Abtak Media Google News

અમુક પોલીસ અધિકારીઓએ ભુતકાળમાં ભલે શૌર્ય ભર્યું કામ કર્યું હોય પરંતુ લાંબા સમયે સંજોગો, પરિસ્થિતિ અને મુશ્કેલીઓએ તેમના વર્તન, વાણી, વ્યવહાર અને કાર્ય પધ્ધતિમાં પણ બદલાવ લાવીને ઢીલા કરી દેતા હોય છે !

ફરી અમરેલી જીલ્લો

અનિચ્છાએ પણ ફોજદાર જયદેવને જૂનાગઢના માંગરોળ પોલીસ સ્ટેશનેથી છૂટા થઈ અમરેલી જિલ્લામાં હાજર થવું પડયું અહી અમરેલી ખાતે પણ રાજય સરકારમાં સતાપરિવર્તન થતા વહીવટી તંત્રમાં પણ ઘણોજ ફેરફાર થયેલો હતો. અન્ય જીલ્લાઓમાંથી જે અધિકારીઓ રાષ્ટ્રીય પાર્ટીના પ્યાદા બનેલા હતા તેમને ત્યાંથી રાષ્ટ્રવાદી પાર્ટીના રાજકારણી પદાધિકારીઓએ સરકાર કક્ષાએથી ધકકા મારીને કાઢેલા તેમાનાં કેટલાક અમરેલી પણ મુકાયા હતા.

પરંતુ આ ચલતા પૂર્જા અધિકારીઓએ અમરેલીમાં પણ કાકીડાની જેમ રંગ બદલીને રાષ્ટ્રવાદી પાર્ટીના પદાધિકારીઓને પણ અંટાગંટા સમજાવીને માખણ પટ્ટી કરી ભલામણો કરાવી ને ધાર્યા મુજબની નિમણુંકો પણ મેળવી લીધી હતી આ નવા માહોલમાં પણ તેમણે કેસરી રંગ ધારણ કરી લીધો હતો. અને તે રંગે પૂરેપૂરા રંગાઈ ગયાનો દાવો કરતા હતા જીલ્લામાં પોલીસ વડા પણ બદલાઈને નવા આવી ગયા હતા.

અમરેલીનું રાષ્ટ્રવાદી પાર્ટીનું જે જૂથ ગૃહ રાજય મંત્રી પાસેથી જયદેવનો અમરેલી જિલ્લાનો હુકમ કરાવીલાવેલ તે જુથનું જ્ઞાતિની ગણતરીએ અને દ્રષ્ટીએ જિલ્લાના પદાધિકારીરૂએ કોઈ ઉપજણ ન હતુ આથી તેઓ પોલીસ વડાને જયદેવની નિમણુંક અંગે કોઈ ભલામણ કરી શકે તેમ જ ન હતા. તેમને તો તેમનો માનીતો ફોજદાર જિલ્લામાં પાછો આવી ગયાનું માનીને સંતોષ લેવાનો હતો. જયારે જયદેવને તો હવે કયાંક કાયમી નિમણુંક મળે તોજ લોજના ટીફીન બંધ થાય તેમ હતા.

જયદેવ નવા આવેલા પોલીસ વડાને મળ્યો અને તેની કેવા સંજોગોમાં બદલી થઈ અને કયાં સંજોગોમાં અનિચ્છાએ પણ પાછુ આવવું પડયું તેની વિગતે વાત કરી નવા પોલીસ વડા નિષ્ઠાવાન, ખુબ શાણા અને સમજુ હતા તેમણે જયદેવને કહ્યું કે એકાદ મહિનામાં તેઓ કયાંકકાયમી નિમણુંક કરી દેશે પરંતુ ત્યાં સુધી તમે હંગામી રીતે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો.

