Abtak Media Google News

પિતાની ભૂમિકા આમ તો “પિતૃ દેવો ભવ ! પ્રમાણે ઘરના આધારસ્તંભ જેવી હોય છે, પરંતુ જગુ તેનાથી વિરૂધ્ધ દુષ્ટ વ્યક્તિ બન્યો!”

વ્યકિતગત લાલચ ઈચ્છાઓ જ કલેશનું કારણ !

સમાજમાં આમ તો મહાભારતના કાળથી જ માણસોમાં વ્યક્તિગત ઈચ્છાઓ, લોભ લાલચ સ્વાર્થ અને માન્યતાઓને કારણે કુટુંબના સભ્યો વચ્ચે પણ કુરૂક્ષેત્ર જેવા યુધ્ધ સર્જાતા હોવાના અનેક ઉદાહરણો જોવા મળે છે.

રાજકોટ ખાતે પીઆઈ જયદેવ અને તેના પરમ મિત્ર એવા વકીલને પણ મને કમને આવા એક કૌટુંબીક કુરૂક્ષેત્ર પ્રકારના યુધ્ધમાં ભાગ લેવો પડયો હતો. એક જ બનાવમાં ત્રણ તબકકે વારાફરતી આપ્તજનોમાં મોરચા મંડાયા હતા શરૂઆત થઈ પત્ની વિરૂધ્ધ પતિથી બીજે તબકકે પિતા વિરૂધ્ધ પુત્રો અને ત્રીજા તબકકે ખાસ મિત્ર વિરૂધ્ધ મિત્ર એમ એક જ ગુન્હામાં સામસામે પુરી તાકાતથી ટકરાયેલા જેમાં જયદેવને પાંડવ પક્ષે રહી લડવું પડેલુ ! આ રસપ્રદ કિસ્સો રાજકોટ તાલુકાના વાવડી ગામનો છે.

“મા તે મા!’

વાવડી ગામનો એક યુવાન નામે જગુ રાજય અનામત પોલીસ દળ (એસ.આર.પી.)માં ભરતી થયો નોકરી લાગતા જગુના લીંબડી તાલુકામાં લગ્ન થયા. પરંતુ અનામત પોલીસદળની રખડતી ભટકતી નોકરી દરમ્યાન જવાન જગુ નશાના કુછુંદે ચડયો શરૂઆત દારૂ પીવાથી થઈ અને વધારામાં ગાંજો પીવાનું પણ ચાલુ કયુર્ંં. પરંતુ ફરજ દરમ્યાન નશો કરેલી હાલતમાં બે ત્રણ વખત પકડાતા બે ત્રણ કેસને અંતે તેને પોલીસ ખાતામાંથી રૂખસદ આપી દેવામાં આવી, ડીસમીસ કર્યો. આ દરમ્યાન જગુને ત્યાં બે બાળકો પણ થયેલા પિતાની ભૂમિકા આમ તો ‘પિતૃ દેવો ભવ ’ પ્રમાણે દેવ જેવી છે. પિતા ઘરનો પાલનહાર તથા બાળકોની પ્રગતીનો અધાર સ્તંભ હોય છે.પરંતુ આ જગુ તેનાથી વિપરીત દુષ્ટ વ્યકિત થયો. પરંતુ જગુના પત્ની ગુણીયલ અને સંસ્કારી હતા તેણે વાવડી ગામે રહી બંને સંતાનોને સારી રીતે ભણાવી ઉછેર કરતી હતી. વાવડી ગામ પણ સંસ્કારી, ધાર્મિક અને સ્વાધ્યાય પ્રવૃત્તિ વાળુ ગામ હતુ.

