Abtak Media Google News

બનારસનું પ્યોર સિલ્ક, ગુજરાત અને રાજસ્થાનના પટોળા અને બાંધણી, કાંચીપુરમ્ અને તાંજોરનું પાતળું બંધેજ અને ટેમ્પલ સિલ્ક, ઓરિસ્સાનું ઈકત., આ યાદી હજી ઘણી લંબાઈ શકે છે. અહીં આપણે નોંધવું રહ્યું કે ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં મલબરી, ઇરી, ટશર અને મુગા એમ ચારેય જાતના સિલ્ક બનાવવામાં આવે છે. આજે આપણે આ રેશમ વિશે થોડી માહિતી મેળવીશું.

 

મલબરી  

વજનમાં એકદમ હળવું અને કુદરતી રીતે ચળકતું આ સિલ્ક તેના ફિનિશિંગ માટે જાણીતું છે. ફેશન ડિઝાઈનરોને મલબરી સિલ્ક અત્યંત પ્રિય છે. 

ટશર 

ટશર સિલ્ક એકદમ સુંવાળુ નથી હોતું પણ થોડું ખરબચડું હોવાથી તેનો ઉપયોગ ફર્નિશિંગ ફેબ્રિક તરીકે વધારે થાય છે. આ સિલ્કમાં પુષ્કળ રંગો- ડિઝાઈનની વિવિધતા જોવા મળે છે. 

ઇરી 

મેટ ફિનિશ સાથે કુદરતી ચળકાટ ધરાવતું ઇરી સિલ્ક તેની આ ખૂબીને કારણે ઉચ્ચ ગુણવત્તાના ફર્નિશિંગ માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. આ સિવાય તેમાંથી શાલ, સ્ટોલ અને અન્ય ફેશન એકસેસરીઝ પણ બનાવવામાં આવે છે.

મુગા 

આ સિલ્ક મૂળભૂત રીતે ચળકતા સોનેરી રંગનું હોય છે. પુરુષોના ઝભ્ભા અને શર્ટ ઉપરાંત સંખ્યાબંધ ફેશનેબલ પોશાક બનાવવામાં ફેશન ડિઝાઈનરો મુગા સિલ્કનો ઉપયોગ કરે છે.

આપણે ત્યાં પ્રસંગોપાત સિલ્કના વસ્ત્રો પહેરવાને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. વળી કારીગરો તેને વિવિધ વણાટ અને પ્રિન્ટમાં એવી રીતે રજૂ કરે છે કે તે જોનારનું મન મોહી લે. રેશમમાં હેન્ડ-બ્લોક પ્રિન્ટ, સ્ક્રીન-પ્રિન્ટિંગ અને હેન્ડ પેઈન્ટ ખાસ્સા જાણીતા છે.

હેન્ડ – બ્લોક પ્રિન્ટ 

ચોક્કસ પ્રકારના હેન્ડ-બ્લોક પર બનાવેલી ડિઝાઈનને માત્ર વેજિટેબલ ડાઈનો ઉપયોગ કરીને રેશમ પર ઉતારવામાં આવે ત્યારે તે એકદમ રિચ દેખાય છે. આવી પ્રિન્ટની સાડી અને પંજાબી સુટ પહેરનારનું વ્યક્તિત્વ ખિલી ઊઠે છે. 

સ્ક્રીન – પ્રિન્ટિંગ 

પ્યોર સિલ્ક પર વિવિધ પ્રાંતના લોકો તેમના પ્રદેશની ઓળખ સમી ડિઝાઈન બનાવીને તેમાં મનમોહક રંગોની ભાત પાડે છે. સિલ્કને પિછાણનારા લોકો આ પ્રિન્ટ જોઈને કહી શકે છે કે તે કયા પ્રાંતની છે. 

હેન્ડ પેઇન્ટિંગ 

 દુનિયાભરના ફેશન ડિઝાઈનરોમાં ભારતનું સિલ્ક એટલું પ્રિય થઈ પડયું છે કે તેઓ આ સિલ્ક પર પોતાની હેન્ડ પેઇન્ટિંગ ડિઝાઈન કરીને તેને અનોખો ઓપ આપે છે. તેઓ શિફોન, સામો-શાટિન, જેકાર્ડ શાટિન અને ક્રેપને પણ એટલું જ મહત્ત્વ આપે છે. હવે લોકો એવા વેઅર પસંદ કરી રહ્યો છે જેનો વજન ઓછો હોય તેથી ફેશન ડિઝાઇનરો એવા મટીરિયલ યુઝ કરે છે જેનાથી ઓછા વજનવાળા વેઅર તૈયાર કરી શકાય.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.