Abtak Media Google News

આ ગંભીર અસરોમાં એક મહત્વની અસર છે, જેને કારણે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જાણીએ ઓબેસિટી અને કિડની ડિસીઝ વચ્ચેનો સંબંધ

દુનિયામાં જે રોગ બાબતે છેલ્લાં પાંચ-દસ વર્ષમાં સૌથી વધુ ડર ભરાયો છે એ છે ઓબેસિટી. ૨૦૧૪ના બહાર પડેલા આંકડા મુજબ દુનિયામાં ૬૦૦ મિલિયન પુખ્ત લોકો ઓબીસ છે. જે રીતે દુનિયામાં ઓબેસિટી કૂદકે ને ભૂસકે વધી રહી છે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ આ બાબતે ચિંતામાં છે, કારણકે ઓબેસિટી એક નહીં; અનેક રોગોની જન્મદાતા છે. મહત્વનો પ્રોબ્લેમ એ છે કે ઓબેસિટી શરીરના દરેક અંગ પર અને વ્યક્તિના સંપૂર્ણ જીવન પર અસર કરે છે. આજે સમગ્ર દુનિયામાં વર્લ્ડ કિડની ડે ઊજવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે કિડની ડે પર જે વિષય પર જાગૃતિની વાત કરવામાં આવી રહી છે એ છે ઓબેસિટી અને કિડની. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ ૨૦૨૫ સુધીમાં ઓબેસિટી ૧૮ ટકા પુરુષો અને ૨૧ ટકા સ્ત્રીઓને અસર કરવાની છે અને એમાંથી ૬ ટકા પુરુષો અને ૯ ટકા સ્ત્રીઓને એ ગંભીર અસર પહોંચાડશે. એ પહેલાં ચેતવું જરૂરી છે. જે લોકો ઓવરવેઇટ અને ઓબીસ છે તેમને કિડની ડિસીઝ થવાનું રિસ્ક સાધારણ લોકો કરતાં ૨-૭ ટકા વધુ છે. ઓબેસિટીની અસર કિડની પર પણ થઈ શકે છે એ બાબતે લોકો જાગૃત નથી. આજે આપણે જાણીએ કઈ રીતે ઓબેસિટી કિડની સાથે સંલગ્ન છે.

 જાગૃતિની કમી

મોટા ભાગે લોકો એમ જ સમજે છે કે ઓબેસિટીને લીધે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હાર્ટ ડિસીઝ થાય છે. પરંતુ કિડનીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે એ બાબતે ખાસ જાગૃતિ જોવા મળતી નથી. એ વિશે વાત કરતાં નર્મદા કિડની ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ હોસ્પિટલ, પરેલના ડોકટર કહે છે, ભારતની વાત કરીએ તો આપણા દેશમાં બન્ને પ્રકારના લોકો છે. એક છે કુપોષણના શિકાર લોકો અને બીજી તરફ ઓબીસ લોકો. એક, જેમને ખાવાનું મળતું નથી અને બીજા, જે ખાઈ શકતા નથી. નોર્મલ પ્રેક્ટિસમાં પણ આજે અમે એ જોઈ રહ્યા છીએ કે ઓબીસ લોકોને કિડનીની તકલીફ થઈ રહી છે. એનો અર્થ એ છે કે આ ચિંતાનો વિષય તો છે જ. કિડની એક મહત્વનું અંગ છે, જેની કાળજી આપણે રાખવી જરૂરી છે. એ વાત સાચી છે કે એક ઓબીસ વ્યક્તિને એવું લાગતું નથી કે તેને કિડનીની કોઈ તકલીફ આવી શકે છે. ઓબેસિટીને લીધે હાર્ટ ડિસીઝ થાય છે એ બાબતથી ઘણા લોકો જાણકાર છે, પરંતુ કિડની પર પણ અસર થાય જ છે એ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે.

 કઈ રીતે અસર?

ઓબેસિટીની કિડની પર કઈ રીતે અસર થાય છે એ બાબતે વાત કરતાં ઝેન હોસ્પિટલના ડોકટર કહે છે, આ અસર બે પ્રકારની છે. એક સીધી અને બીજી આડકતરી. સીધી અસરમાં એક વસ્તુ સમજીએ તો આપણા શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો સમગ્ર શરીર પર એની અસર વર્તાય જ છે. જો વ્યક્તિ ઓબીસ હોય તો તેની કિડની પર વધુ લોડ આવે છે કામનો. તેણે ઘણા વધારે પ્રમાણમાં લોહી ફિલ્ટર કરવું પડે છે. ધીમે-ધીમે એ લોડ વધતો જાય છે અને એક સમય એવો આવે છે કે કિડની કામ કરી શકતી જ નથી. આમ ઓબેસિટી કિડની પર સીધી રીતે અસર કરે છે. આડકતરી રીતે સમજીએ તો ઓબેસિટીને કારણે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને લિપિડના પ્રોબ્લેમ થાય છે અને આ પ્રોબ્લેમ્સ કિડની પર અસર કરે છે; જેને કારણે કિડની ફેલ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. આજની તારીખે ડાયાબિટીઝ કિડની પ્રોબ્લેમ્સ માટેનું સૌથી પહેલું કારણ છે, જેને લીધે કિડની ફેલ થઈ શકે છે અને વ્યક્તિનું જીવન જોખમાય છે. ડાયાબિટીઝ પછીનું બીજું મહત્વનું કારણ છે હાઇપરટેન્શન. આમ આ બન્ને કારણોની જડ જે છે એ ઓબેસિટી છે. ઓબીસ વ્યક્તિએ આ બાબત પર ધ્યાન દોરવું જરૂરી છે.