જયદેવ માટે બીજો કોઈ છૂટકો પણ ન હતો કેમકે તે કોઈ રાજકારણીને માખણ મારવા જાય તેમ ન હતો. અમરેલી સીટી પોલીસ સ્ટેશન પીઆઈ (પોલીસ ઈન્સ્પેકટર) કક્ષાનાં અધિકારીના હવાલા વાળુ પોલીસ સ્ટેશન હતુ ત્યાં હાજર થયો અહી સીટી પીઆઈ તરીકે જે અધિકારી હતા તે વર્ષો પહેલા ફોજદાર તરીકે અમરેલી જીલ્લામાં ફરજ બજાવી ગયેલ તે સમયે તેમણ ચલાળા વિગેરે જગ્યાઓએ ભાલા વાળા ફોજદાર તરીકે રોલો પાડેલો પરંતુ સમય સંજોગો અને પરિસ્થિતિ કેટલીક વ્યકિતઓના વર્તન વાણીઅને કાર્ય પધ્ધતિમાં પણ બદલાવ લાવતી હોય છે.

તે રીતે આ સીટી પીઆઈ પણ હવે જૂની છાપ રૂપી સિંહનું મહોરૂ જ રહી ગયા હતા. આવા બદલાવને પોલીસ દળના સભ્યોતો બે ચાર દિવસમાં જ પારખી જતા હોય છે. પરંતુ ગુનેગારો તો જૂની છાપને લીધે ડરતા જ હોય છે જયારે જનતા અને રાજકારણીઓની અપેક્ષા તો આવા અધિકારી પાસેથી જૂની કાર્ય પધ્ધતિમુજબની જ હોય છે. પરંતુ અધિકારીમાં આવેલ પરિવર્તનની ખબર બે ત્રણ મહિનામાં તમામને પડી જ જતી હોય છે.

જયદેવની કાર્ય પધ્ધતિથી જાણકાર એવા ડી સ્ટાફે આ તેનો સીટી પોલીસમાં હુકમ થયો તે જાણ્યું કે તુરત જ સીટી પીઆઈને ફોજદાર જયદેવની કાર્ય પધ્ધતિની વિગતે માહિતગાર રી દીધા આથી સીટી પીઆઈ મુંઝાયા કેમકે સામાન્ય રીતે દરેક અધિકારીને પોતાનો જૂનીયર કે સબોર્ડીનેટ અધિકારી વધારે હોંશિયાર પ્રસિધ્ધ પ્રતિભાશાળી અને હિંમતવાળો અને સાહસિક હોય તે તેમને મનમાં પસંદ નથી હોતો કેમકે આવા જૂનીયર કે તાબાના અધિકારીની જવલંત અને મારફાડ કામગીરીને હિસાબે જનતા અને ખાતાના અન્ય અધિકારીઓની દ્રષ્ટીએ તે ઝાંખો પડતો હોવાની લઘુતાગ્રંથીથી પીડાવા લાગે છે. જોકે અપવાદરૂપ પણ હોય છે. કેટલાક ખેલદીલ ઉચ્ચ અધિકારી આવા તેજોતરાર અને કાર્ય દક્ષ સબોર્ડીનેટને પ્રોત્સાહન આપી તેની પડખે ઉભા પણ રહેતા હોય છે.

પણ અહી અમરેલી સીટી પીઆઈ ને થયું કે આનો કાંઈક તો રસ્તો કાઢવો પડશે આથી ડી સ્ટાફના માણસોએ તેમને કહ્યું આ જયદેવ નો કોઈ રસ્તો જ નથી સિવાય કે તેની નિમણુંકમાં ફેરફાર થાય આથી સીટી પીઆઈ તાત્કાલીક પોલીસવડાને જઈને મળ્યા અને નમ્રભાવે વાત કરી કે ‘સાહેબ આ જયદેવ તો સીનીયર હોશિયાર અને કાર્યદક્ષ પીઆઈ કક્ષાના અધિકારી છે. મારી દ્રષ્ટીએ તેનુ સીટી પોલીસમાં પોસ્ટીંગ તો તેની કાર્યદક્ષતાનું અવમૂલ્યન અને દુરૂપયોગ થતો હોય તેમ જણાય છે તેમને ખરેખર સ્વતંત્રનિમણુંક મળવી જોઈએ આથી પોલીસ વડાએ ક્હ્યું ‘મને તેની ખબર છે. પરંતુ કોઈ જગ્યા ખાલી થાય અને બીજો હુકમ થાય ત્યાં સુધી તો જયદેવ સીટી પોલીસ સ્ટેશનમાંજ ફરજ બજાવશે’

