વોર્ડ નં.૧૨માં ૯૨ કામદારો ૩ માસથી પગાર વિહોણા: સફાઈ કામગીરી ઠપ્પ

60

કોન્ટ્રાકટર પગાર ચુકવ્યા વિના જ ફરાર: ડિપોઝીટની રકમમાંથી દિવાળીનાં તહેવારમાં પગારનાં ચુકવણા કરવા માંગ

શહેરનાં વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારોને છેલ્લા ૩ માસથી પગાર ચુકવ્યા વિના કોન્ટ્રાકટર ફરાર થઈ ગયો હોય છેલ્લા ૨૦ દિવસથી વોર્ડની ૫૬ સોસાયટીઓમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. જેનાં કારણે રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે.

કોન્ટ્રાકટરની ડિપોઝીટની રકમમાંથી દિવાળીનાં તહેવાર સમયે પગાર ચુકવવાની માંગ સાથે આજે ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે હાલ અન્ય વિસ્તારમાં કામ કરતા કાયમી સફાઈ કામદારો પાસેથી આ વિસ્તારમાં વધારાની કામગીરી કરાવવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરનાં વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં વિસનગરનાં ભાવેશ નામના વ્યકિતને સફાઈનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અહીં ૯૨ સફાઈ કામદારોને ગત ઓગસ્ટ માસથી કોન્ટ્રાકટર દ્વારા પગાર ચુકવવામાં આવ્યો નથી. કોન્ટ્રાકટર વિસનગર ભાગી ગયો છે જેનાં કારણે વોર્ડની ઈન્ડસ્ટ્રીયલ સહિતની ૫૬ સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી સફાઈ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે.

આજે સવારે પગારથી વંચિત ૪૦થી વધુ મહિલાઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવી હતી અને તેઓએ એવી રજુઆત કરી હતી કે, સફાઈનાં કોન્ટ્રાકટરે ડિપોઝીટ પેટે જે રકમ જમા કરાવી છે તેમાંથી તેઓને છેલ્લા ૩ માસનો પગાર ચુકવી દેવામાં આવે.

છેલ્લા ૨૦ દિવસથી ૫૬ સોસાયટીઓમાં સફાઈ કામગીરી ઠપ્પ હોવાનાં કારણે વોર્ડમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. કોર્પોરેટર પણ ડેન્ગ્યુમાં સપડાયા છે.

હાલ વૈકિલ્પક વ્યવસ્થાનાં ભાગરૂપે કોર્પોરેશન દ્વારા વોર્ડનાં અન્ય વિસ્તારોમાં સવારે સફાઈ કામદારો પાસે વહેલી સફાઈ કામગીરી કરાવવામાં આવી રહી છે અને તેઓને ત્યારબાદ વાવડી વિસ્તારમાં સફાઈ કામગીરી માટે લગાવી દેવામાં આવે છે.

Loading...