‘બુરે કામકા બુરા નતીજા’ પત્ની- પતિ

તેમાં આ વંઠેલ જગુ ખાતામાંથી રૂખસદ પામી ગામે આવ્યો સમાજમાં એવું અનુભવવામાં અને જોવામાં આવ્યું છે કે તકલીફ સજજનો જ પડતી હોય છે. દુર્જનો ને નહિ કેમકે સજજનોને શરમ અને આબરૂ મહત્વની હોય છે. જયારે આવા જગુ જેવા લબાડ ને આબરૂ કે શરમ જેવું કાંઈ હોતુ નથી. વાવડી ગામમાં તો જગુને કોઈ સાથ સહકાર આપે તેમ ન હતુ તેથી તે આખો દિવસ શાપર વેરાવળ, મવડી અને રાજકોટ શહેરમાં રખડતો ભટકતો રહેતો અને પોતાની નશાની લતમાં ગળાડુબ રહેતો પણ તેનો અત્યાચાર તેના કુટુંબ અને બાકી ગામ ઉપર થતો હતો.

એક વખત વહેલી સવારના ત્રણેક વાગ્યે જયદેવ ઉપર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓનો ટેલીફોન આવ્યો કે વાવડી ગામે ખૂન થયેલ છે. અને જીપ આપને તેડવા રવાના થયેલ છે. જયદેવ તૂર્તજ તૈયાર થઈ ગયો યુનિફોર્મ પહેરીને જીપમાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં પહોચ્યો દુ:ખ સજજનોને હોય અને દુ:ખી લોકોની મદદમાં પણ સજજન લોકો જ આવતા હોય છે. પોસ્ટ મોર્ટમા રૂમ ઉપર સેવાભાવી સજજનોના ટોળાઓ એકઠા થયેલા હતા.

હાજર લોકોથી જયદેવને ખૂનના બનાવની વિગત જાણવા મળેલી કે જગુને બે પુત્રો હતા જેમાં મોટો ઉ.૧૭નો બારમાં ધોરણ સાયન્સ પાસ કરી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે. નાનો દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો જેઓ વાવડી ગામે તેની માતા સાથે રહેતા હતા. થોડી ઘણી ખેતીવાડીની આવકમાં તેમનું ગુજરાન ચાલતુ જયારે જગુ કાંઈ કમાતો નહી પણ રાતવરતના ઘેર આવીને ઘરમાં જે થોડુ ઘણુ પડયું હોય તે પણ લઈ જતો ગત રાત્રીનાં પણ જગુ નશો કરી રખડી ભટકીને મધ્યરાત્રીના વાવડી ગામે આવેલો એ સહજ છે કે અરધી રાત્રીનાં ઘરના દરવાજા અંદરથી બંધ જ હોય જગુને શું દુર્બુધ્ધિ સુજી કે દરવાજો ખખડાવવાને બદલે બજારમાં મકાનના ઓટલેથી મકાનના છાપરા ઉપર ચડેલો, મકાન વિલાયતી નળીયા વાળુ હતુ અને છતનું પાછળનું પડાળ આ બજાર તરફ પડતું હતુ જગુ એ આ પાછલા પડાળ ના બે નળીયા ખેસવીને જોયુંં તો ઓરડામાં તેની પત્ની એકલી સુતી હતી અને બંને પુત્રો ઓરડા બહાર ઓસરીમાં સુતા હતા.