આથી આ જમાનાના ખાધેલ ખડુસ સીટી પીઆઈ એ પોલીસ સ્ટેશનમાં પડેલ જૂની ઘણા લાંબા સમયથી તપાસ ઉપર બાકીની ઉચાપતના કેસોની તપાસની ફાઈલો કે ‘જેના બંધ કબાટ ખોલવામાં આવે તો તેમાંથી ઘણા હાડ પીંજર નીકળી પડે તેમ’ હતા કેમકે તે કેસોમાં કેટલાયે મોટા માથાઓ સંડોવાયેલા હતા. વળી આ તપાસો પણ ઘણી જ અટપટી અને ખૂબજ લાંબો સમય માગી લે તેવી કંટાળાજનક પણ હતી.

આ ફાઈલો સહકારી બેંકો અને મંડળીના નાણાની ઉચાપતના કેસોની હતી તે ફાઈલો જયદેવને આપી દીધી અને વળી વચ્ચે વચ્ચેના સમયમાં કોઈ વણશોધાયેલ ચોરી જાહેર થાય તેની તપાસો પણ જયદેવને સોંપવાની શરૂ કરી દીધી, એવા ઈરાદાથી કે જયદેવ આવા ગુન્હાની તપાસમાં નવરો પડે તો કાંઈક કળા કરે ને? પરંતુ જયદેવ જાણતો હતો કે આ હંગામી નિમણુંક છે જેથી બીજાના અધિકારી ક્ષેત્રમાં ખોટો શકિતનો દુર્વ્યય કરી કોઈ પ્રદર્શન કરવાની જરૂરત નથી આથી સમજી ને શાંતીથી સમય જ પસાર કરવા માંગતો હતો.

પરંતુ ‘મનમાં પડેલ વહેમનું કોઈ ઓસડ નહોય’ તેમ સીટી પીઆઈના વહેમ માટે પણ કાંઈક ઉપાય ન હતો સીટી પીઆઈએ જયદેવનેજે રાયટર કમ મદદનીશ કોન્સ્ટેબલ આપ્યો તે શારીરિક તો અદોદળો હતો પરંતુ આંખે સોડાવોટરની બોટલના તળીયા જેવા જાડા કાચના ચશ્મા પણ હતા. વળી તે તમે જેટલુ કહો તેજ કામ કરી શકે સ્વતંત્ર કાંઈ કરી શકે તેમ નહતો. સીટી પીઆઈની આવો ઝાવા મારતો વ્યવહાર જોઈને અત્યાર સુધી શાંત જ રહેલા જયદેવને થયું કે આને શું એલર્જી છે? આ સીટી પીઆઈને હવે મારે મારી હાજરી નો અને કળાનો અહેસાસ તો કરાવવો જ પડશે.

જયદેવે પીએસઓને કહ્યું કે થાણામાં જે કોઈને મુશ્કેલી હોય તો મદદ માટે મને અર્ધી રાત્રે પણ મળી શકે છે. હું સરકીટ હાઉસમાં જ રહુ છું તે તેના નિત્યક્રમ મુજબ સવારના નવ વાગ્યે સીટી પોલીસ સ્ટેશનમાં આવી ચા પાણીની ઉઘડતી દુકાને જેમ વેપાર વધારે હોય તેમ પોલીસ સ્ટેશનમાં પણ દુ:ખીયારા અને મુશ્કેલીવાળા સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં રજુઆતો માટે વધારે આવી જતા હોય પીએસઓને અને અરજદારોને સાંભળીને જરૂરી મદદ કરતો તથા પોતાને પકડાવેલી જૂની ફાઈલોની ધૂળ ખંખેરી અભ્યાસ કરતો રહેતો.

