Abtak Media Google News

કોરોનાથી અનેકવિધ ક્ષેત્રને માઠી અસરનો સામનો કરવો પડયો છે આ તમામ ક્ષેત્રને કેવી રીતે બેઠા કરી શકાય તે દિશામાં સરકાર પ્રયત્ન પણ હાથધરી છે ત્યારે કોરોનાએ ક્રિકેટને પણ અસર પહોંચાડી છે. મહામારીથી ક્રિકેટની અનેકવિધ ટુર્નામેન્ટો મુલત્વી રાખવામાં આવી છે તો ઘણીખરી ટુર્નામેન્ટ કેન્સલ પણ કરાઈ છે. બીજી તરફ બીસીસીઆઈ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડ વચ્ચે ટેલીકોન્ફરન્સ મારફતે ઓગસ્ટનાં અંતમાં ભારત આફ્રિકા ટુર કરી ત્રણ ટી-૨૦ મેચ રમે તે વાત પર ચર્ચા કરવામાં આવી હતી જેને લઈ બીસીસીઆઈનાં વડા સૌરવ ગાંગુલીએ હકારાત્મક વલણ દાખવી ટુર્નામેન્ટ રમવાની હા પાડી છે જેને લઈ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડનાં ગ્રેમ સ્મિથ દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

ભારત અને સાઉથ આફ્રિકા ઓગસ્ટના અંતમાં ત્રણ ટી-૨૦ની સીરિઝ રમવા તૈયાર છે, જો બંને દેશના ગવર્મેન્ટ રેગ્યુલેશન (સરકારી નિયમ) આ માટે પરવાનગી આપે છે. આ સીરિઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ફ્યુચર ટૂર પ્રોગ્રામનો ભાગ નહોતી. પરંતુ આ વિશે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના ડાયરેકટર ગ્રેમ સ્મિથ અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ફેબ્રુઆરીમાં ચર્ચા કરી હતી. બંનેએ ગઈકાલે ટેલીકોન્ફરન્સમાં આ સીરિઝને ફાઇનલ કરી. સ્મિથે કહ્યું કે, અમારી બીસીસીઆઈ સાથે વાત ચાલુ છે. અને બંને તરફથી ત્રણ ટી-૨૦ની સીરિઝ રમવાનો કમિટમેન્ટ પૂરો છે. જોકે કોઈને ખબર નથી કે ઓગસ્ટમાં પરિસ્થિતિ શુ હશે. જોકે અમે માનીએ છીએ કે બંધ સ્ટેડિયમમાં સીરિઝ રમી શકીએ છીએ. સાઉથ આફ્રિકા વિન્ડિઝ સામે જુલાઈમાં ૨ ટેસ્ટ અને ૫ ટી-૨૦ની સીરિઝ રમવાનું છે.

ગ્રેમ સ્મિથે કહ્યું કે, સીરિઝ થાય તે માટે બધા વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. અમે ન્યુટ્રલ વેન્યુ પર પણ રમવા તૈયાર છીએ. અમે કવોરન્ટીન રેગ્યુલેશન પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ૨૦૧૯-૨૦ની સાઇકલ પહેલા આગામી ૪ વર્ષ માટે ૩૬ મિલિયન યુએસ ડોલરના નુકસાનનું અનુમાન કર્યું હતું. કોરોનાવાયરસના કારણે તેમાં ૨૦ મિલિયન યુએસ ડોલરનો વધારો થયો છે. તે આંકડો હવે ૫૬ મિલિયન યુએસ ડોલરે પહોંચી ગયો છે. બોર્ડના સીઈઓ જેક્સ ફોલે કહ્યું કે, જો ભારત સામેની સીરિઝ ઓગસ્ટમાં સ્થગિત થાય તો વાંધો નથી. આ સીરિઝ ફેબ્રુઆરી ૨૦૨૧ પહેલા રમવામાં આવે તો બોર્ડને નાણાકીય રીતે સારો બૂસ્ટ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.