Abtak Media Google News

NCP પોતાનો ચૂંટણી એજન્ટ નિયુક્ત કરશે અને ધારાસભ્યોને વ્હીપ પણ આપશે: એનસીપીના બે, જીપીપીના એક અને જેડી(યુ)ના એક મળી ચાર ધારાસભ્યની કિંમત રાતોરાત વધી ગઈ

ગુજરાતમાં આગામી ૮મી ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે અને ભાજપ-કોંગ્રેસનો વર્ષો પછી એક-એક મતનું એટલે કે, ધારાસભ્યોનું મહત્વ સમજાઈ રહ્યું છે. ગુજરાતમાં ત્રણ બેઠક માટે યોજાનારી આ ચૂંટણીમાં ક્રોસવોટિંગ અને નોટાનો મુદ્દો બંને રાજકીય પક્ષો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે ત્યારે આગામી ચૂંટણીમાં કિંગમેકર કોણ હશે/ તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસની ધારાસભ્યોને બચાવવાની કવાયત વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)-પ્રફુલ પટેલ કિંગમેકર સાબિત થાય તો નવાઈ નહીં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના એક ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે. ભાજપ અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યો અકબંધ હોવાનો-પોતાના ઉમેદવારની જીત માટે જરૂરી સંખ્યાબળ હોવાનો પરસ્પર દાવો કરી રહ્યા છે પરંતુ આ કમઠાણ વચ્ચે એનસીપીના બે ધારાસભ્યો જયંત પટેલ(બોસ્કી) અને કાંધલ જાડેજા, ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રતીક પર ચૂંટાયેલાં ધારાસભ્ય નલીન કોટડિયા અને જેડી(યુ)ના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના ભાવ ઊંચકાઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણીમાંઆ ચાર મતની કિંમત રાતોરાત વધી ગઈ છે, કારણ કે આ ધારાસભ્યોએ ભાજપ-કોંગ્રેસના વ્હીપની ચિંતા નથી કે તેમણે મતદાન કરતા પહેલાં ભાજપ કે કોંગ્રેસના ચૂંટણી એજન્ટને તેમણે કોને મત આપ્યો છે તે દર્શાવવાની જરૂર નથી. એટલે કે, છેલ્લી ઘડી સુધી આ ધારાસભ્યો કોની તરફેણ કરશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ પ્રવાહી પરિસ્થિતિમાં એનસીપીના ભાગે કિંગમેકરની ભૂમિકા ભજવવામાં આવે તેવી પૂરી શક્યતા હોવાનું રાજકીય સમીક્ષકો માની રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી પોતાનો ચૂંટણી એજન્ટ નિયુક્ત કરશે અને બંને ધારાસભ્યોને વ્હીપ આપશે એવું જાણવા મળ્યું છે. રાજ્યસભાની ચૂંટણી ઉપર વર્ષો સુધી મહારાષ્ટ્ર અને કેન્દ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવનારા અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સક્રિય થયેલાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલના હાથમાં હુકમનો એક્કો હોવાથી ભાજપ-કોંગ્રેસના નેતાઓએ પટેલના સંપર્કો વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સંબંધોમાં કડવાશ આવી ગઈ હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી પોતાની રીતે નિર્ણય કરવા મુક્ત છે. બિહારમાં ભાજપ-જેડી(યુ)ના ગઠબંધનથી સરકાર રચાઈ અને રાજકીય સમીકરણો બદલાયા છે અને તેનો ફાયદો ભાજપને મળે તેવું મનાય છે પરંતુ ગુજરાતના જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય છોટુભાઈ વસાવા ભાજપના વિરોધી શરદ યાદવના સમર્થક હોવાથી જેડી(યુ)નો મત ભાજપને મળશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે.

ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપથી અલગ ચોકો રચીને ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી)ના બેનર નીચે ધારીથી ધારાસભ્ય બનેલાં નલીન કોટડિયા પાટીદારોના મુદ્દે ભાજપથી ભારોભાર નારાજ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમનો ભાજપ તરફનો ઝોક રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની ગયો છે. આમ રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી ઉપરાંત જીપીપી અને જેડી(યુ)ના ધારાસભ્યો ઉપર ચૂંટણીનો મદાર રહેશે તેવું કહેવામાં અતિશયોક્તિ ગણાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.