Abtak Media Google News

પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

વોર્ડ-૧૧

પ્રજાની વ્યથા સાંભળવા નગરસેવકો નવરા નથી

નગરસેવકો પાંચ વર્ષમાં એકવાર ‘ચક્કર’ મારવા પણ આવ્યા નહી તેવો પ્રજાનો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક

લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.

વોર્ડ નંબર ૧૧ની પ્રજા સાથે વાત કરતા કયાંક લોકોએ તટસ્થ વલણ તો ક્યાંક સંપૂર્ણ ભાજપ તરફી વાતાવરણ જોવા મળ્યું હતું. અમુક લોકોએ એવું કહ્યું હતું કે, છેલ્લા ઓએનચ વર્ષમાં અમુક કાર્યો થયા અને હજુ અમુક કાર્યો થઈ રહ્યા છે પરંતુ અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ પહેલા ભાજપની પેનલ જે હાલતમાં વોર્ડનું સાશન છોડીને ગઈ હતી આજે પણ એ જ પરિસ્થિતિ યથાવત છે. વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ જ જાતનું કામ થયું નથી.  લોકોએ વધુમાં કહ્યું હતું કે, આજ સુધીમાં અમેં એ પણ જાણી શક્યા નથી કે, અમારા નગરસેવકોનું કાર્યાલય ખરેખર ક્યાં આવે ? એ બધું પણ ઠીક પ્રજાએ તો એવું પણ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે કોઈ નગરસેવકને ભૂલે ચૂકે પણ વિસ્તારમાં નીકળતા જોયા નથી. પાયાની સવલતો જેવી કે, પાણી, ગટર, ડ્રેનેજ, રોડ-રસ્તા, વીજ સહિતની સુવિધાઓના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પ્રજાએ આ તકે ભૂગર્ભ ગટરના અભાવને કારણે રોડ પરથી વહી જતા પાણીનું અવલોકન પણ કરાવ્યું હતું. પ્રજાએ કહ્યું હતું કે, અમારો નગરસેવક શિક્ષિત, કર્તવ્યનિષ્ઠ અને ઉત્સાહી હોવો જોઈએ જે ઉત્સાહપૂર્વક અમારા કાર્યો કરી શકે. અમુક સ્થાનિકોએ તેમના આદર્શ નગરસેવક તરીકે પૂર્વ નગરસેવક અને ભાજપના અગ્રણી રાજુભાઇ બોરીચાનું નામ આગળ કર્યું હતું.

પ્રજાની નાનામાં નાની જરૂરીયાતોની કાળજી લેવાઈ: કોંગ્રેસ

વોર્ડ નંબર ૧૧ના નગરસેવકો તેમજ નેતાઓએ અબતક સસ્થેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પેનલના ચારેય નગરસેવકોએ ખૂબ કામો કર્યા છે. અગાઉ પાકા રસ્તાનો અભાવ હતો ત્યારે અમે પેવિંગ બ્લોક, મેટલિંગ સહિતની કામગીરીઓ કરી છે. તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં રોડ-રસ્તાનો પણ ખૂબ અભાવ હતો ત્યારે તે વિસ્તારોમાં રોડ-રસ્તા બનાવી આપવામાં આવ્યા છે. અમે અમારી તમામ ગ્રાંટ પ્રજા ઉપયોગી કાર્યમાં વાપર્યા છે અને જો કોઈ એવો આક્ષેપ કરતું હોય કે કોંગી કોર્પોરેટરની ગ્રાંટ વપરાય નથી તો તે આરટીઆઈ કરીને વિગતો માંગી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં અમે ચારેય નગરસેવકો સંપૂર્ણ રીતે સક્રિય છીએ. જ્યારે પણ કોઈ નાની-મોટી રજુઆત લઈને લોકો આવ્યા હોય તો અમે તેમને સાંભળીએ છીએ. તેમની સમસ્યા દૂર કરવા પ્રયત્નો પણ કરીએ છીએ. કોંગી અગ્રણીઓએ કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા કોંગ્રેસની પેનલ આ વિસ્તારમાં ચૂંટાઈને આવી તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રજા ભાજપની નેતાગીરીથી કંટાળી હતી, ફકત વાતો કરીને ભોળવી જનારી પક્ષના કાર્યકરોને પ્રજાએ ઝાકારો આપ્યો અને કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા. ત્યારે વોર્ડમાં રસ્તાથી માંડીને પાણીની સમસ્યા હતી. હાલ રોડ રસ્તાના મોટાભાગના કામો થઈ ચુક્યા છે. પાણીની સમસ્યા દૂર કરવા નવો વોટર હેડ બનીને તૈયાર થઈ રહ્યો છે જેથી આ સમસ્યા પણ ટૂંક સમયમાં દૂર થશે.  તેમણે આગામી પાંચ વર્ષ વિશે કહ્યું હતું કે, હજુ પણ વિસ્તારમાં જે નાની મોટી સમસ્યાઓ જે છે તેંને દૂર કરવા અમે તત્પર રહીશું.

