ભારતે જીતથી નહીં “ડ્રો”થી વિશ્વ વિજેતાની છાપ ઉભી કરી દીધી !!!

ત્રીજા મેચમાં ભારતીય ખેલાડીઓની લડાયકતાએ  ચેમ્પિયનશીપમાં ભારતનું કદ વધારી દીધું

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રો કરાવી છે. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની લડાઈ વધુ રોમાંચક થઈ ગઈ છે. ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આ વર્ષે જૂન મહિનામાં ઈગ્લેન્ડના લોડ્સમાં રમાશે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઈનલમાં પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. જે મેચમાં ભારતીય ટીમની હાર નિશ્ચિત માનવામાં આવી રહી હતી તે મેચમાં યુવા પ્રતિભાઓ અને અનુભવના સમન્વયે ભારતને હારના મુખમાંથી બહાર કાઢીને પરિણામ બદલાવી નાખ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર બાદ ભારત બીજા નંબર પર છે. ભારત અત્યારે ૦.૭૦૨ પર્સન્ટેજ પોઇન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ૦.૭૩૮ પોઇન્ટ સાથે મોખરે  છે. જો ભારતે આ ટેસ્ટ મેચ ગુમાવી દીધી હોત તો સિરીઝ પણ ગુમાવ્યા જેવી થનારી હતી પણ ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવા છતાં લડ્યા હતા.

ત્રીજા ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતીય ટીમને ઉશ્કેરવાનો પણ પ્રયત્ન ખૂબ કર્યો. ટીમના સુકાની પેનએ પણ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા, મેચ જોવા આવેલા પ્રેક્ષકોએ પણ ખેલાડીઓને ગાળો ભાંડી તેમજ રંગભેદને લગતા શબ્દો ઉચ્ચાર્યા તેમ છતાં ભારતીય ટીમે મનોબળ ઊંચું રાખીને ઉશ્કેરણીમાં આવ્યા વિના મેચ રમવાનું શરૂ રાખ્યું હતું.

ન્યૂઝીલેન્ડની હવે કોઈ સિરીઝ બાકી નથી. એટલે કે હવે તે ૦.૭૦ પોઇન્ટ્સ પર રહેશે. ભારતે હજુ પાંચ મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા સિરીઝની અંતિમ ટેસ્ટ અને અન્ય ચાર મેચની સિરીઝ ઈગ્લેન્ડ સામે ઘરઆંગણે રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બાકી રહેલી મેચ તથા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સિરીઝ રમવાની છે. એટલે કે બન્નેના પોઇન્ટ્સમાં હજુ ફેરફાર થઈ શકે છે.

ભારત આગામી બ્રિસબેન ટેસ્ટ જીતે છે તો તે પીસિટીના આધાર પર ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર આવી જશે. ભારત પાસે કુલ ૦.૭૧૭ પોઇન્ટ્સ હશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ૦.૬૯૯૨ પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર જતુ રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ ૦.૭૦ પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર આવી જશે. જો આગામી ટેસ્ટ મેચમાં ભારતની હાર થાય તો ભારત રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર જતુ રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર રહેશે. જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર આવી જશે. ભારત જો ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ જીતી જાય છે તો ઈગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની ચાર મેચ પૈકી તેણે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે. મેચ ડ્રો થવાના સંજોગોમાં ભારતે ઈગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની ચાર પૈકી ઓછામાં ઓછી ત્રણ મેચમાં જીત અને એક મેચ ડ્રો કરવાની જરૂર રહેશે. મેચ હારવાના સંજોગોમાં ભારતે ઈગ્લેન્ડ સામે સિરીઝની ચાર મેચમાં જીત મેળવવી જરૂરી બનશે. તેવા સંજોગોમાં જ તે ન્યૂઝીલેન્ડ કરતા પોઇન્ટ ટેબલમાં ઉપર રહેશે.

પેઇનને “ચૂક ઉપડી !!!

ત્રીજા ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેઇનને જાણે ચૂક ઉપડી હોય તે રીતે એક કેપ્ટનને તો શું કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડીને પણ ન છાજે તેવી કરતૂતો કરી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. પેઈને મેચ દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા જેના કારણે ઓસ્ટ્રેલિયા ટીમના હાથમાંથી મેચ જાણે સરકી ગયો હતો. જે બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઉશ્કેરવાના ઈરાદાથી પેઇન પોતે જ ઉશ્કેરણીમાં આવીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો. પેઇનના અપમાનજનક શબ્દો સ્ટમ્પ માઇકમાં પણ કેચ થયા હતા. પેઇનના આવા વર્તણુકની આલોચના થઈ છે. ભારતીય ટીમના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરે પણ પેઇનની ભારે આલોચના કરી હતી. ગાવસ્કરે એવું પણ કહ્યું છે કે, ખરાબ પ્રદર્શન અને અયોગ્ય વર્તણુકને કારણે આગામી મેચમાં ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સ ટીમનું સુકાનીપદ અન્ય કોઈ ખેલાડીને સોંપે તેવું પણ બની શકે છે.

બીજાની લીટી ભૂંસીને નહીં પોતાની લીટી લાંબી કરીને મહાન થવાય !!!

સ્મિથને કોઈ સમજાવે !!!

પંતની આક્રમક બેટિંગ જોઇને ગભરાઇ ગયેલા સ્ટીવ સ્મિથે તેનુ ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી હતી. પાંચમા દિવસની રમતમાં ડ્રિન્ક બ્રેક સમયે સ્ટીવ સ્મિથ ચૂપકેથી પીચ પર આવી ગયો અને બેટ્સમેનના માર્ક લેવાની જગ્યાએ જુતા ઘસવા લાગ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે તેણે એમ્પાયરને પુછીને ફરીથી માર્ક સેટ કર્યો હતો. સ્મિથનુ આ કાવતરુ કેમેરામાં કેદ થઇ ગયુ હતુ અને સોશ્યલ મીડિયા પર આ હરકતની લોકો નિંદા કરવા લાગ્યા હતા. સ્મિથની આ હરકતનો વીડિયો વાયરલ થતાં જ ભારતીય ફેન્સે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી અને સ્મિથને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, જ્યારે આ કાવતરુ થઇ રહ્યું હતુ ત્યારે ખેલાડીનો ચહેરો દેખાયો ન હતો પરંતુ તેની ટીશર્ટ પરનો ૪૯ નંબર દેખાતા આ ખેલાડી સ્મિથ હોવાનુ ખુલ્યુ હતુ.

Loading...