જૂની તપાસોની કેસ ડાયરી અને કેસ કાગળો જોતા તેમાં કાંઈ સાંધામેળ પડતો નહતો. એફ.આઈ.આર. અને દસ્તાવેજોમાં કાંઈક બાબત જણાતી હતી તો કેસડાયરીમાં વળી કાંઈક પરંતુ જયદેવે એફઆઈઆર અને કબજે થયેલ દસ્તાવેજોનો અભ્યાસ કરી જરૂર પૂરતા પૂરાવાની નોંધ કરીને આરોપીઓનું તો લાંબુ લપસીંદર લીસ્ટ હતુ પરંતુ આતો જરા પરચો જ બતાવવાનો હતો.

તેથી બે ત્રણ મોટાના નામનું લીસ્ટ બનાવી ડી સ્ટાફને આપીને કહ્યુંં આટલા ને બોલાવી લાવો સીટીપીઆઈ પણ નવા જ આવેલા તેમણે પણ આ ફાઈલોનો કોઈ ઉંડાણથી અભ્યાસ કરેલો નહી ડી સ્ટાફે આ જયદેવે આપેલા લીસ્ટ વાળા મોટા માથાઓને જયદેવના તેડાનું આમંત્રણ આપતા જ જાણે ધરતીકંપ થયો આરોપીઓએ એક તો પોતે જ કાળા હાથ કરેલા અને વળી હવે તપાસ ફોજદાર જયદેવ પાસે તમામ જયદેવની સ્લો અને સ્વીટ પોઈઝન આપવાની પધ્ધતિ જાણતા જ હતા આથી આ બાબતે સીટી પીઆઈ ઉપર રાજકીય તડાપીટ બોલતા પીઆઈને તો પરસેવો વળી ગયો કે જયદેવને આ તપાસ આપી ભયંકર ભૂલ કરી છે.

આથી તેણે જયદેવને વાત ફેરવીને કહ્યું કે તમે તો અહી સીટી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પૂરતા જ મહેમાન છો તમને આ જૂની ફાઈલો આપી દીધી તે ભૂલ થઈ ગઈ. આ સડેલ તપાસોની લપ તમારે કાંઈ કરવી નથી તે જેમની તેમ મારા રાયટરને પાછી આપી દો, હવે અહી મૂકત રહીને મહેમાનગતિનો આનંદ લ્યો કોઈ માથાકૂટમાં તમારે પડવું નથી જયદેવ સમજી ગયો કે આ પીઆઈ તેનું મૂલ્યાંકન કરવામાં થાપ ખાઈ ગયા હતા આથી જયદેવે આ તપાસો પાછી સોંપી દીધી અને થઈ ગયો નવરો.

ત્યારબાદ એક દિવસ રાત્રીના દસેક વાગ્યે અમરેલી શહેરમાં નાગનાથ મહાદેવ મંદિર પાસેની ખાણી પીણી બજારમાં નબીરાઓનું એક જૂથ કે જેમાં શકિત (ગુંડાગીર્દી) સંપતિ અને સતાધારીઓનાં પ્રતિનિધિઓ હતા તે આવી ચડયા આ ટોળકીમાં રાજકોટ શહેરનો એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ કે જેણે અગાઉ અમરેલીમાં એક મોટા માથાનું ખૂન પણ કરેલુ તે હતો.

બીજા બહુ મોટા ગજાના વેપારી દોલતમંદના ફરજંદો તથા એક તો દોલતમંદ વેપારીનો પુત્ર ઉપરાંત તે અમરેલીનાં ભૂતપૂર્વ શકિતશાળી સાંસદનો ભાણેજ પણ હતો. આ ટોળકીએ ઈગ્લીશ દારૂના જરા વધારે પડતા પેગ મારી દીધેલા તેથી આક્રમક મૂડમાં હતા આ નશા બાજોએ પ્રથમ અમુકા જગ્યાએ જ બેસવાની માથાકૂટ કરી પછી હુકમ બાજી ત્યાર પછી તોછડાઈ અને પછી ગાળાગાળી અને પછી ગરીબ વેઈટરોને મારવા લાગતા કોઈકે નજીકમાં આવેલ પીસીઓમાંથી ટેલીફોન કરી પોલીસવડાના બંગલે જ આ બનાવની જાણ કરી દીધી આથી પોલીસ વડાએ તાત્કાલીક સીટી પીઆઈને નાગનાથ ચોકમાં પહોચવા આદેશ કરી દીધો.

