ ઓસ્ટ્રેલિયા ખાતે વુમન્સ ટી.૨૦ વિશ્ર્વકપ રમાઈ રહ્યો છે.ત્યારે ગ્રુપએ ભારતે તેની શરૂઆત જીતથી કરી હતી અને ઓસ્ટ્રેલીયાને હરાવ્યું હતુ એવી જ રીતે ટીમે તેનો બીજો મેચ બાંગ્લાદેશ સામે રમ્યો હતો. જેમાં ભારતીય મહિલા ટીમે મેચ ૧૮ રને જીત્યો હતો. જેમાં ટીમમાં શૈફાલી વર્મા તથા લેગ સ્પીનર પૂનમ યાદવે તરખાટ મચાવી બાંગ્લાદેશને ઘૂંટણીયે પાડયું હતુ.

પ્રથમ મેચમાં પણ પૂનમ યાદવે ૪ ઓવરમાં ૧૯ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી જયારે બાંગ્લાદેશ સામેનાં મેચમાં પૂનમ યાદવેફરી તરખાટ મચાવી ૩ વિકેટ ઝડપી હતી. આમ પુનમે માત્ર બે મેચમાં ૭ વિકેટ ઝડપી છે.ત્યારે ઓપનર શૈફાની વર્માએ માત્ર ૧૭ બોલ રમી ૩૯ રન નોંધાવ્યા હતા અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.

આઈસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સળંગ બીજો વિજય નોંધાવ્યો છે. ભારતીય મહિલા ટીમે સોમવારે રમાયેલી ગ્રૂપ-એની મેચમાં બાંગ્લાદેશ સામે ૧૮ રને વિજય નોંધાવ્યો હતો. ભારતના વિજયમાં શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સએ શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે પૂનમ યાદવની સ્પિન બોલિંગ સામે બાંગ્લાદેશી ખેલાડી ટકી શકી ન હતી.

બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૪૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૨૪ રન જ નોંધાવી શકી હતી. અગાઉ ભારતે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જ યજમાન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને પરાજય આપ્યો હતો.ભારત માટે ઓપનર શેફાલી વર્માએ તોફાની બેટિંગ કરી હતી. જેને સામે છેડે જેમિમા રોડ્રિગ્સનો સાથ મળ્યો હતો. આ બંને જોડીની શાનદાર બેટિંગની મદદથી પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. શેફાલી વર્માએ ૧૭ બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. જ્યારે રોડ્રિગ્સે ૩૭ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૪ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત અંતિમ ઓવર્સમાં વેદા કૃષ્ણમૂર્તિએ ૨૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ૪૪ રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. મુર્શીદા ખાતુન અને નિગાર સુલતાનાએ થોડી લડત જરૂર આપી હતી પરંતુ ભારતીય બોલર્સે નિયમિત અંતરે વિકેટ મેળવી હતી અને બાંગ્લાદેશને દબાણમાં રાખ્યું હતું. મુર્શીદાએ ૩૦ અને નિગારે ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે પૂનમ યાદવે ત્રણ તથા શિખા પાંડે અને અરૂણધતી રેડ્ડીએ બે-બે વિકેટ ઝડપી હતી.

Loading...