Abtak Media Google News

ભારતને અત્યારે વિવાદોની નહિ, સંવાદિતાની જરૂર છે. પ્રમાણિકતાની જરૂર છે, નીતિમતા અને સચ્ચાઈભર્યા વ્યવહારની જરૂર છે એની આબાદી તમારી ઈમાનદારી ઉપર આધારિત છે વિવાદોથી ઉભરાતા રહેવાનું એને નહિ પાલવે: પ્રજાકીય ઐકય વિના કોઈ દેશ મહાન બની શકે નહિ; આજના ભારતને પણ એ લાગુ પડે છે

ભારત માતાને આબાદ બનાવવા એના પુત્રોએ સારા બનવાની આવશ્યકતા છે ભારતદેશ એ અમુક ચોરસ માઈલનું ક્ષેત્રફળ નથી, પણ એમાં વસનાર સવા અબજ હિન્દીઓ છે.. જેમા તેઓ, તેનો ભારત… ભારતની પ્રજા અને રાજકર્તાઓએ હવે વધુ સારા બનવાનો ધર્મ બજાવો જ પડશે !

આપણે દેશ કેટકેટલી બાબતોમાં વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. અને આ વિવાદો કેટલી હદે રાષ્ટ્રની એકાત્મતાને તેમજ આપસી ભરોસાને હણે છે એ વિષે કોણ જાણે કેમ આપણા કહેવાતા દેશભકતોનું તેમજ રાજકર્તાઓનું ધ્યાન જતું નથી ?

એક સનસનીખેજ અહેવાલમાં આવા અભિપ્રાય ભેદ અને સરવાળે વિવાદનું સ્વરૂપ લેતા સમાચાર પ્રગટ થયા છે

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ અને લો કમિશનના પૂર્વ અધ્યક્ષ જસ્ટીશ એ.પી. શાહે સુપ્રિમ કોર્ટ દ્વારા સંભાવવામાં આવેલા તાજેતરમાં કેટલાક ફેસલાઓ ઉપર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ બહુસંખ્યક જનમાનસના આવેગોને ઘટાડી સરકારની વિચારધારાથી અસંતોષ જતાવવમાં નિષ્ફળ રહી છે. તેમણે નાગરીકતા સંશોધન કાનૂન , જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા, રામ મંદિર, એનઆરસી, સહિત અનેક મુદાઓની ચર્ચા કરતા કહ્યું છે કે કાયદાની સર્વોચ્ચ સંસ્થાએ આ મામલાઓમાં ન્યાયોચિત પગલા નથી લીધા

આ ન્યાયમૂર્તિએ કરેલી ટકોર જબરો વિવાદ સર્જવાની સંભાવના છે.

આ અહેવાલની સમીક્ષામાં વધુ ઉંડા ઉતરવાનું યોગ્ય નહિ ગણીનેય એટલું તો કહી જ શકીએ કે, આ સમાચાર આ દેશના લોકોના મનમાં ન્યાયતંત્ર અંગે શંકા-આશંકા સર્જવાની ભૂમિકા સર્જી આપશે.

આપણા રાજતંત્ર અને રાજકર્તાઓની કેટલીક કામગીરીઓમાં પ્રજાને વિશ્ર્વાસ રહ્યો નથી. હવે ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પણ લડખડાશે, જે અપશુકન અને અમંગળ એંધાણ લેખાશે !

અહી એવી ટકોર કરવી જ પડે તેમ છે કે આપણા દેશને અત્યારની કઢંગી પરિસ્થિતિમાં વિવાદોની નહિ સંવાદિતાની તાતી જરૂર છે. પ્રમાણિકતાની જરૂર છે. નીતિમતાની જરૂર છે. અને સચ્ચાઈભર્યા વ્યવહારો તથા કપટ રહિત આદાનપ્રદાનની જરૂર છે. એની આબાદી પ્રજાની ઈમાનદારી ઉપર આધારિત છે.

વિવાદોમાં ઉમેરો કર્યે જવાનું અને વિવાદો-તકરારોથી ઉભરાતા રહેવાનું આપણા દેશને પાલવે તેમ નથી એનાથી તો વિકાસની ગતિવિધિઓ રૂંધાશે અને રાષ્ટ્રને નુકશાન જ થશે.

રાષ્ટ્રીય એકાત્મતાને પ્રબળ બનાવ્યા વગર કોઈ પણ રાષ્ટ્ર વિકસિત અને મહાન બની શકે નહિ.

ભારતમાતાને આબાદ બનાવવા એના પુત્ર-પુત્રીઓએ વધુને વધુ સારા અને ગુણવાન બનવું ઘટે.

ભારત દેશ એ અમુક ચોરસ માઈલનું ક્ષેત્રફળ નથી, પણ એમાં વસનાર સવા અબજ હિન્દીઓ છે. જેવાતેઓ હશે તેવો ભારત થશે.

ભારતની પ્રજાએ અને રાજકર્તાઓએ-સુકાનીઓએ હવે વધુને વધુ સારા બનવાનો ધર્મ બજાવવો પડશે.

ઉપરોકત મુખ્ય ન્યાયાધીશે જે સનસનીખેજ માહિતીનો ઘટસ્ફોટ કર્યો છે તેને આપણા દેશની શરમ અને નિર્લજતા ગણીને ‘તેનું કયાંય પણ, કોઈપણ સ્વરૂપમાં પુનરાવર્તન ન થાય એવો સત્ય પ્રતિજ્ઞાપૂર્વક, ગીતા અને કુરાનની સાક્ષીએ સંકલ્પ કરવો જોઈએ આ દેશના પ્રત્યેક નાગરિકે જવાબદાર નાગરિક બનવું જોઈએ.

આપણે આપણા દેશને ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે મહા મહેનતે મળેલી આઝાદીની, આપણા ભાગની ચીર અવશ્ય માગીએ, પરંતુ સાથે ભાણાં માંડતા થઈ જઈએ એ પણ આવશ્યક છે.

વિવાદો કરતાં સંવાદો જ આપણને અને આપણા દેશને મહાન બનવાની દિશામાં લઈ જશે, એ ભૂલવું આપણું અને આપણા દેશનું અપ:પતન જ નોતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.