Abtak Media Google News

રોડ-રસ્તા નિર્માણ તેમજ ડેમ બાંધવા સહિતના અનેક પ્રોજેકટ: ઉર્જા ક્ષેત્રે અફઘાનમાં રહેલી વિપુલ તકો પર ભારતની નજર: ચાબહાર પોર્ટ પણ અર્થતંત્ર માટે મહત્વનું બની રહેશે

ઘણા વર્ષોથી આતંકવાદ અને યુદ્ધના ઓછાયામાં રહેલા અફઘાનિસ્તાનમાં ભારત આર્થિક સામ્રાજય સ્થાપવાની મહેચ્છા રાખી રહ્યું છે. અમેરિકા સહિતના દેશોએ અફઘાનિસ્તાનમાં આતંક વિરોધી યુદ્ધ માટે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે ભારતે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ અને રાહત સામગ્રી માટે આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ચીનની જેમ એશીયાના અન્ય દેશોમાં પ્રોજેકટ સ્થાપી આયાત નિકાસ અંગે ઝડપથી કામગીરી કરવાની ઈચ્છા ભારતની છે. ભારતે ચાબહાર પોર્ટના માધ્યમથી આ ક્ષેત્રમાં એક ડગલું આગળ પણ ભર્યું છે.

અગાઉ અફઘાનિસ્તાનમાં ભારતે અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. હવે રોડ-રસ્તા અને ડેમ બાંધવા સહિતના પ્રોજેકટો ભારતીય કંપનીઓ કરી રહી છે. અફઘાનિસ્તાનમાં ઉર્જા ક્ષેત્રે રહેલી વિપુલ તકો પર પણ ભારત સરકારની નજર છે. ઉપરાંત ભૌગોલીક ક્ષેત્રે પણ અફઘાનિસ્તાન સાથે સંપર્ક સરળ હોવાના કારણે વેપાર વાણિજય માટે અફઘાનમાં પ્રોજેકટ સ્થાપવા સરળ બને છે. અલબત અફઘાનમાં આતંકવાદનો ખતરો હોવાથી અન્ય દેશો ત્યાં વિકાસ કાર્યો માટે તૈયાર નથી.

ભારતે અફઘાનિસ્તાનને ૩૦૦ કરોડ અમેરિકન ડોલર આર્થિક સહાય આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનની સુરક્ષા સંસ્થાઓને ભારતીય સૈન્ય તરફથી તાલીમ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાને વખાણી છે. અફઘાનિસ્તાનની સરકાર પણ ભારતની સહાય ઈચ્છે છે. વર્ષોથી અફઘાનિસ્તાન આતંકવાદના ભોરીંગમાં સપડાયું હતું. ત્યારબાદ યુદ્ધની પરિસ્થિતિથી અફઘાનની આર્થિક કમર તૂટી ગઈ હતી. ત્યારે અફઘાનિસ્તાનને બેઠુ કરવામાં ભારતે ૨૦૦૧થી પ્રયાસો શ‚ કર્યા હતા. હાલ ચીને પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં વન બેડ વન રોડ યોજના માટે માઈનીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ સહિતના કાર્યો હાથ ધર્યા છે ત્યારે ભારત પણ અન્ય પ્રોજેકટમાં આગળ વધી રહ્યું છે. ભારતે ચાબહાર પોર્ટના માધ્યમથી વેપાર-વાણિજય સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રોજેકટમાં અફઘાનિસ્તાનની સરકારનો સહયોગ અતિ મહત્વનો બની જાય છે. આ પોર્ટનો વિકાસ અફઘાનિસ્તાનમાં આર્થિક સધ્ધરતા લાવવા અગત્યનો છે. ઉપરાંત આ બંદર સાથે ભારતનું આર્થિક, સામાજીક અને સુરક્ષાનું હિત પણ જોડાયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.