Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સયુંકત કુટુંબપ્રથા એ આપણી સમાજ વ્યવસ્થાનો  પાયો છે. પહેલાંના સમયમાં શિક્ષણનો અભાવ અને ટૂંકી સમજણના કારણે એ સમયે દરેક ઘરનો બહોળો પરિવાર હતો. એ સમયે કેટલાય રોગો એવા હતા કે જેમના નામ કે નિદાન વિશે લોકો પાસે કોઈ માહિતી પણ ન હતી અને આવા કારણોસર એ સમયમાં બાળપણમાં જ બીમારીના કારણે મૃત્યુદર પણ ઉંચો હતો . પોષક ખોરાકના અભાવને લીધે પણ બાળ મૃત્યુદર ઉંચો હતો. આઝાદી પછી ભારતના વિકાસનો વેગ અવરોધાયો એના કારણોમાં વસ્તીવધારો પણ એક મહત્વનું પરિબળ હતું. દેશના અનેક પ્રશ્નોના ઉકેલ માટે વસ્તીવધારા પર નિયંત્રણ એ મુખ્ય પગલું હતું. ધીમે ધીમે શિક્ષણ,સમજણ અને સરકારની પણ કેટલીક નીતિઓના કારણે આસમસ્યા પર નિયંત્રણ લાવી શકાયું છે.

પહેલાંના સમયમાં વસ્તારી કુટુંબ અને બાપદાદાના જુનવાણી મોટા મકાનો તથા બાપદાદાએ વિકસાવેલો ધંધો જ આવકનો મુખ્ય સ્ત્રોત રહેતા હોવાથી સયુંકત કુટુંબપ્રથા જોવા મળતી. દરેક ધરોમાં ત્રણ પેઢી (ક્યારેક ચાર પણ)એક્સાથે જોવા મળતી. એ સમયે લોકોની માન્યતા એવી હતી કે સયુંકત કુટુંબમાં રહેવાથી ખર્ચ ઘટાડી શકાય છે અને પ્રગતિ શક્ય બને છે સાથોસાથ પરિવારને એકબીજાની હૂંફ મળે તેથી પરિવારની પ્રત્યેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય. સયુંકત પરિવારમાં ઘરકામ, બાળઉછેર અને સામાજિક વ્યવહારો એમ દરેક જવાબદારી વહેંચાઈ જતી હોવાથી કોઈ એક સભ્ય પર જવાબદારીનું ભારણ ન રહેતું. ઘરમાં વડીલોની હાજરીથી બાળકમાં સારું વાતાવરણ,સંસ્કાર અને કુટુંબભાવનાનાં ગુણ વિકસે છે. ઘર કે વ્યવસાયના કોઈપણ નબળા સમયે પરિવારજનો એકજુટ થઈ મુશકેલીને સહેલાઈથી મ્હાત આપી શકે છે.

સમય સાથેના બદલાવ સાથે  હવે ’એક બાળક બસ’નું સૂત્ર અમલમાં આવ્યું. શહેરી જીવનનો મોહ, ગામડામાં વિકાસની ઓછી તકો, નાના ગામમાં ઉચ્ચ શિક્ષણનો  અભાવ, અને બાળકોને અદ્યતન શિક્ષણ અને કેળવણી આપવાના મોહમાં વિભક્તકુટુંબની પ્રથા શરૂ થઈ. પોતાના ગામા કમાવાની તક ન હોય એવા યુવાનો ભણતર અને ધંધાર્થે શહેર ભણી ભાગવા લાગ્યા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા એમનસંતાનોને પણ સારી કેળવણી મળે હેતુથી એ ગામડે આવતા નથી અને ગામનો ધંધો રોજગાર છોડીને વડીલો શહેરી જીવન જીવી નથી શકતા પરિણામે બાળક સયુંકત કુટુંબના લાભોથી અબે વડીલોના લાડથી વંચિત રહી જાય છે. એક જ રૂમમાં  ભોંય પથારીએ એકસાથે ૪ બાળકો સુતા હોય એ દ્રશ્યો તો હવે શમણું બની ગયા. શહેરમાં રહેતા પતિ-પત્ની અને એક બાળક પણ પોતપોતાના અલાયદા રૂમમાં જીવતા હોય ત્યારે પરંપરાનું ખૂન થયાની લાગણી જન્મે . ધીમે ધીમે દરેક ઘરમાં બાળકોની સંખ્યા ઘટતાં અને શહેરમાં ફ્લેટ પદ્ધતિ આવતાં શેરી રમતો પણ ગઈ. દરેક ઘરમાં બાળક સતત મોબાઈલ કે લેપટોપને વળગેલું જોવા મળે.

