Abtak Media Google News

વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ટીમ પણ ફેવરિટ

ગુગલનાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે, વિશ્વકપ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ થવો જોઈએ. પિચાઈનાં જણાવ્યા મુજબ તેઓ ક્રિકેટના મોટા ફેન છે. બુધવારે તેમને યુએસઆઈબીસીની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ અપાયો હતો. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે, જયારે હું અમેરિકા આવ્યો તો મેં બેઝબોલ સાથે યોગ્ય સમતુલા જાળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને આ ક્રિકેટની તુલનાએ ઘણું જ કઠિન લાગ્યું. કાર્યક્રમમાં અમેરિકી નાગરિકો ઉપરાંત અમેરિકાનાં વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સહિત ભારત અને અમેરિકાનાં મોટા કોર્પોરેટ એકઝીકયુટીવ્સ પણ હાજર હતા.

વર્લ્ડકપ ફાઈનલનાં સવાલ પર પિચાઈએ કહ્યું કે, તમે જાણો જ છો કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઘણી સારી ટીમ છે. જોકે આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે થવી જોઈએ. ખરેખરમાં પિચાઈએ યુએસ આઈબીસીનાં અધ્યક્ષ નિશા દેસાઈએ પૂછયું હતું કે, તમારે હિસાબે વર્લ્ડકપની ફાઈનલ કયાં બે દેશ વચ્ચે રમાશે ? આ અવસર પર પિચાઈએ અમેરિકામાં ક્રિકેટ અને બેઝબોલથી જોડાયેલો અનુભવ પણ શેર કર્યો હતા. તેણે કહ્યું કે, જયારે હું પહેલી વાર અહીંયા આવ્યો તો મેં બેઝબોલને અપનાવાની કોશિશ કરી હતી. જોકે હું સ્વીકાર કરું છું કે તે થોડું અઘરું હતું. પહેલીવાર હું આ રમત રમ્યો તો બોલને બહાર સારો શોટ હતો, તે વિચારીને હું ખુશ થયો હતો. જોકે ત્યાં હાજર લોકોને તે પસંદ આવ્યો ન હતો.

પિચાઈએ કહ્યું કે, ક્રિકેટમાં તમે દોડો તો પોતાનું બેટ સાથે લઈને દોડતા હોવ છો, તેથી જ હું બેઝબોલમાં પણ બેટ હાથમાં લઈને દોડયો હતો. પછી લાગ્યું આ થોડું ચેલેજિંગ કામ છે. મેં નકકી કર્યું કે બીજી બધી વસ્તુઓ સાથે એડજસ્ટ કરીશ, પરંતુ ક્રિકેટનો સાથ કયારેય છોડીશ નહીં. પિચાઈએ કહ્યું કે, તાજતેરમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ એક શાનદાર ટુર્નામેન્ટ છે. હું શરૂઆતથી ભારતનાં સારા પ્રદર્શનને લઈને આશાવાદ છું. જોકે ત્યાં અન્ય સારી વસ્તુઓ પણ છે.

વિશ્ર્વકપમાં એકમાત્ર ગુગલ નહીં પરંતુ અનેકવિધ કંપનીઓનાં સીઈઓ પણ ક્રિકેટનાં હરહંમેશ વખાણ કરતા હોય છે અને તેઓ ક્રિકેટનાં પ્રશંસકો હોવાનું જણાવે છે ત્યારે વિશ્ર્વકપમાં ભારતીય ટીમનો ફાઈનલમાં વિજય થશે તે પણ લોકો ધારણા કરી રહ્યા છે અને ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે તેવું પણ અનુમાન લગાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.