Abtak Media Google News

ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા સરકાર દ્વારા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામનો પ્રારંભ

સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૨૩ સુધીમાં બે લાખ વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં શિક્ષણ આપવાનો સરકારનો લક્ષ્યાંક

ગુજરાત સહિત ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રે ઘણી તકો રહેલી છે પરંતુ કેટલાક સ્ત્રોત અને માધ્યમનો સંતોષકારક ઉપયોગ ન થતા ભારત વિદેશો કરતા શિક્ષણમાં હજુ ઘણુ પાછળ છે. હાલ, ઘણા ભારતીયો વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે પરંતુ તેના સરખામણીએ ખુબ ઓછા વિદ્યાર્થીઓ વિદેશમાંથી ભારત આવે છે. આ ખામીને પુરવા ભારત સરકારે ખાસ ધ્યાન દોર્યું છે અને માનવ સંશાધન મંત્રાલય દ્વારા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ નામનો પ્રોગ્રામ શરૂ કરાયો છે. એકસટર્નર અફેર્સના મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા મંગળવારે આ પ્રોગ્રામ લોન્ચ કરાયો હતો. આ પ્રોગ્રામ હેઠળ સરકારે લક્ષ્યાંક સેવ્યો છે કે, આવતા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૩ સુધીમાં બે લાખ વિદેશી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ભારતમાં આવે.

સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં ભણતર માટે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરાશે અને આ માટે ઉચ્ચ અભ્યાસ અર્થે ભારતમાં ૧૬૦ ઈન્સ્ટીટયુટ ઉભી કરાશે. આ પ્રોગ્રામના લોન્ચિંગ સમયે વિદેશ પ્રધાન સહિત એચઆરડી મંત્રાલય અને ૩૦ દેશોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટીટયુટમાં કુલ બેઠકના ૫૫% બેઠક વિદેશી વિદ્યાર્થીઓ માટે રખાશે અને મેરીટના આધારે ફ્રી સ્કીમ નકકી કરાશે. જોકે, આ પ્રોગ્રામથી ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપબ્ધ બેઠકો પર કોઈ અસર ઉપજશે નહીં તેમ અધિકારીઓએ જણાવ્યું છે. સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોજેકટને સફળ રીતે પાર પાડવા માટે સૌપ્રથમ તો ભારતમાં જે શૈક્ષણિક પઘ્ધતિ છે તેને સુધારવી ખુબ જ આવશ્યક છે.

ભારતની એજયુકેશન સિસ્ટમને ગ્લોબલ રેન્કીંગમાં આગળ ધપાવવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. જો વૈશ્ર્વિક સ્તરે ભારતની શિક્ષણ પઘ્ધતિ ઉચ્ચ સ્તરીય રેન્કીંગમાં આવશે તો વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં શિક્ષણ અર્થે આકર્ષવામાં મોટી સફળતા મળશે. સરકાર આ માટે રૂ.૧૫૦ કરોડનો ખર્ચ કરશે. આ સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ પ્રથમ બે વર્ષ દરમિયાન ભારતની એજયુકેશન સિસ્ટમનું વિદેશમાં બ્રાન્ડીંગ કરાશે. તેમજ આ માટે ભારત સરકાર વિઝા પ્રણાલીમાં પણ સરળતા લાવશે.

આ પ્રોગ્રામ વિશ્ર્વના સાઉથ એશિયા, આફ્રિકા જેવા ૩૦ દેશોમાં ચલાવાશે અને ભારતમાં ૧૬૦ ઈન્સ્ટીટયુટમાં અલગ-અલગ કોર્ષો માટે વિદેશી વિદ્યાર્થીઓને આમંત્રિત કરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.