Abtak Media Google News

શ્રીલંકાને ૧૪૪ રને હરાવ્યું: આગાઉ 1989, 2003, 2013-14, 2016માં ટાઈટલ જીતી ચૂક્યું છે ભારત

ભારતીય ટીમે પ્રબ સિમરન સિંહની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાની ટીમને 144 રનથી હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત અંડર-19 એશિયા કપનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં ભારતીય અંડર-19 ટીમે 3 વિકેટ પર 304 રનનો મોટો સ્કોર બનાવ્યા બાદ શ્રીલંકાની ટીમને 38.4 ઓવરમાં 160 રને ઓલઆઉટ કરી દીધું. હાલમાં જ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય સીનિયર ટીમે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપનો ટાઈટલ પોતાના નામે કર્યો હતો.

ઢાકામાં રમાયેલા આ ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનર યશસ્વી જાયસ્વાલ (85 રન) અને અનુજ રાવત (57 રન)એ ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની પાર્ટનરશીપ કરી. કેપ્ટન સિમરન સિંહે 37 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 65 રનની અણનમ ઈનિંગ રમી. આયુષ બદોનીએ અણનમ 52 રનનું યોગદાન આપ્યું. બંનેએ ચોથી વિકેટ માટે અણનમ 110 રનની પાર્ટનરશીપ કરી.

શ્રીલંકાની ટીમના નાવોદ પરનાવિથાનાએ 48 અને ઓપનર મદુશ્કાએ 49 રન બનાવ્યા. તેમના ઉપરાંત સૂરિયાબંદારાએ 31 રનનું યોગદાન આપ્યું. ભારતના યુવા હર્ષ ત્યાગીએ કમાલની બોલિંગ કરતા 38 રનમાં 6 વિકેટ ઝડપી. 18 વર્ષીય સિદ્ધાર્થ દેસાઈએ 2 વિકેટ ઝડપી હતી.

ભારતે અંડર-19 એશિયા કપ 1989, 2003, 2013-14, 2016માં ટાઈટલ જીત્યું હતું. આ ઉપરાંત 2012માં તેણે પાકિસ્તાન સાથે ટાઈટલ શેર કરવું પડ્યું હતું. ત્યારે કુઆલાલંપુરમાં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ અને પાકિસ્તાનની અંડર-19 ટીમ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચનું પરિણામ ટાઈ રહ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.