Abtak Media Google News

૩૯૯ રનના લક્ષ્યાંક સામે ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલીયાની ટીમે ૮ વિકેટના ભોગે ૨૫૮ રન બનાવ્યા: જાડેજાએ ૩, બુમરાહ અને શામીએ ૨-૨ વિકેટો ખેડવી

મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા નિશ્ર્ચીત જીત ભણી આગળ ધપી રહ્યું છે. બોક્સિગં ડે ટેસ્ટમાં ઐતિહાસિક વિજયથી ભારત માત્ર ૨ વિકેટ છેટું હોય ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસ માત્ર ઔપચારીકતા પૂરતો રહે તેવું માનવામાં આવી રહ્યું છે. ટેસ્ટ જીતવા માટે મળેલા ૩૯૯ રનન લક્ષ્યાંક સામે ચોથા દિવસની રમતના અંતે ઓસીએ ૮ વિકેટના ભોગે ૨૫૮ રન બનાવી લીધા છે અને હજુ ઓસીને જીતવા ૧૪૧ રનની આવશ્યકતા હોય ભારતની જીત લગભગ નિશ્ર્ચીત માનવામાં આવી રહી છે.

મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્ર્વર પૂજારાની શાનદાર સદી, ઓપનર મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને રોહિત શર્માની આક્રમક અર્ધ સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં ૭ વિકેટ ગુમાવી ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જસપ્રીત બુમરાહની આગઝરતી બોલીંગ સામે એક પણ ઓસ્ટ્રેલીયન બેટ્સમેન ઝાક ઝીલી ન શકતા ઓસીની પ્રથમ ઈનીંગ માત્ર ૧૫૧ રનમાં સમેટાઈ ગઈ હતી. બુમરાહે માત્ર ૩૨ રન આપી ૬ વિકેટો ખેડવી હતી.

ભારતીય ટીમે બીજા દાવમાં મયંક અગ્રવાલના ૪૨ અને રીષભ પંતની ૩૩ રનની મદદથી ૮ વિકેટના ભોગે ૧૦૬ રન બનાવી પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ઓસ્ટ્રેલીયાને જીતવા માટે ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રીતે મેલબોર્નનની વિકેટ ટર્ન લઈ રહી છે તે જોત લાગી રહ્યું છે કે, ચોથા દિવસે જે બોક્સિગં ડે ટેસ્ટનું પરિણામ આવી જશે. જો કે, ઓસી. બેટ્સેમેનોએ મકકમતાપૂર્ણ બોલરોનો સામનો કરી ત્રીજી ટેસ્ટમાં પોતાની હારને એક દિવસ પાછળ ધકેલી હતી.

ઓસ્ટ્રેલીયા માત્ર ૧૩૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતા એવું લાગી રહ્યું હતું કે, આજે ભારતની જીત થઈ જશે જો કે એક છેડે કમીંગ્સે તમામ ભારતીય બોલરોને મચક આપ્યા વીના આક્રમક બેટીંગ કરવાનું જારી રાખ્યું હતું તે ૧૦૩ બોલમાં ૪ ચોગ્ગા અને એક સીકસર ફટકારી હાલ ૬૧ રન પર અણનમ છે. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલીયાએ ૮૫ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૨૫૮ રન નોંધાવી લીધા છે.

ઓસ્ટ્રેલીયાએ ટેસ્ટ મેચ જીતવા માટે હજુ ૧૪૧ રનની જરૂરીયાત છે અને માત્ર ૨ વિકેટ હાથમાં છે જે રીતે વિકેટનો મિજાજ છે તે જોતા લાગી રહ્યું છે કે, પાંચમાં દિવસના આરંભે પ્રથમ એક કલાકમાં જ ત્રીજા ટેસ્ટનું પરિણામ આવી જશે. ભારત અને ઓસી. વચ્ચે રમાનારી ચાર ટેસ્ટની શ્રેણી હાલ ૧-૧ની બરાબરી પર ચાલી રહી છે. મેલબોર્ન ટેસ્ટમાં ભારત જીત હાંસલ કરી શ્રેણીમાં ૨-૧ની અજય લીડ હાંસલ કરી લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.