બદલાતા સમય સાથે ઉચ્ચ અને ક્વોલિટી શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી હોસ્ટેલો અમલમાં આવી. જોતજોતામાં હોસ્ટેલો હોટ ફેવરિટ બનવા લાગી. બાળક તદ્દન નાનું હોય ત્યારથી ’કોઈના કહ્યામાં નથી’ એવા કારણસર કુમળી વયના અણસમજુ બાળકને માતા-,પિતા અત્યંત આધુનિક અને મોંઘીદાટ હોસ્ટેલ્સમાં અભ્યાસર્થે મૂકે છે ત્યારે એ શિક્ષણના બદલામાં  માત્ર નાણાં જ નહીં, બાળકનું સમગ્ર અસ્તિત્વ દાવ પર મૂકે છે.

કાચી સમજણના કારણે બાળક પોતાનું હિત ન સમજતો હોવાના કારણે ક્યારેક એ માતાપિતાને પોતાના દુષ્મન સમજતું થઈ જાય છે. નાનપણમાં મગજમાં આવી વાતો બાળકના ઘડતર અને વ્યક્તિત્વ પર જબરી અસર ઉપજાવે છે. બાળક પોતાની જાતને અસહાય અને એકલું મહેસુસ કરે છે અને ધીમે ધીમે એ અંતર્મુખી બનતું જાય છે. બાળપણથીજ દાદા-દાદી કે માતાપિતાની લાગણી નહિ મળવાના કારણે એ માણસથી દૂર થતું જાય છે અને આગળ જતાં એને પરિવાર તરફ ખાસ લગાવ નથી રહેતો.

શિક્ષણ ,સંસ્કાર અને સમજણના અભાવે કહીએ કે વધુ પડતી સમજણ અને ભણતરને લઈને પણ આજકાલ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. વડીલો વ્યક્તિ મટીને ઘરનું ફર્નિચર બની ગયા છે. દીકરાઓના નવા ઘરમાં માતાપિતા નામનું જૂનું ફર્નિચર ઘરની શોભામાં ઉણપ જેવા લાગી રહ્યા છે. જે માબાપે  એક રૂમના ઘરમાં ચાર ચાર દીકરાઓને ઉછેરીને મોટા કર્યા હોય એ ચાર દીકરાઓ એના ચાર રૂમમાં એક માબાપને નથી સાચવી શકતા ત્યારે સવાલ એ થાય કે આ’સમજણ’ આવી ક્યાંથી? પુત્રવધૂને સાસુ સસરા ક્યારેય  માતાપિતા નહિ થતા હોય? પોતાનું સાસરું ક્યારેય પોતાનું ઘર નહિ બની શકતું હોય? એડજસ્ટમેન્ટ જેવો શબ્દ એમની ડિકશનરીમાં હશે જ નહીં? પોતાની આખી જિંદગી જે માતા પિતાએ  દીકરાઓના શોખ પુરા કરવામાં ખર્ચી નાખી એ માબાપની જતી જિંદગીએ એની જરૂરિયાત પણ બાળકો પુરી ન કરે એથી મોટી કમસનીબી બીજી શી હોય? શિક્ષણ સંસ્કાર પર હાવી થઈ રહ્યું છે કે આધુનિકતા પરંપરા પર હાવી થઈ રહી છે એ નક્કી કરવું મુશ્કેલ છે.

જીવનની આથમતી સંધ્યાએ માતાપિતા ઝંખે છે માત્ર પરિવારની હૂંફ,પ્રેમ અને લાગણી, એને જોઇએ છે માત્ર  પુત્રના પરિવાર તરફથી થોડો સમય. આવતીકાલે સુખનો  સૂરજ ઉગવાની રાહમાં જે માવતરે પોતાની આખી જિંદગી દુ:ખ અને મુશ્કેલીનો જે આકરો તાપ વેઠયો હોય એના સાક્ષી હોય છે એમના પુત્રો પરંતુ પત્નીના આવતાં સાથેજ એની સમજણની તમામ બારીઓ બંધ થઇ જાય છે. દાદી-નાની ના લાડમાં ઉછરેલા બાળકો સાથે વિભક્ત કુટુંબમાં ઉછરતા બાળકની તુલના કરીએ તો સમજાશે કે વડીલોની છત્રછાયામાં ઉછરતું બાળક પોતાનો સર્વાંગી વિકાસ કરવામાં સક્ષમ સાબિત થાય છે.

