Abtak Media Google News

‘દિવસ પછીનો દિવસ’

કોરોના વાયરસના કારણે ભારત સરકાર દ્વારા અન્ય દેશો સાથે હવાઈ સંપર્ક કાપી નખાયો હતો. અલબત ૨૧ દિવસના લોકડાઉનમાં દેશ આંતરરાષ્ટ્રીય સેવા ફરીથી  શરૂ કરવા સજ્જ થઈ ગયો છે. અન્ય દેશો સાથે માલ-સામાનની હેરાફેરી વગર રહેવું શક્ય નથી. જેથી કાર્ગો વિમાનોને કેટલીક છૂટછાટ અગાઉથી અપાઈ હતી. જો કે, હવે ૧૪-૧૫ એપ્રીલે મધરાત્રે જ્યારે લોકડાઉનની અમલવારી પૂર્ણ થવાની છે ત્યારે સરકાર તુરંત જ પેસેન્જર સેવા પણ શરૂ કરવા જઈ રહી છે. ભારતમાં ગત તા.૨૨ માર્ચથી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી.

કોરોના વાયરસનો પ્રવેશ વિદેશી પ્રવાસીઓના કારણે ભારતમાં થયો હોવાની ચર્ચાના કારણે સંક્રમીત લોકો ભારતમાં આવીને વાયરસનો ફેલાવો ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેના કારણે પ્રારંભીક તબક્કે પ્રવાસીઓને કવોરન્ટાઈનનો નિયમ પાળવો આવશ્યક હતો. હવે સરકારે ફરીથી સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનની અમલવારી પૂર્ણ થાય તે બાદ તુરંત ઉડ્ડયન ક્ષેત્રના કર્મચારીઓને નોકરીએ લાગી જવા આદેશ આપી દેવાયા છે. પ્રારંભીક તબક્કે આંતરરાજ્ય ઉડ્ડયન સેવા શરૂ થશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાનો પ્રારંભ થઈ જશે. ભારત સરકારની એર ઈન્ડિયા દ્વારા ઓપરેશન શરૂ કરવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

ગત તા.૨૬ માર્ચથી ૧લી એપ્રીલ દરમિયાન કુલ ૮૫ ફલાઈટસએ ઉડાન ભરી હતી જે પૈકી ૬૨ ફલાઈટ્સ એર ઈન્ડિયા ગ્રુપની હતી. ૧૫ ફલાઈટ્સ ભારતીય વાયુસેનાની હતી અને ૮ ફલાઈટ્સ અન્ય પ્રાઈવેટ હતી. અત્યાર સુધીમાં દેશમાં ૭૬ ટન મેડિકલ સંશાધનોની હેરાફેરી થઈ ચૂકી છે. કોરોના વાયરસના કારણે ભારત સહિતના દેશોએ આંતરરાષ્ટ્રીય ફલાઈટો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોનાની ચેઈન તોડવા માટે સંક્રમીત અન્ય સામાન્ય લોકોથી દૂર રહે તેવા પ્રયત્નો થયા હતા. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો આ વાયરસ ધીમે ધીમે આખા વિશ્ર્વમાં ફેલાઈ ગયો હતો. જેથી અન્ય દેશમાંથી સંક્રમીત લોકો ભારતમાં પ્રવેશે નહીં તે સુનિશ્ર્ચિત કરવા સરકારે એરપોર્ટ પર પ્રારંભીક તબક્કે થર્મલ સ્કેનર મુકયા હતા. જો કે, આ પ્રયાસ કારગત નિવડ્યો ન હતો. કોરોના વાયરસના કેસ દુનિયાભરમાં એકા એક વધી જતા ભારતે પેસેન્જર ફલાઈટ બંધ કરી હતી અને દેશની અંદર કોરોના વાયરસ કાબુમાં લેવા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.