પરંતુ ગમે તે કારણ હોય સીટી પીઆઈ ચિતલ રોડ ઉપર જવાને બદલે જીપ ને ચલાળા રોડ ઉપર લઈ દોડાદોડી ચાલુ કરી દીધી આ બાજુ નાગનાથ ચોકમાં તો આ ચંડાળ ચોકડીના નાટક ચાલુ જહ તા અને મારકૂટ ફેંકાફેંકી ચાલુ હતી તેથી કોઈકે ફરીથી પોલીસ વડાને ટેલીફોનથી કહ્યું કે હજુ દંગલ ચાલુ જ છે. વળી સીટી પોલીસ સ્ટેશનતો બાજુમાં જ છે પરંતુ કોઈ હજુ આવ્યું નથી.

આથી પોલીસ વડાએ વાયરલેસથી સીટી પીઆઈનો સીધો સંપર્ક કરી પુછયું કે તમે કયાં છો પેલુ દંગલતો હજુ ચાલુ જ છે? આથી પીઆઈએ કહ્યું કે હું ભૂલથી ચલાળા રોડ ઉપર આવી ગયો છું પાછો થોડીવારમાં ચિતલ રોડ ઉપર પહોચુંછું સીટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં એક જમાદાર સાતફૂટ ઉંચા, વિશાળકાયા, મોટી મોટી આંખો અને ગબ્બરસિંહ જેવી થોભીયા મુછો વાળા હતા. તેમની પર્સનલીટી એવી હતી કે કોઈ પ્રથમ દ્રષ્ટીએ જુએ ત્યાંજ હતપ્રભ થઈ જાય. તેમને સીટી પીઆઈએ સેક્ધડ મોબાઈલ લઈને તાત્કાલીક નાગનાથ ચોક ચિતલ રોડ ઉપર પહોચવા જણાવ્યું પણ આ ગબ્બરસિંહ જેવા જમાદાર પણ પોતાની ફોજ લઈ પહોચ્યા સાવરકુંડલા રોડ ઉપર.અહી નાગનાથ ચોકમાં દારૂડીયાઓને તો કોઈ કહેવાવાળુ નહોય નશો વધારે ચડતો જતો હતો.

તેમણે વેઈટરો ને પડતા મૂકી લારીઓ વાળા ને ઝુડવાનું અને ગાળો દેવાનું તથા ડીસો ફેંકવાનું ચાલુ કરતા ચોકમાં નાસ્તો કરવા આવેલા સામાન્યા લોકો ત્યાંથી નાસી જ ગયા હતા અને વાતાવરણ કફર્યું જેવું થઈ ગું હતુ કોઈએ પોલીસ વડાને ફરી ફોન કરી આ આતંકની વાત કરી સિધ્ધાંતવાદી પોલીવ વડા અકળાયા તેમણે જીલ્લા કંટ્રોલરૂમમાંજ ફોન કરી ને પૂછયું કે હાલમાં તાત્કાલીક કોણ પોલીસ અધિકારી મળી શકે તેમ છે? કંટ્રોલ ઓપરેટરે જણાવ્યું કે તાત્કાલીકમાં તો ફોજદાર જયદેવ સરકીટ હાઉસમાં મળી શકે. આથી પોલીસ વડાએ તેને કહ્યું કે જયદેવને કહો મારી સાથે ટેલીફોનથી વાત કરે.

જયદેવે સરકીટ હાઉસમાંથી જ પોલીસ વડા સાથે ટેલીફોનથી વાત કરી પોલીસ વડાએ જયદેવને પુછયું કે આ નાગનાથ ચોક કયાં આવેલો છે? જયદેવે કહ્યું કે સીટી પોલીસ સ્ટેશનની બાજુમાં ચિતલોડ ઉપર સરકીટ હાઉસના રસ્તા ઉપર જ છે. પોલીસ વડા હોંશિયાર હતા તમામ બાબત સમજી ગયા તેમણે જયદેવને કહ્યું કે મારી ટાટા સુમો ગાડી અને મારા બે સુરક્ષા કમાન્ડો તમને મોકલુ છું તે લઈને તમે નાગનાથ ચોકમાં દારૂડીયાઓનું દંગલ ચાલુ છે. તે બંધ કરાવો જયદેવે કહ્યું હું તૈયાર જ છું.

