Abtak Media Google News

આગામી ચાર વર્ષમાં ૧૨ હજાર કરોડ રૂપિયા વિદેશમાં ઢસડી જતાં બચાવાશે: વડાપ્રધાન મોદી

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવી ભારતે વિદેશ ઢસડી જતુ રૂ.૪ હજાર કરોડનું ભંડોળ ગત વર્ષે બચાવ્યું હોવાનો વડાપ્રધાન મોદીએ ગઈકાલે દિલ્હી ખાતે વર્લ્ડ બાયોફયુલ ડે નીમીતે કહ્યું હતું. તેમણે આગામી ચાર વર્ષમાં રૂ.૧૨ હજાર કરોડનું ભંડોળ વિદેશ જતુ બચાવવામાં આવશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ભારતે ગત નાણાકીય વર્ષમાં રૂ.૪ હજાર કરોડનું ફોરેકસ બચાવ્યું છે. જે ઈથેનોલ બ્લેન્ડીંગ પ્રોગ્રામના કારણે શકય બન્યું છે. આગામી ચાર વર્ષમાં આ બચતમાં રૂ.૧૨ હજાર કરોડ સુધીનો વધારો કરવાનો લક્ષ્યાંક ભારત સરકારનો છે. ગત વર્ષે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનું પ્રમાણ રેકોર્ડબ્રેક ૧૪૧ કરોડ લીટર હતું તેવું પણ જણાવાયું હતું.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, ક્રુડ ઓઈલની આયાત નિર્ભરતા ઘટાડવા માટે બાયોફયુલ મદદરૂપ થઈ શકે છે. બાયોફયુલના કારણે વાતાવરણ ચોખ્ખુ રહી શકે ખેડૂતો માટે બાયોફયુલ વધારાની આવકનો સ્ત્રોત બની શકે અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન થઈ શકે. તેમણે આગામી ચાર વર્ષમાં ૪૫૦ કરોડ લીટર બાયોફયુલના ઉત્પાદનનું લક્ષ્યાંક હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શેરડીમાંથી બાયોફયુલ બનાવી રૂ.૨૦ હજાર કરોડની આવક રળવાનો લક્ષ્યાંક પણ સરકારે રાખ્યો છે. આ રકમ ખેડૂતોની આવકમાં વધારો કરશે. ઈથેનોલ બનાવવા વપરાતા બટેટા અને ખેતીના વેસ્ટને કંટવર્ટ કરવાની ક્ષમતામાં પણ સરકાર વધારો કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં પેટ્રોલમાં ૧૦ ટકા ઈથેનોલ ભેળવવાનો ટાર્ગેટ સરકારે રાખ્યો છે. આ પ્રમાણને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૦ ટકાનું કરવામાં આવશે. સરકારે જૂન મહિનામાં બાયો ફયુઅલ પોલીસી ઘડી રૂ.૧૦ હજાર કરોડનું ભંડોળ ૧૨ બાયોફયુલ રિફાઈનરી સપવા ફાળવ્યું છે. જેનાથી ૧.૫ લાખ નોકરીઓનું સર્જન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.