Abtak Media Google News

ભારતે “રસી” આપી

ચીને “કોરોના” આપ્યો

પાડોશી દેશોમાં રોડ, બંદર અને સ્ટેશનો ઉભા કરી માત્ર રાજકારણ રમવામાં જ ડ્રેગનને રસ; ખરા સમયે મદદથી હટી જતા નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના રાષ્ટ્રો નારાજ

પાડોશી ધર્મની સાથે માનવ ધર્મ પણ નિભાવતું ભારત; રસી મળતાં દક્ષિણ એશિયાઈ દેશોએ માન્યો આભાર

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીને નાથવા તમામ રાષ્ટ્રો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ કપરાકાળમાંથી મૂકત થવા રસી જ જાદુઈ છડી હોય, તેમ મોટાભાગના દેશોમાં વેકિસનેશન શરૂ થઈ ગયું છે. પરંતુ રસીની સંગ્રહક્ષમતા, ડોઝની કિંમતો તો પોતાના નાગરીકોને સૌ પ્રથમ વેકિસન આપી રાજકીય યશ ખાટવા દરેક રાષ્ટ્રની સરકારો પ્રયત્નમાં જુટાતા રસીની ‘રસ્સાખેંચ’ જામી છે. રસીની આ રસ્સાખેંચમાં મલ્ટીનેશન કંપનીઓ ઉપરાંત વિશ્ર્વભરનાં દેશો પણ ઉતર્યા છે. દક્ષિણ એશિયામાં ઝડપથી ઉભરતા વિશ્ર્વના બે મોટા દેશ ચીન અને ભારત વચ્ચેની આ ‘રસ્સાખેંચ’માં ભારતે બાજી મારી છે. ચીનને પછાડી ભારત આગળ થઈ ગયું છે. પાડોશીદેશોમાં રોડ, બંદર અને સ્ટેશનો ઉભા કરી માત્ર રાજકારણ રમવામા જ ચીનને રસ હોય, તેમ મહામારીના ખરા સમયે મદદથી હટી જવાનું વલણ દાખવ્યું છે. ડ્રેગનના આ વર્તન સામે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના રાષ્ટ્રોએ નારાજગી વ્યકત કરી છે. જયારે ભારતની દીલદારીની પ્રશંસા કરી રસી પહોચાડવા માટે આભાર વ્યકત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસથી ભારતે પાડોશી દેશ સહિત જરૂરીયાત મંદ રાષ્ટ્રોને રસીના ડોઝ પહોચાડવાની ઝુંબેશ હાથ ધરી છે. બુધવારે પ્રથમ માલદીવ અને ભુતાનને ત્યારબાદ ગઈકાલે બાંગ્લાદેશ અને નેપાળને રસીનો જથ્થો મોકલાયો હતો તો આજે મ્યાનમાર અને સેશેલ્સ માટે ડોઝ રવાના થયા છે તો હજુ દક્ષિણ આફ્રિકા સહિતના ગલ્ફ કંટ્રીઝને ભારત રસી પહોચાડી પાડોશીની સાથે માનવધર્મ પણ નિભાવશે. થોડા લાંબા સમયથી ચીન સાથેના ઘર્ષણ વચ્ચે ભારતની આ પહેલે ડ્રેગનને ફટકો જરૂર પહોચાડયો છે. દક્ષિણ એશિયાઈ પ્રાંતમાં હંમેશા પ્રભુત્વ જમાવવાની કોશિષમાં રહેલા ડ્રેગનનાં પેટમાં તેલ રેડાયું છે.

મહામારીના ખરા સમયે ભારતે રસીના ડોઝ પહોચાડવાનું બીડુ ઝડપતા ચીનની ‘સ્વાર્થવૃત્તિ’થી ભારતીયપખંડના દેશો વાકેફ થયા છે. ચીને નેપાળને ડોઝ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી નેપાળને રસી મળી નથી આજ રીતે બાંગ્લાદેશને ૧,૧૦,૦૦૦ ડોઝ આપવા ચીને તૈયારી દાખવી હતી પરંતુ કિંમતને લઈ અડચણ ઉભી થતા બાંગ્લાદેશે ઓર્ડર પરત ખેંચી લીધો હતો અને આ તમામ દેશોએ ભારત પાસેથી રસીની માંગ કરતા હાલ, પ્રથમ ખેપ પહોચી પણ ગઈ છે.

કોરોના કાળનાં આ કપરા સમયમાં ભારતે પોતાની તાકાત બતાવી ડ્રેગનને પછાડી દીધું છે. રસી ઉત્પાદન માટે વિશ્ર્વની કુલ ક્ષમતાના ૬૦ ટકા ક્ષમતા એકલા ભારત પાસે છે. ઉપરાંત, ભારતમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસી રહ્યું છે. તેવી સવલત દક્ષિણ એશિયાનાં દેશો પાસે નથી જે ચીને પણ ભાન થઈ ગઈ છે.

