જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વિશાળ રસોઈ ઘરનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

દરરોજ ૫૦ હજાર બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાશે

શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવા વાહનો ખરીદવા રૂ.૮.૫ કરોડ ફાળવ્યા

જામનગર-લાલપુર તાલુકાની શાળાઓને સહાય કરવા ફાઉન્ડેશને ૧ કરોડ ફાળવ્યા

રિલાયન્સ ફાઉન્ડેશનની વધુ એક સેવા શરૂ

રોજના ૫૦ હજાર બાળકો માટે ભોજન તૈયાર કરી શકાય એવા આધુનિક સુવિધાથી સજ્જ વિશાળ રસોઈ ઘરનું રિલાયન્સ ફાઉન્ડેશને જામનગરમાં નિર્માણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું છે. રાજ્ય સરકારની મધ્યાહ્ન ભોજન યોજના બિન-સરકારી સંસ્થા અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્થા દ્વારા જ થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઇમારતનું ઉદ્દ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર અને દેવભૂમિ-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના જગમોહન કૃષ્ણદાસાનો સમાવેશ થાય છે.

મધ્યાહ્ન ભોજન તૈયાર કરવા માટેના આ વિશાળ રસોઇઘરમાં દરરોજ ૫૦ હજાર બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રસોઇઘરની ઇમારતના નિર્માણ, રસોઇમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવા માટે જરૂરી વાહનો ખરીદવા માટે કુલ રૂ.૮.૫ કરોડની ફાળવણી કરી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિફાઇનરી કોમ્પલેક્સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ રૂ. એક કરોડ પણ આપશે.  કુલ ૪૮૦૦ ચોરસ મીટરના પ્લોટમાં નિર્માણ કરવામાં આવેલા આ ભવનનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર ૨૯૬૫ ચોરસ મીટર છે. આ ઇમારતમાં નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓમાં રીસેપ્શન એરિયા, ડ્રાય અને વેટ કિચન એરિયા, પ્રિ-પ્રોસેસિંગ એરિયા, પ્રોવિઝન સ્ટોર, સ્ટોર રૂમ, ગોડાઉન, ચેન્જિંગ રૂમ, બોઇલર રૂમ, ફર્સ્ટ-એઇડ રૂમ, ડોરમેટરી, મલ્ટીપર્પઝ હોલ, ગેસ્ટરૂમ, એડમિનિસ્ટ્રેશન બ્લોક વગેરેનો સમાવેશ થાય છે.  આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, આ વિશાળ રસોઇઘરની સુવિધાનું ઉદ્દઘાટન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર સુધી આવ્યા એ આપણા બધા માટે ગૌરવની વાત છે. આપણા સમાજના હાંસિયામાં ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની જિંદગીની ગુણવત્તા બહેતર બનાવવા માટે રિલાયન્સ હંમેશા સમર્પિત છે. બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ ભોજન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે.

રિલાયન્સ ફાઉન્ડેશને ૩.૬૦ કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો

રિલાયન્સ ફાઉન્ડેશન (આર.એફ.)ેએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સખાવતી સંસ્થા છે, જેનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. નીતા અંબાણીના અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રિલાયન્સ ફાઉન્ડેશન પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પૂરા પાડવા અથાગ કામગીરી કરી રહી છે.  ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતી આર.એફ. ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમત ગમત, આપત્તિ નિવારણ, શહેરી નવીનીકરણ અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને ૩૭,૦૦૦ ગામો અને કેટલાક શહેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં ત્રણ કરોડ સાઇઠ લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.

Loading...