 સર્વે

૨૦૧૪માં મુંબઈના નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. નર્મદા કિડની ફાઉન્ડેશન અલગ-અલગ સોસાયટીમાં જઈને હેલ્થ કેમ્પસ કરતી હોય છે, જેમાં ફ્રી હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે. આવા લગભગ ૧૦ હેલ્થ ચેક-અપના આંકડાઓ ભેગા કરીને એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ઘણાં જ આર્યજનક પરિણામો સામે આવ્યાં હતાં. મુંબઈની અર્બન સોસાયટીઝમાં રહેતા કુલ ૬૪૮ લોકોનો આ સર્વેમાં સમાવેશ થયો હતો; જેમનાં બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ-પ્રેશર અને રેન્ડમ બ્લડ-શુગર માપવામાં આવ્યાં હતાં. એમાં ખ્યાલ આવ્યો હતો કે કુલ ૬૪૮ લોકોમાંથી ૩૩૫ લોકો એટલે કે ૫૧.૭ ટકા લોકો ઓબીસ છે. ૧૦૭ લોકોને ડાયાબિટીઝ છે એટલે કે લગભગ ૧૭ ટકા લોકોને ડાયાબિટીઝ હતો અને ૨૫૮ લોકોને એટલે કે ૪૦ ટકા લોકોને હાઇપરટેન્શનની તકલીફ હતી. આ આંકડાઓ જ એની ગંભીરતા સૂચવે છે એટલું જ નહીં, ૨૫૮ હાઇપરટેન્શનના દરદીઓમાંથી ૧૨૫ દરદીઓને ખ્યાલ જ નહોતો કે તેમને આ રોગ છે. એટલે એ બાબતે એ કોઈ દવા પણ લેતા નહોતા. ૧૦૭ ડાયાબિટીઝના દરદીઓમાંથી ૧૯ દરદીઓ એવા હતા જેમને ખબર નહોતી કે તેમને શુગર-પ્રોબ્લેમ છે. આ આંકડાઓ જ જણાવે છે કે આપણી શહેરી રહેણીકરણીમાં ઘણો જ બદલાવ લાવવાની જરૂર છે નહીંતર આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ એની આપણા બધાની હેલ્થ અને જીવન પર ઘણી મોટીઅસર થવાની છે.

 ડેમેજ અટકી શકે છે

ક્રોનિક કિડની ડિસીઝ કે એન્ડ-સ્ટેજ રીનલ ડિસીઝથી બચવા માટે ઓબેસિટી સામેની લડત શરૂ કરવી જરૂરી છે. મહત્વની વાત એ છે કે ઓબેસિટી અને કિડની ડિસીઝ બન્ને એવા રોગો છે, જેનાથી બચવું આપના હાથની વાત છે. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, જો વ્યક્તિ ઓબીસ હોય અને શરૂઆતી સ્ટેજમાં હોય તો કિડનીનું ડેમેજ અટકાવી શકાય છે એટલું જ નહીં, જે ડેમેજ થયું છે એને ફરીથી ઠીક પણ કરી શકાય છે. પરંતુ અહીં મહત્વનું છે શરૂઆતી સ્ટેજ. જો સ્ટેજ વધી ગયું તો એક વખત થઈ ચૂકેલું ડેમેજ રિપેર કરી શકાતું નથી. પરંતુ એ તો છે જ કે આગળ થતા ડેમેજને અટકાવી શકાય કે ધીમું પાડી શકાય છે.

 શું કરવું?

જો વ્યક્તિ ઓવરવેઇટ કે ઓબીસ હોય તો તેમણે તાત્કાલિક ચેતવું જરૂરી છે અને તેમનું વજન ઉતારવાની સંપૂર્ણ કોશિશ કરવી જોઈએ. આ બાબતે સમજાવતાં ડોકટર કહે છે, કિડની ડિસીઝની ત્રણ ટેસ્ટ છે, જે એકદમ બેઝિક છે. એક સામાન્ય યુરિન ટેસ્ટ, બીજી ક્રીઆટનીનની બ્લડ-ટેસ્ટ અને ત્રીજી સોનોગ્રાફી. કોઈ પણ ઓબીસ કે ઓવરવેઇટ વ્યક્તિએ વધુ નહીં તો પહેલાં ડોક્ટરને મળવું અને જરૂરી ટેસ્ટ કરાવવી. જો યુરિન ટેસ્ટ કે બ્લડ-ટેસ્ટમાં આવે કે તેમની કિડની પર થોડી અસર થઈ છે તો જરૂરી ઇલાજ ચાલુ કરવો અને વેઇટ ઉતારવાનો પ્રયત્ન ચાલુ કરી જ દેવો, જેનાથી ઘણો ફાયદો થઈ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.