વેક્સિનની નિકાસ ભારતને ડ્રેગન સામે વધુ મજબુત બનાવશે!

ભારત-ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષભરી સ્થિતિ યથાવત છે. તેવામાં પાડોશી દેશોમાં રસીની ઝડપી નિકાસનું ભારતે બીડુ ઝડપી ડ્રેગનને એક ઝટકો તો આપી જ દીધો છે તો બીજી તરફ પાડોશી રાષ્ટ્રોએ રસી માટે ભારત તરફી વલણ દર્શાવતા ચીનના પેટમાં તેલ રેડાયું છે. રસીની રસ્સાખેંચમાં ભારત ચીનને પછાડી આગળ નીકળ્યું છે. અને હજુ આગામી સમયમાં ડ્રેગન સામે ભારત વધુ મજબુત બની ઉભરી આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ચાઈનીઝ કરતાં ભારતીય રસી પર વધુ ભરોસો!!

કોરોના વાયરસનો ઉદભવ ચીનમાંથી જ થયો હોવાનું મનાય છે. આ પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનને મોટાભાગનાં દેશોનો વિશ્વસ ગુમાવ્યો છે. રસી માટે પણ ચીન પર ભરોસો ન હોય તેમ ચિત્ર ઉભુ રહ્યું છે. મસમોટા દેશોનાં સ્થાને ભારતની રસીની બોલબાલા થઈ રહી છે. ચાઈનીઝ કરતા ભારતીય રસી પર વધુ ભરોસો હોય, તેમ વિશ્વના દેશોમાં ભારતની રસીની માંગ વધી છે.

પાડોશી દેશોમાં રસી પહોંચાડી ભારતે વાહ..વાહ..મેળવી

કોરોના રસી પહોચાડવાનું બીડુ ઉપાડી ‘પહેલો સગો તે પાડોશી’ સુત્ર ભારતે સાર્થક કર્યું છે. આ કામગીરીથી ભારત પાડોશી દેશોની વાહ…વાહ… મેળવી રહ્યો છે. ડોઝ પહોચતા બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવે ભારતનો આભાર વ્યકત કર્યો છે. બાંગ્લાદેશના વિદેશમંત્રીએ કહ્યું કે, ૧૯૭૧ના યુધ્ધમાં પણ ભારતે મોટી મદદ કરી હતી. અને આજે પણ કઠીન પરિસ્થિતિમાં પડખે જ ઉભો છે અને આ માટે આભાર વ્યકત કરીએ છીએ તો નેપાળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ભારતે પોતાની દિલદારી બતાવી છે. માલદીવનાં સંસદીય સ્પીક્રે કહ્યું કે, ભારતે માત્ર આ રસી નહિ પરંતુ એક મોટી ભેટ આપી છે.

ચાર પાડોશી દેશો બાદ આજે મ્યાનમાર અને સેશેલ્સ માટે ડોઝ રવાના

ભારતીય રસીની બોલબાલા

ગત બે દિવસમાં માલદીવ, ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાળને રસીનાં ડોઝ મોકલ્યા બાદ આજે મ્યાનમાર અને સેશેલ્સ માટે પ્રથમ ખેપ રવાના થઈ છે. વિશ્ર્વભરમાં ‘આત્મનિર્ભર’ ભારતનો ડંકો વાગ્યો છે. ભારતીય રસીની બોલબાલા થઈ રહી છે. વિશ્વના પંદરેક જેટલા દેશો ભારતને ઓર્ડર આપી ચૂકયા છે.

શોધ ભૂલાઈ જશે, સવલત કાયમ રહેશે!!

રસીની શોધ પ્રથમ કયા દેશે કરી ?? તેના કરતા પણ વધુ મહત્વનું છે કે કયા દેશે રસીનું ઉત્પાદન કરી વિશ્ર્વના જરૂરિયાતમંદ દેશોને મદદ કરી કહેવાય છેને કે, શોધ ભૂલાઈ જશે પણ સવલત કાયમ યાદ રહેશે. ભારતે પણ કંઈક આમ જ કામગીરી કરી છે. રસીની સૌ પ્રથમ શોધ ભલે ભારતે ન કરી હોય, પણ હાલમા વિશ્ર્વના દેશોમાં રસી પહોચાડવાનું મોટુ અભિયાન ભારતે જ હાથ ધર્યું છે અને કોરોનામાંથી મૂકત થવાની સુવિધા પ્રદાન કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.