છેલ્લા ૫ વર્ષમાં વોર્ડના વિસ્તારો વિકાસથી વંચિત: ભાજપ

વોર્ડ નંબર ૧૧ ખાતે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ૮૭,૬૦૦ જેટલા લોકો વસવાટ કરે છે જ્યારે અંતિમ મતદાર સુધારણા યાદી મુજબ વોર્ડમાં કુલ ૭૨,૮૭૨ મતદાતાઓ છે. નવા ગામો ભળતા વોર્ડના સીમાંકનમાં પરિવર્તન આવ્યું છે. હવે આ વોર્ડના વિસ્તારમાં વિરડા વાજડી ગામના ત્રિભેટા સુધીના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વોર્ડ નંબર ૧૧ના રાજુભાઇ બોરીચા સહિતના આગેવાનોએ અબતક સસ્થેમી વાતચીતમાં કહ્યું હતું કે, આ વિસ્તારના કોર્પોરેટર કોંગ્રેસ પક્ષના છે પણ પ્રજા તેમને ઓળખતી જ નથી. વોર્ડમાં તમામ કોર્પોરેટર કોંગ્રેસના છે પણ પ્રજા નાના મોટા કામો માટે ભાજપ પાસે આવે છે. રોડ-રસ્તા, પાણી, લાઈટ, ડ્રેનેજ સહિતની ફરિયાદોનું નિકાલ અમે કરીએ છીએ. વર્ષ ૨૦૧૫માં ચૂંટણીઓ યોજાઈ તે પૂર્વે ભાજપની પેનલ દ્વારા જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા હજુ પણ તે જ રોડ રસ્તા યથાવત છે. કોંગ્રેસે તેમાં એક ટકાનો પણ વધારો કર્યો નથી. તેમણે આગામી પાંચ વર્ષ માટે કહ્યું હતું કે, જો પ્રજા ફરીવાર ભાજપને તક આપશે તો રોડ-રસ્તા, ડ્રેનેજ, લોકોના માથાના દુખાવા સમાન પાણીની સમસ્યા દૂર કરવા આયોજનો કરવામાં આવશે. તે ઉપરાંત વિસ્તારમાં નવું ગાર્ડન, લો એન્ડ ઑર્ડર જળવાઈ રહે તે માટે નવી પોલીસ ચોકી, આરસીએલ શાખા, નવું સાર્વજનિક દવાખાનું, નવા ભળેલા વિસ્તારોમાં ડી.આઈ. પાઇપલાઇન મારફત પાણીની વ્યવસ્થા અને રસ્તાઓને ડામરથી મઢવાનું કાર્ય ભાજપ કરશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના સાશનમાં આ વિસ્તાર વિકાસથી વંચિત છે. અહીં છેલ્લા પાંચ વર્ષમાં ભુમાફિયાઓ તરીકે બોલાઈ રહ્યા છે. ચૂંટાયેલા નગરસેવકોના નામો પણ જમીન કૌભાંડમાં બોલાઈ રહ્યા છે જે લોકો સરકારી ખરાબા સહિતની જમીન દબાવી પાડવા ભુમાફિયાઓ બેફામ બન્યા છે. તેમણે કહ્યું હતું કે, પાંચ ગાર્ડન, મહિલાઓની પ્રવૃતિઓ માટે સ્થળ, બાળ ક્રિડાંગણ, ટીપી નંબર ૨૬,૨૭,૨૮ના તમામ રોડને ડામરથી મઢી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.