Abtak Media Google News

યોગા ફોર હાર્ટની થીમ આધારિત વિશ્વ યોગ દિનની રાજકોટના રેસકોર્સમાં ઉત્સાહપૂર્વક ઉજવણી

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય રાખવા માટે માનવ સમાજને ભારત તરફથી મળેલી સાધના પદ્ધતિ યોગની વૈશ્વિક ઓળખ સમાન વિશ્વ યોગ દિનની રાજકોટ શહેર અને જિલ્લામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેસકોર્સના મેદાનમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મંત્રી જયેશભાઇ રાદડિયા સહભાગી બન્યા હતા.

યોગા ફોર હાર્ટની થીમ આધારિત વિશ્વ યોગ દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં પ્રારંભે મંત્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલના પરિણામે યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. તેનાથી ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો ઉપર પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી છે. જેનાથી લોકોને યોગને પોતાના દૈનિક જીવનમાં ઉતારી સ્વસ્થ રહેવાની પ્રેરણા મળશે. તેમણે આ આયોજનની પ્રશંસા પણ કરી હતી.  મેયર બિનાબેન આચાર્યએ યોગ દિનની ઉજવણીની રૂપરેખા આપી શહેરમાં એક્વા યોગા અને મહાત્મા મ્યુઝિયમ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વિડીઓ મેસેજ અને ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ બન્ને મહાનુભાવોએ યોગનું મહત્વ સમજાવ્યું હતું.

શ્રીલંકા ખાતે યોજાયેલી યોગાસનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ કુ. હેતસી વસાણીનું મંત્રી રાદડિયા તથા મહાનુભાવોએ સન્માન કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના દીપકભાઇ પંજાબીએ વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસના જવાનો, એનસીસી કેડેટ્સ, શહેરીજનોએ યોગિક પ્રક્રીયાએ ઉત્સાહપૂર્વક કરી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાપાલિકાના પદાધિકારી જયમીનભાઇ ઠાકર, દેવાંગભાઇ માંકડ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, અધિક પોલીસ કમિશનર અજય ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની અને મનોહરસિંહ જાડેજા, કર્નલ મનિષ નાટુ, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.