જગુએ અવાજના આવે તે રીતે ખેસવેલ નળીયા વાળા બાંકોરામાંથી અંદર દાખલ થઈ વળી પકડીને નાટ ઉપર ઉતર્યો પછી નાટ પકડીને ટીંગાઈ ને નીચે ઉતર્યો પણ જગુની પત્ની જાગી ગઈ અને કહ્યું કે હવે છોકરા જુવાન થયા અને બહાર ઓંસરીમાં સૂતા છે. તમને આ રીતે રાત્રીનાં ચોરી છુપીથી છાપરામાં બાંકોરૂ પાડીને ઘરમાં આવતા શરમ નથી આવતી? આ સાંભળીને નશામાં ધ્રુત જગુ ઉશ્કેરાયો અને બોલ્યો ‘બહુ મોટી છોકરા વાળી થઈ ગઈ છો’ તેમ કહી તેની પત્નીને એક લાફો ઝીંકી દીધો. પરંતુ આ બબાલ થતા ઓંસરીમાં સુતેલા તેના બંને દીકરા જાગી ગયા દરવાજાને ધકકો માર્યો પણ અંદરથી બંધ હોઈ તેમણે દરવાજાને થપથપાવાનું ચાલુ કર્યું જગુની પત્ની દરવાજો ખોલવા જતા જ જગુએ તેનું બાવડુ જાલી આંચકો મારી પછાડી દીધી અને નશામાં ચકચૂર જગુ એ પોતાના નેફામાં રાખેલો શૈતાની છરો બહાર કાઢીને કહ્યુંં કે બહુ છોકરા વાળી થઈ ગઈ છો લે હવે તને જ પૂરી કરી દઉ તેમ કહી તેણે છરા વડે તેની પત્ની ઉપર જીવલેણ હુમલો કર્યો નશામાં ધ્રુત અને જમ જેવા જગુના ધારદાર છરાના પ્રહારોથી પારેવડા જેવી તેની પત્ની શું પ્રતિકાર કરી શકે? ઘાતકી જગુએ લગભગ ઓગણત્રીસ જેટલા છરીના ઘા કરી તેની પત્નીનું શરીર ચાળણી જેવું કરી દીધું. તેની પત્ની મરણ પામતા હવે તેને ભાગવું હતુ, પરંતુ ઓરડાની બહાર તેના પુત્રો દરવાજાને ખખડાવતા શોર બકોર કરી દરવાજો ખોલવાનું કહેતા હતા પરંતુ જેને મદદની જરૂર હતી તેણે તો મહાપ્રયાણ કરી દીધું હતુ.

જગુને હવે તેના પુત્રો નો ડર લાગ્યો એટલે જયાંથી ઓરડામાં પ્રવેશેલો તે છાપરામાંથી ભાગવા પ્રયત્ન કર્યો પરંતુ લાંબા સમયથી જુદા જુદા નશાના કારણે હવે તેનું શરીર ફકત દેખાવનું રહ્યું હતુ હવે પહેલા જેમ પોલીસ દળમાં હતો અને જંપ લગાવી ને દિવાલો ઠેકી જતો તે દિવસો જેવું શરીર રહ્યું નહતુ. જગુએ ખૂબજ પ્રયત્નો કર્યા પણ નાટ ને જ પકડી શકયો નહિ આ બાજુ ઓસરીમાં ખૂબ દેકારો થતા તે મુંઝાયો આથી તેણે ઓરડાનો દરવાજો ખોલીને ભાગવા પ્રયત્ન કર્યો પરંતુ સામે બંને પુત્રો વચ્ચે દિવાલ બનીને ઉભા હતા તેમ છતા નશાની શૈતાનીમાં જગુએ બંને પુત્રોને ધકકો મારી ઓંસરીમાંથી ઠેક મારી ફળીયામાં થઈ સામે ખૂણામાં નાની દિવાલ હતી ત્યાંથી ટપીને તે નાસી છૂટેલો.

બનાવની ફરિયાદતો તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઓ એ લઈ ને ગુન્હો દાખલ કરી દીધેલો જયદેવે પીએમરૂમમાં જગુના પત્નીનું ઈન્કવેસ્ટ પંચનામું કર્યું લાશ ડોકટરને પોસ્ટ મોર્ટમ માટે સોંપી જયદેવ વાવડી ગામે આવ્યો ગામ આખામાં અરેરાટી અને માતમ છવાયેલો હતો ગામ લોકોએ જયદેવને કહ્યું કે સાહેબ આ જગુ અમારા ગામનો રાક્ષસ છે. તેને એવી સજા કરાવો કે હવે જેલમાંથી છૂટે જ નહિ અને અમારા ગામમાં બહારથી ગુનેગારોને લાવીને કોઈ દુષણો ફેલાવે નહિ અને મૃતાત્માને પણ શાંતિ થાય.