અપવાદરૂપ કિસ્સામાં કોઇકોઈ વડીલો વધુ પડતા જોહુકમી વાળા હોય છે પરંતુ એમા પણ આખરે તો એ પરિવારની ખુશી જ ઈચ્છે છે અને પોતાનો સંતોષ હા, એમની રીત અલગ હોય શકે પરંતુ ઈરાદો નહિ,અપેક્ષા નહિ. કેટલાય ઘરોમાં જીવતા વડીલો જોઈએ ત્યારે એવું લાગે કે આ કરતાં એ વૃદ્ધાશ્રમમાંજ બરાબર છે. એમની દયનિય હાલત દીકરાઓ મૂંગા મોઢે જોવે ત્યારે એમ થાય કે એ દીકરાઓને બોલતા શીખવ્યું એ જ દીકરાઓ માતાપિતાની તકલીફમાં કેમ મૂંગા થઈ જાય છે? જે સમજણ,શિક્ષણની આપણે વાત કરીએ છીએ એ જ કહેવાતા શિક્ષિત સમાજમાં આવા કિસ્સાઓ વધુ બને છે. ક્યારેય કોઈ ઓછું ભણેલી કે અભણ વ્યક્તિએ એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા? તો સમજણ કોની? સંસ્કાર કોના?  ઘરના જે માહોલમાં નવી પેઢી ઉછરી રહી છે એ પણ એ જ માર્ગ અપનાવવાની. બાળક જે જોવે છે એ શીખે છે અને એનું આજે શીખેલું ક્યારેક આપણાં માટે જ કામ લાગશે.પોતાના ઘરમાં વડીલ નહિ જોવાની આદત બાળકને મોટા થયા પછી આપણાથી દૂર લઈ જશે.

વધતા જતા વૃદ્ધાશ્રમ એ વ્યવસ્થા નથી પતન છે,  વડીલોને સાચવવા  એ જવાબદારી નથી,સંબંધોનું જતન છે. જે પત્નીને એમના સાસરિયાનથી ગમતા એમના માટે એમના પતિઓએ જ વ્યવસ્થાના ભાગરૂપે પત્નીને માવતરિયા વચ્ચે રાખવી જોઈએ. પ્રશ્ન એટલો જટિલ નથી પરંતુ પરિણામ ભયાનક છે. દરેક દીકરો માતા અને પત્ની વચ્ચે ન પીસાય એ જોવાની ફરજ દીકરાની જ છે. આજકાલ લગ્ન પહેલા શરતો મુકાય છે પરિવારના સભ્યોને ન સાચવવાની. પહેલાં એવું મનાતું કે દીકરી એક વ્યક્તિને નહીં, આખા પરિવારને પરણે છે જ્યારે હવે દીકરી માત્ર પતિને જ પરણે છે. શરતી સંબંધોમાં લાગણી કે પ્રેમ ક્યાંય જોવા નથી મળતા.

વૃદ્ધાશ્રમોના વધવાને લઈને ચોમેર એક જ અવાજ છે કે પુત્રવધુ જવાબદાર છે પરંતુ પોતાની દીકરીઓને સમજાવવા સાથે હવે સમય આવી ગયો છે કે દીકરાને પણ પોતાની ઇચ્છા, પોતાની જવાબદારી અને લાગણીને ન્યાય આપવા બાબત વિચારવાનું સમજાવીએ. વડીલો આપણી જવાબદારી જ નહીં, આપણી છત્રછાયા છે, બોજ નહિ ધરોહર છે એને રાખવાના નથી,એમનું જતન કરવાનું છે બિલકુલ એવી જ રીતે જેમ અતિ મૂલ્યવાન વસ્તુ સાચવીએ છીએ કેમ કે કિંમતી વસ્તુ તો જીવનમાં ફરી ક્યારેક મળી પણ જશે પરંતુ માબાપનું મૂલ્ય એમની ગેરહાજરીમાં સમજાય છે. ઘરમાં માતાપિતા હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે ૭૦ની આયુએ પહોંચીએ તો પણ પોતાને નાના મહેસુસ કરી શકીએ છીએ.

આવો, આજે આપણે સૌ સાથે મળીને પ્રણ લઈએ કે  માતાપિતા આપના હોય કે બીજાના પણ વૃદ્ધાશ્રમમાં ન જીવે એવી સમજણનો પ્રચાર કરી આપણી પરંપરા અને ધરોહરનું જતન કરીશું..

મિરર ઇફેક્ટ :

વધતી જતી હોસ્ટેલ એ વધતા જતા વૃદ્ધાશ્રમનું બાળપણ છે..

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.