Abtak Media Google News

મજૂરી નહીં પરંતુ ‘કૌશલ્ય’થી જ દેશ આગળ વધી શકશે

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું અસ્તિત્વ અને સર્વાંગી વિકાસ થાય છે. પાષાણ યુગથી અત્યાર સુધી વિશ્ર્વમાં માનવ સમાજે જે વિકાસ અને ઉન્નતિની ઉપલબ્ધી પ્રાપ્ત કર્યું છે તેમાં માનવ જાતની શિખવાની ધગસ અને સમયની સારણી સાથે કાબેલીયત પ્રાપ્ત કરવાના ગુણથી આજે માનવ સમાજ અને વિશ્ર્વનો વિકાસ થયો છે.

એક જમાનો હતો કે, શક્તિશાળી બાહુબલીને સફળ માનવામાં આવતા હતા. અત્યારે ટેકનોલોજીના યુગમાં મહેનત અને બળની કિંમત ઓછી અંકાય છે અને મગજ શક્તિ અને કાબેલીયતથી સફળતાના પરિમાણો નક્કી થાય છે. મહેનત કરવાથી મળી જાય એ વાત અને કહેવત અને જીવનની ફિલોસોફી હવે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. સફળતા માટે મહેનતનો પ્રર્યાય હવે બદલાયો છે. સમાજમાં મહેનતથી જ જો બધુ મળતું હોય તો તિવ્ર કાળી મજૂરી કરતા ખાણીયા મજૂરો માનવ જાતના તમામ ઉધમીઓમાં કહી શકાય કે, સૌથી વધુ મહેનત અને બળનો ઉપયોગ કરતા હોય છે તેમ છતાં આવક, ઉપાર્જન અને વળતરમાં ખાણીયા મજૂરોને ક્યારેય બે પાંદડે થતાં જોયા નથી અને ખુબ મહેનત કરનાર ખાણીયાઓને ખાવાના પણ સાસા હોય છે.

હવે આધુનિક યુગમાં ટેકનોલોજી અને કાબેલીયતનો સમય આવ્યો છે. વધુ મહેનત અને કામ કરવાવાળા સફળ થતાં નથી. જે  લોકો બળના બદલે કળનો ઉપયોગ કરે છે તે સફળ થાય છે. વિકાસવાદને જે સારી રીતે અપનાવી શકે તેનો વધારે ફાયદો થાય છે. વિકાસવાદથી મગજ શક્તિનો ઉપયોગ કરવાવાળા સફળ થાય છે. બળદ સૌથી વધુ મહેનતુ પ્રાણી છે પરંતુ તેણે ક્યારેય મગજનો ઉપયોગ કર્યો નથી. તેની સામે માણસ ૮૪ લાખ યોનીના ફેરામાં શ્રેષ્ઠ કુદરતનું સર્જન છે. મનુષ્ય હંમેશા આધુનિક ટેકનોલોજી અપનાવતો રહ્યો છે. જે લોકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તેને સફળતા મળે છે. જે લોકો ટેકનોલોજી વાપરતા નથી તે અને તેનું અસ્તિત્વ ઘસાય જાય છે.