‘બાતમી અને યુકિત’ પિતા/પુત્રો

જયદેવે મરનારના ઘરની મુલાકાત લીધી, હવે દિવસ ઉગી ગયો હતો તેથી તેણે દિવસના અજવાળામાં જ ગુન્હાવાળી જગ્યાનું પંચનામું કર્યું, જરૂરી મુદામાલ લોહી વાળી માટી વિગેરે કબ્જે કર્યા જગુના બંને પુત્રોના નિવેદનો લીધા, તેમણે ભારે હૈયે જે હકિકત બની હતી તે જણાવી દીધી. વધુમાં જણાવ્યું કે જેને ઉપર જવાની જરૂરત હતી (જગુને) તેને બદલે અમારો આધાર (માતા) તુટી ગયો હવે અમને ચિંતા એ છે કેજો તેમનો બાપ જેલમાંથી છૂટીને આવશે પછી અમારૂ પણ શું થાય તે ભગવાન જાણે. જયદેવ મનમાં સમજી ગયો આથી તેણે આશ્ર્વાસન આપ્યું કે ભગવાન ઉપર શ્રધ્ધા રાખો બધા સારાવાના થઈ રહેશે ‘દુ:ખનું ઓસડ દાડા (દિવસો) છે’ જયદેવે ખંતથી તપાસ શરૂ કરી પરંતુ આરોપી જગુ ‘નૌ દસ ગ્યારાહ’ થઈ ગયો હતો આમેય તે લાવારીસ જેવો તો હતો જ પણ હવે તેનો કોઈ પત્તો લાગતો નહતો.

જયદેવે પોતાના ડીસ્ટાફના જવાનોને સૂચના કરી કે જગુના બંધાણી (નશાના) મિત્રોનો સંપર્ક કરી ધમકી આપી ને કહો કે જગુની માહિતી આપે નહિતો હવે તેમના હવા પાણી બંધ થઈ જશે આ ધમકીની અસર થઈ એક બંધાણીએ કહ્યું કે ખૂન કરીને આવ્યા પછી જગુ કહેતો હતો કે હવે મારે માટે ગામ તો નકામુ છે કેમકે મારા પુત્રો અને મારૂ ગામ જ મને હવે રહેવા નહિ દયે હવે તો મારે માટે દુનિયા પણ નકામી છે. આથી હવે તો બાવો બની જવું છે તેમ કહી ટ્રેનમાં બેસીને અયોધ્યાની ટીકીટ લઈને રવાના થયો છે. અયોધ્યા પાસે છપૈયા ગામે એક મંદિર આવેલું છે ત્યાં રોકાવાનો છે તેમ તે કહેતો હતો.

જયદેવે છપૈયા ગામનાં મંદિરના વહિવટદારને ટેલીફોનથી બનાવની વિગતે વાત કરી જગુનું વર્ણન આપી કહ્યુંં કે જો જગુ ત્યાં આવે તો ત્યાંની પોલીસને અથવા અમોને જાણ કરી દેજો.

જગુ જયાં ગયો હોય ત્યાં પરંતુ આવા નશાખોર વ્યકિત પાસે નાણા ટકતા નથી, પાંચેક દિવસમાં જ જગુ કડકો થતા આખરે રાજકોટ તેની બંધાણી વસાહતમાં પાછો ફર્યો ડી સ્ટાફને માહિતી મળતા જ પોલીસે જગુને ઉપાડી લીધો પોલીસે પકડીને તેની કરવાની થતી કાયદેસરની વિધી કરીને જગુને કોર્ટ હવાલે કર્યો જયાંથી તેને મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો.