જેવી પોલીસ વડાનીગાડી આવી ત્યાં તો જયદેવે તૈયાર થઈ યુનિફોર્મમા સરકીટ હાઉસનાં કોરીડોરમાં આવી ગયો અને તે ગાડીલઈને આવ્યો નાગનાથ ચોક ખાણીપીણી બજારમાં ત્યાં જોયું તો વાવાઝોડુ સમી ગયા પછીની કફર્યું જેથી સુમસામ શાંતિ હતી પરંતુ નાસ્તાની પ્લેટા ગ્લાસ બોટલો વેરણ છેરણા પડેલા હતા. જયદેવ નીચે ઉતર્યો અને જોયું તો ફકત ચાર લઠ્ઠ જેવા યુવાનો એક ટેબલ ઉપર બેસીને નાસ્તો કરી રહ્યા હતા જાણે કે કાંઈ બન્યું જ નથી જયદેવે એક લારી વાળા તરફ પ્રશ્નારી દ્રષ્ટી નાખતા તેણે માથુ હલાવી ને આ ચાર લઠ્ઠ તરફ જ ઈશારો કર્યો.

જયદેવ બંને કમાન્ડોને લઈ તે લઠ્ઠા યુવાનોના ટેબલ પાસે આવ્યો અને સીધો જ હુકમ કર્યો કે ગાડીમાં બેસી જાવ પેલો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ તો જયદેવને તમામ રીતે પહેલેથી જ ઓળખતો હતો. ચારેય જણા શાનમાં સમજી ગયા અને ચુપચાપ જાહેરમાં કોઈ બે ઈજજતી થાય તે કરતા માન સોતા અંદર જવું સારૂ તેમ માની પોલીસ વાનમાં બેસી ગયા જયદેવ ચારેયને સીટી પોલીસ સ્ટેશન લાવી લોકઅપમાં મૂકી કાગળો બનાવવાની તૈયારી કરતો હતો ત્યાંજ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદથી તાજા જ તાલીમલઈને આવેલા મદદનીશા પોલીસવડા આવી ગયા.

આ મદદનીશ પોલીસ વડાએ જયદેવને અભિનંદન આપ્યા અને લોકઅપમાંથી શકિત સંપતિ અને સતાના મદમાં માર્ગ ભૂલેલા નબીરાઓને બહાર કાઢી પોલીસ સ્ટાઈલથી અદભૂત ધૂલાઈ કરી આગતા સ્વાગતા કરી દરમ્યાન સીટી પીઆઈ પણ આવી ગયા અને જણાવ્યું કે મને ચિતલ રોડને બદલે ચલાળા રોડનો વહેમ ગયો અને ખોટો પડયો તેમ મૌખીક ખુલાસો કર્યો આથી મદદનીશ પોલીસવડાએ કહ્યું ‘ભલે હવે આરોપીઓ સામેની કાયદેસરની કાર્યવાહી તો તમે જ કરો મારે જયદેવનું બીજુ કામ છે. તેમ કહી જયદેવને પોલીસ સ્ટેશનમાંથી સાથે લઈને નીકળી ગયા બહાર આવી જયદેવને કહ્યું સવારે અગીયાર વાગ્યે પોલસી વડાની ચેમ્બરમાં મળજો.

જયદેવ રાબેતા મુજબ બીજે દિવસે અગીયાર વાગ્યે રાજમહેલ કંપાઉન્ડમાં જઈ પોલીસ વડાને મળ્યો આથી પોલીસ વડાએ રાત્રીની કામગીરી અંગે અભિનંદન આપ્યા સાથે સાથે જયદેવને નિમણુંક હુકમ પણ આપ્યો જયદેવની નિમણુંક પોલીસ વડાએ અમરેલી જીલ્લાનાં ટાસ્કફોર્સ અધિકારી તરીકે  કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.