ચાઈનાને ‘ફિઝીકલ’ નહીં ‘વર્ચ્યુઅલ’ યુદ્ધથી પરાસ્ત કરતું ભારત

માઓ કાળથી જ ચીન પાડોશી દેશોના ઈકો-સોશિયો-પોલીટીકસ ઉપર નજર રાખી યેનકેન પ્રકારે આવા ડેટા મેળવીને રણનીતિ બનાવી રહ્યું હતું, પરંતુ ભારતે વર્ચ્યુઅલ મોરચે ચીનની રણનીતિને બ્લોક કરી નાખી

વિશ્ર્વના અનેક દેશો ઉપર ચીનનો સામ્યવાદી ડોળો હતો. ભારત સરહદે પણ ચીને અટકચાળા કરવાનું શરૂ  કર્યું હતું. પરંતુ ભારત સદીઓથી પોતાના પર હુમલો કરનારને જડબાતોડ જવાબ આપી ચૂકયું છે તેવો ઈતિહાસ ચીન ભૂલી ગયું હોય તેવો ઘાટ ઘડાયો હતો. અંતે ભારતે ફિઝીકલ નહીં પરંતુ વર્ચ્યુઅલ યુદ્ધમાં ડ્રેનને ધુળ ચાટતું કરી દીધું છે. ભારતને ઉશ્કેરવાની ગંભીર ભુલ ચીને કર્યા બાદ તેને ભુલનું ભાન પણ થઈ ચૂકયું છે. ચીનનું સૈન્ય વિશ્ર્વના સૌથી મોટા સૈન્ય પૈકીનું એક છે. પરંતુ ભારતની કુટનીતિએ સીધી બાથ ભીડીયા વગર ચીનને પરસેવો પાડી દીધો છે. વાત એમ છે કે, ચીન અત્યાર સુધી સામ, દામ, દંડ, ભેદ કરીને  ભારત સહિતના પાડોશી દેશોને દબડાવતું આવ્યું છે. દાદાગીરી કરવી કે, આર્થિક સહાય હેઠળ દાબી દઈને ઘણા દેશોને ચીને પોતાના વશમાં લાવવા પ્રયત્નો કર્યા છે. પાકિસ્તાન જેવા દેશ મામલે તો ચીન ઘણા અંશે સફળ પણ રહ્યું છે પરંતુ ભારતની સામે પડીને ડ્રેગને ગંભીર ભુલ કરી છે. ભારતે ચીનને વર્ચ્યુઅલ યુદ્ધમાં હરાવતા જ ચીને વિશ્ર્વ ઉપર ઉભો કરેલો ભય પણ દુર થઈ ગયો છે.

સરહદે ભારતીય સેનાના ૨૦ જવાનોને શહિદ કર્યા બાદ ચીન કોઈપણ સંજોગોમાં પોતાની સેના પરત ખેંચવા માંગતુ નહોતું પરંતુ ચીનની દુખતી રગ મોદી સરકાર પારખી ચૂકી છે. ચીન અત્યાર સુધી પોતાના વેપાર વિસ્તારવાની રણનીતિ ઉપર જ ચાલતું આવ્યું છે. ભારત ચીન માટે મોટી બજાર સમાન છે. માત્ર માલ-સામાન નહીં પરંતુ મોબાઈલ એપ્લીકેશન, સોફટવેર સહિતના મુદ્દે પણ ચીનનું સામ્રાજય છે. જો કે, ચીનના આ વર્ચ્યુઅલ સામ્રાજયમાં ભારતે છીંડુ પાડી દીધુ છે. ૫૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય એક તિરથી અનેક શિકાર મારવા બરાબર છે. એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકી ભારતે ચીનને સચોટ સંદેશો આપ્યો છે કે, તેની દાદાગીરી ક્યારેય ચલાવી લેવાશે નહીં. ચીન વરસે દહાડે અબજો રૂ પિયાનો ધંધો ભારત પાસેથી લઈ જાય છે. આ ધંધા ઉપર ભારતે અંતે બ્રેક મારી છે.

ચીનના અસ્તિત્વમાં જેનો મોટો ફાળો છે તેવા માઓની રણનીતિ આજે પણ ચીન અપનાવે છે. માઓ કાળથી જ ચીન પાડોશી દેશોના ઈકો-સોશિયો-પોલીટીકસ ઉપર નજર રાખી રહ્યું હતું. યેનકેન પ્રકારે આવા ડેટા મેળવીને રણનીતિ બનાવી રહ્યું હતું. પરંતુ ભારતે વર્ચ્યુઅલ મોરચે ચીનની રણનીતિને બ્લોક કરી નાખી છે.