કોર્ટમાં કમઠાણ

જગુની મદદમાં સહજ છે કે હવે કોઈ કુટુંબીજનો સગા કે ગામના લોકો હોય જ નહિ ! જગુએ હવે પોતાની રીતે લડવાનું હતુ જયદેવે આ ગુન્હાની તપાસ પૂર્ણ થયે તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું જગુ એ હવે જેલમાં બેઠા બેઠા જ તેના અંગત મિત્રો (નશો કરનાર અને તે વસ્તુની દલાલી કરનારાઓ)નો સંપર્ક કરી આજીજી કરી કે તમે મારી મદદે નહિ આવો તો મને ફાંસીની સજા નકકી છે. કેમકે તેના બંને પુત્રો, સાક્ષીઓ અને પોલીસ જે રીતે પાછળ પડી છે તે જોતા હવે બચવાનો કોઈ આરો નથી અને અહિં જેલમાં નશા વગર નાડીઓ તૂટે છે.તેના મિત્રોને જગુની દયા આવી અને વકિલનો સંપર્ક કર્યો, જોગાનું જોગ આ વકિલ જયદેવના ખુબ જૂના મિત્ર હતા. વકિલે જયદેવને કહ્યું કે બંધાણી જગુની ફાઈલ માટે મારી પાસે પુછાણ આવ્યું છે આથી જયદેવે કહ્યું કે તમારે તો પ્રોફેશનલ એથિક નીભાવવી જ રહી, ના પડાય નહિ, તમતમારે તેનો કેસ લડો. આપણે જયારે કોર્ટમાં લડતા હોઈશું ત્યાર પૂરતા મિત્રો મટી જવાનું તમારે તમારા અસિલ ને બચાવવા માટે પૂરી તાકાત લગાવવાની અને હું મારી ફરજ પૂરી તાકાતથી ફરિયાદી ને ન્યાય અપાવવાની કરીશ.

આરોપીને ટ્રાયલ દરમ્યાન પણ જામીન મળ્યા નહિ અને કેસ બોર્ડ ઉપર ચાલવા માટે આવ્યો જયદેવે તેની ફરજ નીભાવી સરકારી વકિલની કચેરીમાં આ કામના સાક્ષીઓ કે જે આરોપીના પુત્રો જહતા જે સારૂ એવું ભણેલા હતા તેમાં મોટો પુત્ર તો બાર સાયન્સમાં ૮૬% માર્ક લાવેલો એટલે ઈન્ટેલીજન્ટતો હતો જ તેમને સાહેદી અંગે સમજણ આપી અને તેજ રીતે આગુન્હાના ઈન્કવેસ્ટ પંચનામા, ગુન્હાવાળી જગ્યાના પંચનામા આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલનો છરાના પંચનામાના પંચોને સમજણ આપી તૈયાર કરી કોર્ટમાં સાક્ષી માટે મોકલ્યા.

‘સર તપાસ એક કલાક ઉલટ તપાસ ત્રણ દિવસ !’ મિત્ર/મિત્ર

તમામ સાક્ષીઓ અદાલતમાં બરાબર જ સાક્ષી આપતા હતા પણ સામે જયદેવના વિદ્વાન વકિલ મિત્ર પણ ગાંજયા જાય તેમ ન હતા. તેમણે પંચોની યુકિત પૂર્વક એવી ઉલટ તપાસ કરી કે ગુન્હાવાળી જગ્યા જ જાણે વાવડી ગામમાં અસ્તિત્વ ધરાવતી ન હોય તેવું એસ્ટાબ્લીશ કરી દીધું ! પરંતુ આરોપી જગુના બંને પુત્રો ખૂબજ બુધ્ધિશાળી હતા તેઓ ઉલટ તપાસમાં કયાંય ગાંજયા જતા ન હતા. કેસ બરાબર ટકકરનો બનતો જતો હતો.

છેલ્લે કોર્ટમાં સાહેદી આપવા માટે તપાસનીશ અધિકારી તરીકે જયદેવનો વારો આવ્યો આ કેસમાં જયદેવની સર તપાસ તો એકાદ કલાકમાં પૂરી થઈ ગઈ પરંતુ તેના વિદ્વાન વકિલ મિત્ર દ્વારા પૂરા ત્રણ દિવસ ઉલટ તપાસ ચાલવાની હતી.