સમય ને સ્થિતિ સમજી આગળ વધનારા હંમેશા સફળ થાય છે. અત્યારના યુગમાં ડિજીટલાઈઝેશન અને ઈન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધીના ઉપયોગ વગર વિકાસ અશક્ય છે. બળ નહીં પરંતુ કળનો ઉપયોગ વિશ્ર્વને ઉન્નતિ અપાવે છે. આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તે ભારતનું સંપૂર્ણપણે સામાજીક ડિજીટલાઈઝેશન કરવા તરફ આગળ વધી રહ્યાં છે અને દેશને શિક્ષણ અને કાબેલીયતના આધારે આગળ વધારીને મુળભૂત ઉર્જા સ્ત્રોત બળતરના બદલે પુન: સર્જીત ઉર્જા તરફ દેશને લઈ જવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ત્રણ વસ્તુઓને ધ્યાને લઈ કામ કરી રહ્યો છું, પ્રથમ ભારતનું ડિજીટલાઈઝેશન અને સામાજીક અને ઔદ્યોગીક ક્ષેત્રે સંપૂર્ણપણે ડિજીટલાઈઝેશન કરીને આગામી ૩૦ વર્ષમાં ભારતની તરકી ૧૦૦ ગણી વધી જશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે બીજા લક્ષ્ય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ૨૦ કરોડ બાળકોને આધુનિક શિક્ષણમાં સામેલ કરવામાં આવશે. હું ૮ થી ૧૦ વર્ષનો સમય શિક્ષણને સંપૂર્ણપણે કૌશલ્યવર્ધક બનાવવામાં લઈશ. કૌશલ્યવર્ધક શિક્ષણથી જાદુઈ પરિણામ મળશે. વાસ્તવિક વિશ્ર્વમાં હવે બળ કરતા કળની કિંમત વધુ છે. જે લોકો શિક્ષીતની સાથે સાથે કાબેલીયતથી દિક્ષીત થશે તે લોકો વધારે સારી રીતે કમાવી શકશે. વિશ્ર્વના સૌથી મોટા પેટ્રો કેમીકલ જાયન્ટ ગ્રુપના મુકેશ અંબાણીએ વિકાસની પરિભાષાની ત્રીજા તબક્કાના લક્ષ્ય અંગે જણાવ્યું હતું કે, મુળભૂત પરંપરાગત બળતર અને ઉર્જાના બદલે હવે આપણે આગામી દાયકાઓમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરતા શિખવું પડશે. મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરૂભાઈ અંબાણીના દિશા નિર્દેશ અને કંડારેલા પથને યાદ કરતા જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી હંમેશા નવી ટેકનોલોજીના હિમાયતી હતા. તેમણે ટેક્ષટાઈલ્સ, કાપડ ઉદ્યોગના પારિવારીક ધંધાથી શરૂ કરેલી વ્યવસાયીક સફર સતત વિકાસની મહેચ્છાથી આજે પેટ્રો કેમીકલ કંપની રિલાયન્સ અને ત્યાંથી રીલાયન્સ જીયો ઈન્ફોકોમ સુધી આગળ વધી શકી છે. અમે કાયમ દિવસ આથમે ત્યાં સુધીમાં ભવિષ્ય માટેની તૈયારી અને નવી ટેકનોલોજીના આવિષ્કારના પ્રયત્નોમાં જ રહેતા હોઈએ છીએ. મારા પિતા કહેતા કે હું માત્ર ટેક્ષટાઈલ્સ કંપની પુરતો મર્યાદિત રહેવા માંગતો નથી. અમે જો ટેક્ષટાઈલ્સ સુધી મર્યાદિત રહ્યાં હોત તો આજે અમે જે કર્યું તે ન કરી શકત. રિલાયન્સ જીયોનું આગમન ૨૦૧૬માં થયું અને આજે ૪૦ કરોડ વિક્રેતાઓ જીયો ડિજીટલ નેટવર્કમાં જોડાયા છે. જીયો પ્લેટફોર્મ રૂા.૧.૫૨ લાખ કરોડ ૧૩ જેટલા વૈશ્ર્વિક રોકાણકારો ફેસબુક અને ગુગલના રૂપમાં ૩૩ ટકાની હિસ્સેદારીમાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલ્સ પેઢીમાંથી પીપીઈ કીટ સુધીની સફર કેવી રીતે ટેકનોલોજી અને ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઈને પ્રાપ્ત કરી. દેશની ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર કોમ્યુનિકેશનનું માળખુ અત્યારે વિશ્ર્વસ્તરનું બની ગયું છે. આપણે એક વાતની કાયમ નોંધ લેવી જોઈએ કે, આવડત અને કૌશલ્ય વગર વિકાસ શક્ય નથી. માત્ર મહેનત અને મજૂરીથી નહીં પરંતુ દેશ કૌશલ્યથી આગળ વધી શકશે. આધુનિક યુગમાં ડિજીટલ વપરાશ અને બૌદ્ધિક આવિષ્કારો અપનાવવાથી દેશની તરકી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.