ચીનની કંપનીઓ વિશ્ર્વભરમાં પથરાયેલી છે. આ કંપનીઓ પોતાનો સામાન સસ્તા દરે વહેંચે છે. અલબત એક એવું ક્ષેત્ર પણ છે જ્યાં મફતમાં સેવા આપીને અબજો રૂ પિયાની કમાણી ચીન કરી રહ્યું છે. આ ક્ષેત્ર વર્ચ્યુઅલ છે. પોતાના દેશમાં તો ચીનની સરકારે વર્ચ્યુઅલ ક્ષેત્ર પર અન્ય દેશોનો પગપેશારો કરવા દીધો નથી પરંતુ પોતે અનેક દેશોમાં ધોમ કમાણી કરી રહી છે. મોટાભાગના ચીની રોકાણકારો પાછળ ચીનની મીલીટરીનો સીધો કે અડકતરો હાથ રહ્યો છે. કોઈપણ ભોગે યુરોપ, એશિયા કે, અમેરિકાની બજારોમાં પોતાનો માલ વેંચવા ચીન ધમપછાડા કરતું રહ્યું છે. ચીનનો માલ-સામાન રોકવામાં અમેરિકા કે યુકે જેવા વિકસીત દેશો પણ નિષ્ફળ રહ્યાં છે ત્યારે મોદી સરકારે ચાઈનીઝ એપ્લીકેશનોને પ્રતિબંધિત કરવાનો લીધેલો નિર્ણય વિશ્ર્વ માટે માસ્ટર સ્ટોક સમાન છે. અત્યાર સુધી અમેરિકા સહિતના દેશો ચીનના માલને રોકવાની માત્ર ચીમકી આપતા હતા. ક્યારેય માલને રોકી શકયા નથી પરંતુ ભારતના નિર્ણયથી આખા વિશ્ર્વને આત્મવિશ્ર્વાસ આવ્યો છે. ચીનના વર્ચસ્વને પણ ઘટાડી શકાય છે તેવું ભાન વિશ્ર્વને થઈ ચૂકયું છે.

૨૧મી સદીમાં યુદ્ધની પરિભાષા બદલાઈ રહી છે. હવે યુદ્ધો પ્રત્યેક્ષના બદલે પરોક્ષ રીતે લડાઈ રહ્યાં છે. પાકિસ્તાન જેવા પાયમાલ દેશો આતંકવાદને ઉછેર કરી આખા વિશ્ર્વને નડી રહ્યાં છે. જ્યારે ચીન જેવા ખંધા દેશો વ્હાઈટ કોલર ક્રાઈમમાં માને છે. ભારત માટે હવે ચીન સામેની રણનીતિ ડિપ્લોમેટીક નથી. આ યુદ્ધ વર્ચ્યુઅલ બની ચુકયું છે. એક રીતે જોઈએ તો ચીનનો વ્યાપાર વિશ્ર્વભરમાં ફેલાયેલો છે. ચીન સાથે બહુ સારા સંબંધ નથી તેવા દેશોમાં ચીનની કંપનીઓ તથા ચીની માનવબળનો પગપેસારો વ્યાપક છે.

ભારતમાં પણ ચીને આવો પેંતરો કરી જોયો છે. જો કે, ચડસા-ચડસીને રોકવા ભારતે ચીનની એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકયો તેનાથી ચીનની અર્થ વ્યવસ્થા તાત્કાલીક ધડામ કરીને પટકાશે તેવું નથી પરંતુ આ ચીનના સામ્રાજ્યને રોકવાનું પ્રથમ ડગલુ જરૂ ર બની જશે. ભારતના આ કદમ પછી હવે વિશ્ર્વના અન્ય દેશો પણ તેઓના દેશમાંથી ચીનની કંપનીઓ અને કર્મચારીઓ સામે ચળવળ શરૂ  કરશે. ભારતની જેમ ચાઈનીઝ સેવાઓ કે બિઝનેસ ઉપર પ્રતિબંધ મુકવા લાગશે. જનતા પણ બહિષ્કાર કરશે.

જેનાથી લાંબાગાળે ચીનની કમ્મર તૂટી જશે. અમેરિકા સહિત ઘણા દેશોએ તો ભારતના ડગલે ચાલવાનો નિર્ધાર કર્યો હોય તેવી હિલચાલ શરૂ  થતાં ચીનના પગ નીચે રેલો આવી ગયો છે. ભારતે અંતે વર્ચ્યુઅલ યુદ્ધમાં ડ્રેગનને પછાડ્યું જ છે.