પ્રથમ દિવસે તપાસનીશ અધિકારી તરીકે જયદેવની ઉલટ તપાસ જગુના વિદ્વાન વકિલ અને જયદેવના મિત્ર દ્વારા શરૂ થઈ અને અદાલતમાં સવાલો જવાબો નો એવો સંઘર્ષ ચાલ્યો કે કોર્ટનું વાતાવરણ પીનડ્રોપ સાયલન્ટતો હતુ પણ એકદમ ઉતેજીત પણ હતુ કે હવે શું સવાલ આવશે અને હવે તેનો શું જવાબ આવશે !

કુરૂક્ષેત્રના યુધ્ધમાં જેમ દૂર્યોધના ટોણા પછી ભીષ્મ પિતાએ પાંડવ સેના ઉપર જે રીતે ભયંકર આક્રમણ કરેલુ અને જે હાલત અર્જૂનની થઈ હતી તેમ અદાલતમાં જયદેવને પણ પરસેવો છૂટી જતો હતો.પરંતુ તે પૂરી મકકમતાથી અને સમજી વિચારીને બુધ્ધિ પૂર્વક જવાબો આપતો હતો. આ કેસ કોઈ હાઈ પ્રોફાઈલ કેસ તો હતો નહિ તેથી કોઈ આમ જનતાતો અદાલતમાં આવેલી નહિ પરંતુ ટ્રાયલ દરમ્યાન જ પોલીસ અધિકારી અને બચાવ પક્ષના વિદ્વાન વકિલનો જે રીતે મોરચો ગોઠવાયો હતો તેના કારણે આ કોન્ટેસ્ટેડ મેટર સાંભળવા માટે અન્ય વકિલ મિત્રો અદાલતમાં ગોઠવાઈ જતા કોર્ટ રૂમ વકિલોથી જ ચિકકાર ભરાઈ ગયો હતો આખરે રીસેસ પડયો અદાલતમાંથી બહાર આવીને જયદેવ અને તેના વકિલ મિત્ર બંને સાથે જમવા માટે રવાના થયા બપોર પછીના સમયે ફરીથી કોર્ટ રૂમ વકિલ મિત્રોથી હકડેઠઠ ભરાઈ ગયો હતો પાછળથી જાણવા મળેલ કે જયદેવ અને તેના વકિલ મિત્ર આવ્યા પહેલા જજ સાહેબને કોઈ વકિલ સાથે ચર્ચા થયેલી કે પોલીસ અધિકારી અને વકિલ વચ્ચે ખૂબ ઉગ્રતા થઈ જાય છે કયાંક બંને ઝઘડીને પડે તો સારૂ આથી એક સીનીયર વકીલે જજ સાહેબને કહેલ કે સાહેબ આ પોલીસ અધિકારી અને સામેના વકિલ બંને વાસ્તવિક જીવનમા મિત્રો છે. પણ અહીં કોર્ટમાં પ્રોફેશનલ એથિક મુજબ પોત પોતાના પક્ષ માટે દિલથી લડી રહ્યા છે.

પ્રથમ દિવસના અતે જયદેવના વિદ્વાન વકિલ મિત્રે જયદેવને કહ્યું હું આ કેસમાં એવી ઉલટ તપાસ કરૂ કે જેથી તપાસમાં તમારા દ્વારા રહેલ ખામીની નોંધ જજ સાહેબને ચૂકાદામાં નોંધવી પડે અને સ્ટ્રીકચર (ટીકા) પાસ કરે એવું પણ બને તો? જયદેવ ચમકયો, તેને થયું કે તપાસમાં કોઈ ખામી જણાતી જ નથી પણ આતો વકિલ મિત્રછે ‘દુધમાંથી પણ પોરા કાઢી શકે’ આથી જયદેવે કહ્યું હવે જયારે યુધ્ધ જ જાહેર કર્યું છે. તો ‘હવે યુધ્ધ એજ કલ્યાણ’ તમને તમારા અસિલ માટે તમામ છૂટ છે.

