Abtak Media Google News

આફતને અવસરમાં ફેરવવાનો મોકો…

દિલ્હી-મેરઠ એકસપ્રેસ હાઈવે ૫૦૦ ટન પ્લાસ્ટીકની મદદથી બનાવાશે

ભારત દેશમાં અને વિશ્વમાં કોઈપણ સરકાર માટે માથાનો દુખાવો હોય તો તે પ્લાસ્ટીકનો ઉપયોગ માનવામાં આવે છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે દિશામાં તમામ દેશ વિચાર કરી રહ્યું છે ત્યારે સારા સમાચાર એ છે કે ભારતે આફતને અવસરમાં ફેરવી નાખવાનો મોકો સાંપડયો છે. વિશ્વ માટે  માથાનો દુ:ખાવો બની ગયેલા પ્લાસ્ટીક વેસ્ટમાંથી ભારત ૧૦૦ કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવશે જેમાં અંદાજે ૫૦૦ ટન પોલીથીન વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે.

ઓકટોબરનાં અંત સુધીમાં ઓછામાં ઓછા ૫૦૦ ટન સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી આશરે ૧૦૦ કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવવા માટે સરકારે મંજુરી આપી છે તેમ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. હાલ જે રીતે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે માર્ગ પરીવહન મંત્રાલય દ્વારા એક જોખમ લેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણકે નેશનલ હાઈવે બનાવવા માટે હવે પ્લાસ્ટીકનો ઉપયોગ થવાથી રોડની ગુણવતા કેવી હશે તે જોવાનું રહ્યું. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાનાં પરીપત્રમાં જણાવાયું છે કે, નવનિર્મિત ૧૦૦ કિલોમીટરનાં રસ્તા માટેનું જે ટોપ લેયર હોય તેનું જોખમ માર્ગ પરીવહન મંત્રાલય લેશે.

આ અંગેનું નિર્દેશન પછી બાંધકામોની કામગીરીનું નિરીક્ષણ સ્વતંત્ર ઈજનેરો તથા પ્રાદેશિક અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. બે વાર નેટવર્ક સર્વેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આ પ્રકારનાં રોડ-રસ્તાની મદદ મળે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ૧ કિલોમીટરની રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે ૭ ટન જેટલા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. ઈન્ડિયન રોડ પ્રોગ્રેસ ૨૦૧૩માં વેસ્ટ પ્લાસ્ટીકનાં ઉપયોગને સક્ષમ કરવા માટે એક કોડ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો કયારેય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. નવી ટેકનોલોજીનાં ઉપયોગથી અદ્યતન રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા માટે અન્ય કોઈ વધારાનો આર્થિક લાભ નહીં મળે જેનાં કારણે બ્યુટમેનનાં આધારે બચત કરાશે. હાઈવે માર્ગ પરીવહન મંત્રાલય દ્વારા પ્લાસ્ટીક કચરાનાં સંગ્રહ અને ઉપયોગ માટે છેલ્લી તારીખ ૨૭ ઓકટોબર નિર્ધારીત કરવામાં આવી છે.

મંત્રાલયે તેની માર્ગદર્શીકામાં ખાસ આદેશ આપ્યો છે કે, એક લાખ કરતા વધુ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોનાં એક કિલોમીટરની ત્રિજયામાં વેસ્ટ પ્લાસ્ટીકનો ઉપયોગ થવો જોઈએ. પાછલા ૨૦ વર્ષમાં મહાનગરપાલિકા અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા માટે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે પોલીથીનથી છુટકારો મેળવવાની આ એક સૌથી અસરકારક રીત હોવાનું સામે આવ્યું છે. જેથી ભારત દેશ અને વિશ્ર્વ માટે માથાનો દુ:ખાવો બની ગયેલા પ્લાસ્ટીકનો ઉપયોગ હવે માર્ગ પરીવહન એટલે કે દેશનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વપરાશે જે પ્રારંભિક ધોરણે ૧૦૦ કિલોમીટરનાં નેશનલ હાઈવે બનાવવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.