રોકાણકારોના હક્ક જાળવવા ચીનની દુહાઈ

ભારતે ૫૯ એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધ બાદ ચીન મુંઝાયું છે અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોના હક્ક જાળવવાની દુહાઈ આપી છે. ભારતમાં અલીબાબા, બાઈટ ડાન્સ, બાયડુ, જિયોમી અને લીનોવો સહિતની કંપનીઓ ઉપર કેન્દ્ર સરકારની કડક નજર પડી છે. ઘણી એપ્લીકેશનોનો કરોડોનો વ્યાપાર બંધ થઈ ગયો છે. ભારત સરકારે લીધેલુ આ પગલુ હજુ પ્રારંભ છે. ભવિષ્યમાં ચીની રોકાણકારો ઉપર વધુ તવાઈ ઉતરે તેવી શકયતા છે. આવી સ્થિતિમાં ભારતે ચિંધેલા રાહ પર અન્ય દેશો પણ ચાલે તો ચીનની કંપનીઓનું સામ્રાજ્ય ખેદાન-મેદાન થઈ જાય તેવી હકીકત ચીન સરકાર જાણી ચૂકી છે. જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોના હકક જાળવવાની દુહાઈ આપી રહી છે.

ચીનની મહત્વકાંક્ષા પર પાણી ફરી વળ્યું

ચીનની કંપનીઓ કાચા માલથી લઈ મોબાઈલ સોફટવેર-એપ્લીકેશનો સુધી તમામ જગ્યાએ પથરાયેલી છે. વર્ષો પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ ચીનની કંપનીઓ પણ અનેક ક્ષેત્રોમાં રાજ કરી રહી છે. પરંતુ ભારતે પ્રતિબંધીત કરેલી એપ્લીકેશનના કારણે ચીનની અનેક મહત્વકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. ગુગલ કે ફેસબુકની જેમ ચીનની ટેક કંપનીઓ વિશ્ર્વ પર રાજ કરશે અને સરકારોને બનાવવા, પાડવા સહિતના પરિણામો લાવશે તેવી આશા ચીનની સરકારને હતી પરંતુ ભારતે ઉઠાવેલુ પગલુ ચીન માટે હાનીકારક નિવડયું છે.

‘ખુદ કી દુકાન’ સ્વનિર્ભર બનાવવાનો માર્ગ મોકળો

ભારતે ચાઈનીઝ એપ્લીકેશનો ઉપર મુકેલા પ્રતિબંધના કારણે સ્થાનિક ક્ષેત્રે સર્જકોને અનેક તક મળશે. અત્યાર સુધી ચાઈનીઝ કંપનીઓનું શાસન ડિજીટલ મીડિયા પર છવાયેલું હતું. ટીકટોક, હેલ્લો સહિતની એપ્લીકેશનોનો ઉપયોગ કરોડો લોકો કરી રહ્યાં હતા. પરંતુ હવે ટેકનોલોજી ક્ષેત્રે નવસર્જન માટે ભારતીય સર્જકોને સરળતા રહેશે. જે સ્થાન ચાઈનીઝ એપ્લીકેશનો ચાલી ગઈ હોવાથી ખાલી પડ્યા છે તે સ્થાને ભારતીય સર્જકોની એપ્લીકેશન આવી જશે. ભારત સોફટવેર ક્ષેત્રે વિશ્ર્વનું કેન્દ્રબિંદુ રહ્યું છે છતાં પણ મોબાઈલ એપ્લીકેશનમાં ચીન મેદાન મારી ગયું હતું. હવે બાજી પલ્ટાશે તેવી અપેક્ષા છે.

ડ્રેગનને જડબાતોડ

જવાબ બદલ ભારતને

વધાવી લેતુ અમેરિકા

અમેરિકાએ ભારતના નિર્ણયને આવકાર્યો છે. ટીકટોક સહિતની ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાથી ભારતની સુરક્ષા વધશે તેવી આશા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોએ વ્યકત કરી છે. ચાઈનીઝ એપ્લીકેશનના સર્વર ભારતની બહાર હોવાથી દેશની સુરક્ષા પર ગંભીર ખતરો હતો. જેથી સરકારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૯ અંતર્ગત ચીની એપ્લીકેશનોને બંધ કરી હતી અને હવે ભારતના પગલે અમેરિકા સહિતના દેશો પણ એપ્લીકેશનો બંધ કરી શકે છે.

Loading...