Abtak Media Google News

તમંચા, છરી અને ડીસમીસ સાથે વેગનઆર કારમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ દરવાજો ખોલાવી લૂંટ ચલાવી ફરાર: જાણભેદુની સંડોવણીની શંકા: પોલીસે નાકાબંધી કરાવી: સીસીટીવી ફુટેજ મળ્યા

શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા ભીલ પરિવારને ત્યાં વહેલી સવારે ચાર વાગે ત્રાટકેલા પાંચ બુકાનીધારીએ તમંચો અને છરી જેવા હથિયાર બતાવી ૨૦ તોલા સોનાના ઘરેણા અને રૂ.૨૦ હજારની રોકડની દિલ ધડક લૂંટ ચલાવી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસ નાકાબંધી કરાવી સીસીટીવીના ફુટેજ મેળવી લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક પરેશભાઇ દેવજીભાઇ ભીલના મકાનનો વહેલી સવારે ચાર વાગે દરવાજો ખટખટાવી ઘુસેલા પાંચ બુકાનીધારીઓએ તમંચો અને છરી જેવા હથિયાર બતાવી લૂંટ ચલાવી ભાગી ગયાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. જી.બી.બાંભણીયા અને રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.

જામનગર રોડ પર આવેલા નારણકા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઇ માલી પોતાના પત્ની હેમાબેન, પિતા દેવજીભાઇ, પુત્ર ભૌતિક અને માતા સાથે રહે છે. પિતા દેવજીભાઇ રેલવેના નિવૃત કર્મચારી છે.

પરેશભાઇ માલીના મકાનનો દરવાજો વહેલી સવારે ચાર વાગે કોઇએ ખટખટાવતા દેવજીભાઇએ પોતાના ભાઇના પરિવારનો પુત્ર બીમાર હોવાથી તેઓએ દરવાજો ખટખટાવ્યો હશે તેવું સમજી લાઇટ ચાલુ કરી દરવાજો ખોલ્યો ત્યારે આશરે ૨૦ થી ૨૫ વર્ષના બે અને ૪૦ થી ૪૫ વર્ષની ઉમરના ત્રણ શખ્સો ચહેરા પર બુકાની અને વાંદરા ટોપી પહેરેલા પાંચ શખ્સો ઘુસી ગયા હતા.

પાંચેય શખ્સો પૈકી બે શખ્સોએ દેવજીભાઇ માલીને બાવડુ પકડી લાકડીથી માર મારી જે કંઇ હોય તે આપી દેવા મિકસ ભાષામાં કહ્યું હતુ. તે દરમિયાન પરેશભાઇ અને તેમના પત્ની હેમાબેન જાગી જતા તેઓને પણ પાંચેય શખ્સોએ ધમકાવી એક શખ્સે પરેશભાઇ માલીના લમણે તમંચો તાકી જે કંઇ હોય તે આપી દેવા કહી લોખંડના કબાટ પાસે લઇ ગયા હતા કબાટની તિજોરીમાંથી બે સોનાના ચેન, ચાર વીટી, લક્કી, મંગલસુત્ર અને ચાર સોનાની બંગડી મળી આશરે ૨૦ તોલા સોનાના ઘરેણા, પરેશભાઇના પાકીટમાંથી રૂ.૮ હજાર રોકડા અને એટીએમ કાર્ડ અને હેમાબેનના પર્સમાંથી રૂ.૧૦ થી ૧૨ હજારની રોકડની લૂંટ ચલાવી માત્ર ૨૦ મિનીટમાં પાંચેય શખ્સો ફરાર થઇ ગયા હતા.

પાંચેય લૂંટારાઓએ આખા પરિવારને એક જગ્યાએ બેસાડી ભાગી ગયા ત્યારે પરેશભાઇ માલીએ પોતાના મકાનની બારીમાંથી જોયુ તો પાંચેય શખ્સો સફેદ કલરની જુના જેવી વેગનઆર કારમા પ્રથમ જમણી સાઇડ ગયા બાદ ચોકમાંથી યુ ટર્ન લઇ પેરેડાઇઝ હોલ તરફ ભાગ્યાનું જોયું હતું.

લૂંટની ઘટનાની પરેશભાઇ માલીએ પોલીસ અને પોતાના સગા-સંબંધીઓને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી નજીકની ક્ધયા છાત્રાલય સહિતના સ્થળોના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. બીજી તરફ લૂંટમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.