બીજા દિવસની સાહેદીમાં વિદ્વાન વકિલ મિત્રે ઉલટ તપાસ દરમ્યાન આ ગુન્હાની પોલીસ તપાસ દરમ્યાનની એક મોટી ખામી શોધી કાઢી અને જયદેવને ગુન્હાવાળી જગ્યાના પંચનામામાં ઘરમાં કયાંય ઈલેકટ્રીક લાઈટ હોવાનો ઉલ્લેખ નહિ કર્યાનો પ્રશ્ર્ન પૂછયો જયદેવે જવાબ આપ્યો હા. બરાબર પંચનામામાં ઈલેકટ્રીક લાઈટ હોવાનો ઉલ્લેખ નથી કર્યો પણ વાસ્તવિક રીતે ઘરમાં લાઈટ હતી અને છે અને તે સાક્ષીઓએ પણ જણાવ્યું છે.

જયદેવથી આ બાબત શરત ચૂક એટલા માટે થયેલ કે બનાવ રાત્રીનો હતો અને પંચનામું કર્યું ત્યારે દિવસ ઉગી ગયો હતો અને તેમાં પંચનામું કરેલુ બીજો આખો દિવસ ઉલટ તપાસ ચાલી પરંતુ બીજા દિવસના રાજકોટના એક અગ્રગણી સાંધ્ય દૈનિક અકિલામાં આ વાવડી ખૂન કેસની કોર્ટમાં ચાલતી ટ્રાયલના સમાચાર હેડ લાઈનમાં ‘પત્નિ વિરુધ્ધ, પતિ, પિતા વિરુધ્ધ, પુત્ર અને મિત્ર વિરુધ્ધ મિત્ર અને જે રીતે અદાલતમાં ધમાસાણ ઉલટ તપાસ અને તેના જવાબો થતા હતા તેના સમાચારો હતા.

ત્રિજો દિવસ પણ આ રીતે આક્રમક ઉલટ તપાસના સવાલો અને જવાબો માટે આખો દિવસ ચાલ્યો આખરે સરકારી વકિલ અને બચાવ પક્ષના વકિલોની દલીલોને અંતે ઉત્તેજના સભર એવો જજમેન્ટ નો દિવસ આવી ગયો.

અદાલતે બંને પક્ષોની દલીલો અને પૂરાવાઓનું મૂલ્યાંકન કરી આરોપી જગુને આજીવન કારાવાસની સજા જાહેર કરી નામદાર અદાલતે બચાવ પક્ષના વિદ્વાન વકિલની તમામ દલીલો માની સાથે સાક્ષી એવા આરોપી જગુના પુત્રએ આપેલી સાહેદી કે બનાવ દરમ્યાન ઓરડાનો દરવાજો જયારે ખોલ્યો અને જે ધકકા ધકકી થઈ તે આરોપી તેના પિતા જગુ જ હ તા. તેને પણ મની.

સમગ્ર વાવડી ગામમાં આનંદ વ્યાપી ગયો કે ગામ ઉપરથી આફત ટળી જયદેવ પણ ખુશ થયો પણ તેને માટે વધારે આનંદની વાત એ હતી કે નામદાર અદાલતે શરત ચૂકથી જે ગુન્હાવાળી જગ્યાએ ઈલેકટ્રીક કનેકશનની બાબત પંચનામામાં લખવાની રહી ગઈ હતી તેની કોઈ ટીકા કરી નહતી.પરંતુ ત્યાર પછી જયારે જયદેવ કચ્છમાં ફરજ પર હતો ત્યારે રાજકોટ પોલીસ કમિશ્ર્નરે જયદેવને આ સારી કાર્યવાહી આરોપીને સજા કરાવવાની કરવા સબબ રૂા. ૫૦૦નું ઈનામ અને પ્રશંસા પત્ર પણ આપ્યું હતું!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.