Abtak Media Google News

અશ્ર્વિન-વિહારીએ ૩.૫ કલાક બેટીંગ કરીને મેચ બચાવ્યો, છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બોલમાં ૬૨ રનની ત્રીજી સૌથી મોટી પાર્ટનરશીપ: સીરીઝ ૧-૧ની બરાબરી પર

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ભારતની બીજી ઈનીંગમાં લડાયક રમતના કારણે ડ્રોમાં પરિણમી હતી. સિડની ટેસ્ટની બીજી ઈનીંગમાં અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબજ સારી રહી હતી. કેપ્ટન રહાણે ૪ રનમાં જ આઉટ થયા બાદ ચેતેશ્ર્વર પુજારા અને રૂષભ પંત વચ્ચે ૧૪૮ રનની ભાગીદારીના કારણે ટીમ ઈન્ડીયા મજબૂત સ્થિતિમાં પહોંચી હતી.  જો કે બન્ને આઉટ થઈ જતા ટીમ ઈન્ડીયા માટે મેચ જીતવો પડકારજનક હતો પરંતુ રવિચંદ્ર અશ્ર્વિન અને હનુમા વિહારીએ છઠ્ઠી વિકેટ માટે ૨૫૮ બોલમાં ૬૨ રનની ઈનીંગ રમી હતી. જેને કારણે મેચ ભારત જીતી તો ન શક્યું પરંતુ મેચ ડ્રોમાં પરિણમી હતી. કાંગારૂ બોલરોએ વિહારી અને અશ્ર્વિનને ઘણા બોલ શરીર પર માર્યા હતા. જો કે, વિહારી અને અશ્ર્વિને હાર ન માનતા તેનો સામનો કર્યો હતો અને દ્રઢતાપૂર્વક બેટીંગ કરી હતી. હનુમા વિહારી તો દોડી શકે તેવી હાલતમાં પણ ન હતો છતાં પણ લડાયક ઈનીંગ રમી હતી. ભારતે ૪૧ વર્ષ બાદ ચોથી ઈનીંગમાં ૧૩૧ ઓવર રમી મેચને ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.

રૂષભ પંત, ચેતેશ્ર્વર પુજારા, રોહિત શર્માની અર્ધ સદી સીવાય હનુમા વિહારી અને રવિચંદ્ર અશ્ર્વિનની લડાયક બેટીંગના આધારે ભારત ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. બન્નેએ ધીમી પરંતુ અત્યંત મહત્વની ઈનીંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા ઈન્જર્ડ હોવાના કારણે બેટીંગમાં ઉતરી શકે તેવી સ્થિતિમાં ન હતો. ત્યારે ચેતેશ્ર્વર પૂજારાની વિકેટ બાદ અશ્ર્વિન મેદાને આવ્યો હતો અને અંતિમ ઓવર સુધી લડાયક ઈનીંગ રમીને મેચને ડ્રોમાં પરિણમવા સફળ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચેતેશ્ર્વર પૂજારા અને રૂષભ પંત વચ્ચે ૧૪૮ રનની નોંધનીય ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાએ ૧૦૨ રનમાં જ ૩ વિકેટ ગુમાવી દેતા રૂષભ પંતને પાંચમાં ક્રમે પ્રમોટ કરવામાં આવ્યો હતો. તેને પોતાના ટેસ્ટ કેરીયરની ત્રીજી ફીફટ ફટકારતા ૧૧૮ બોલમાં ૧૨ ફોર અને ૩ સીક્સની મદદથી ૯૭ રન કર્યા હતા. પંથ નેથનલાયનની બોલીંગમાં બેકવર્ડ પોઈન્ટસ પર કમીન્સના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ તુરંત જ ચેતેશ્ર્વર પુજારા પણ આઉટ થયો હતો. તેણે ૨૦૫ બોલમાં ૨૨ ફોરની મદદથી ૭૭ રન કર્યા હતા તે જોશ હેઝલવુડની બોલીંગમાં બોલ્ડ થયો હતો. તેને ટેસ્ટ ક્રિકેટની ચોથી ઈનીંગમાં ૭ વર્ષ બાદ ફીફટી મારી હતી અને આ સાથે તેણે ટેસ્ટ કેરીયરમાં ૬૦૦૦ રન પણ પૂરા કર્યા હતા.

ત્યારબાદ મેચને ડ્રો કરવા ભારતે ખુબજ સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે અશ્ર્વિન અને વિહારીએ મહત્વપૂર્ણ લડાયક ઈનીંગ રમી હતી અને ૨૫૮ બોલમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવતા મેચ અંતે ડ્રોમાં ફેરવવા સફળ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.