Abtak Media Google News

ટુર્નામેન્ટનું આયોજન થતા ટેલિવિઝન રાઈટસ થકી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને નાણા મળવાની આશા

કોરોનાને લઈ રમત-ગમત ક્ષેત્રને ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે બીજી તરફ ક્રિકેટ રમત પણ કોરોનાથી અસરગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ નાણાકિય તાણમાંથી મુકત થવા માટે શ્રીલંકાએ ભારતીય ક્રિકેટ ટીમને આમંત્રિત કરી છે સાથોસાથ બીસીસીઆઈએ પણ શ્રીલંકા ટુરને મંજુરી આપી છે.

આવનારા ઓગસ્ટ માસમાં લીમીટેડ ઓવર એટલે કે વન-ડેની સીરિઝ ભારત શ્રીલંકા સામે રમશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડનાં પ્રમુખનું માનવું છે કે, આ ટુર્નામેન્ટ થકી ટેલિવિઝન રાયટસ અપાતા નાણા એકત્રિત કરાશે અને આ કપરી પરિસ્થિતિમાંથી બહાર પણ આવી શકાશે.  ભારતીય ક્રિકેટ સમર્થકો ઘણી જલદીથી પોતાના સ્ટાર ખેલાડીને ફરીથી મેદાનમાં રમતા નિહાળી શકશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે જ્યાં તે વન-ડે શ્રેણી રમશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇએ સોમવારે જ શ્રીલંકન બોર્ડને આ શ્રેણી માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જોકે ભારત સરકાર આ પ્રવાસને મંજૂરી આપશે તો શ્રેણી રમાશે. બંને ટીમો વચ્ચે અગાઉના કાર્યક્રમ મુજબ જૂન મહિનામાં ત્રણ વન-ડે તથા ત્રણ ટી૨૦ મેચ રમાવાની હતી. બીજી તરફ શ્રીલંકન બોર્ડે પણ આ દ્વિપક્ષીય શ્રેણી માટે પોતાના દેશના રમતમંત્રાલયની મંજૂરી લેવી પડશે. ઓગસ્ટમાં લોકડાઉનના નિયમોમાં તથા પ્રવાસ સંબંધી શરતોમાં રાહત આપવામાં આવી શકે છે.

આ સ્થિતિમાં શ્રીલંકન બોર્ડને ભારત સામેની પ્રસ્તાવિત શ્રેણી માટે મંત્રાલયની મંજૂરી મળી જશે તેવી આશા છે. શ્રીલંકન બોર્ડ ટેલિવિઝન અધિકારોના માધ્યમથી પોતાની આવક વધારવા માટે ક્રિકેટ શ્રેણીઓ પણ વધારે મદાર રાખે છે. દરમિયાનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની મંજૂરી મળ્યા બાદ શ્રીલંકા આગામી એશિયા કપ ટી૨૦ ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ બાબતને પણ પ્રમુખ શમ્મી સિલ્વાએ સમર્થન આપ્યું છે. એશિયા કપ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યુએઇ ખાતે પાકિસ્તાન દ્વારા રમાડવામાં આવનારો હતો પરંતુ એસએલસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ એહસાન મનીની ૨૦૨૨ની ઇવેન્ટ સાથે પ્રાયોજન અધિકાર આપવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.