ભારતે ડિસીપ્લીન અને પ્રોફેશ્નાલીઝમ એપ્રોચથી કાંગારૂને ધૂળ ચાટતું કર્યું!

128
india-licked-kangaroo-with-discipline-and-professentialism-approach
india-licked-kangaroo-with-discipline-and-professentialism-approach

ઓપનિંગ જોડી અને ધવનની સદીએ ભારતને ‘શીખર’ સર કરાવ્યું!

વર્લ્ડકપની ૧૪મી મેચ લંડનનાં ઓવલ ખાતે ભારતનાં સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટીંગ લીધી હતી. બેટીંગમાં પહેલા બોલથી જ ભારતીય ટીમે ડીસીપ્લીન અને પ્રોફેશનલ એપ્રોચ રાખ્યો હતો. દર વખતની જેમ કાંગા‚ઓ દ્વારા કરવામાં આવતા સ્લેજીંગનાં કારણે ટીમ ઈન્ડિયા રમતમાં કાંગારૂ કરતાં ઘણી વખત પાછળ અને ખરાબ પ્રદર્શન કરતી હતી ત્યારે વિશ્ર્વકપમાં ભારતીય ટીમ જે રીતે પ્રદર્શન કર્યું તે સવિશેષ રહ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી ૩૫૨ રન કર્યા છે. ભારત માટે ઓપનર શિખર ધવને આ સીઝનની પહેલી અને વનડેની ૧૭મી સદી ફટકારતા ૧૦૯ બોલમાં ૧૬ ચોકકાની મદદથી ૧૧૭ રન કર્યા હતા. તેનો સાથ આપતા ઓપનર રોહિત શર્માએ પણ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. બંને ૧૬મી વખત સદીની ભાગીદારી કરતા પ્રથમ વિકેટ માટે ૧૨૭ રન ઉમેર્યા હતા. તે પછી કપ્તાન વિરાટ કોહલીએ એન્કર ઈનિંગ્સ રમતા વનડેમાં પોતાની ૫૦મી ફિફટી ફટકારતા ૮૨ રન કર્યા હતા. કોહલી અંતિમ ઓવરમાં રનગતિ વધારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે સિવાય હાર્દિક પંડયાએ વિસ્ફોટક ઈનિંગ્સ રમતા ૨૭ બોલમાં ૪૮ રન અને એમએસ ધોનીએ ૧૪ બોલમાં ૨૭ રન કર્યા હતા. ભારતે છેલ્લી ૧૦ ઓવરમાં ૧૧૬ રન કર્યા હતા. કાંગારું માટે સ્ટોઈનિસે ૨ વિકેટ જયારે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને કુલ્ટર નાઈલે એક-એક વિકેટ ઝડપી હતી.

વર્લ્ડકપની ૧૪મી મેચમાં લંડનનાં ઓવલ ખાતે ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં ૫૦મી મેચ જીતી હતી. ૩૫૩ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ૫૦ ઓવરમાં ૩૧૬ રનમાં ઓલઆઉટ થયું હતું. કાંગારુની શરૂઆત સારી રહી હતી. કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે ૬૧ રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ ૩૬ રનનાં વ્યકિતગત સ્કોરે રનઆઉટ થયો હતો. તે પછી વોર્નરનો ક્રિઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો તેણે ૮૪ બોલમાં  ૬૬ની સ્ટ્રાઈક રેટથી માત્ર ૫૬ રન કર્યા હતા. તે આઉટ થયો ત્યારસુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દુર થઈ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે ૬૯ અને કીપર કેરીએ અણનમ ૫૫ રન કર્યા હતા જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શકયું ન હતું. ભારત માટે બંને ફાસ્ટર ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ૩-૩ વિકેટ જયારે યજુવેન્દ્ર ચહલે ૨ વિકેટ લીધી હતી. ભારત ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે.

વિશ્ર્વકપમાં સર્વાધીક સદીનો રેકોર્ડ ભારતનાં નામે થયો છે. ભારતીય ટીમ દ્વારા વિશ્ર્વકપમાં કુલ ૨૭ સદી, ઓસ્ટ્રેલિયા દ્વારા ૨૬ સદી અને શ્રીલંકા દ્વારા ૨૩ સદી ફટકારવામાં આવી છે. ભારતીય ટીમનાં બીજા મેચમાં શિખર ધવન દ્વારા સદી ફટકારતા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી એક કદમ આગળ આવી પહોંચ્યું છે. જે રીતે ભારતીય ટીમે પોતાનું ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કર્યું તેનાથી એક પણ સમયે એવું નહોતું લાગતું કે ઓસ્ટ્રેલિયા ટીમ મેચ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ભારતની બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરાતાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઘુંટણીયે પડી હતી.

Loading...