Abtak Media Google News

કાયદો કાગળ ઉપર જ રહેશે?

ફાસ્ટટ્રેક કોર્ટથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવાના પ્રયાસ નિષ્ફળ જશે?: રાજકારણીઓ સામેના ગંભીર ગુનાઓ મામલે સજા કરવી મુશ્કેલ

રાજકારણીઓ સામેના કેસનો નિકાલ એક વર્ષમાં જ કરી નાખવાનો ચૂકાદો વડી અદાલતે ચાર વર્ષ પહેલા આપ્યો હતો. જો કે, આ હુકમનો ઉલાળીયો થતો જોવા મળી રહ્યો છે. ભારતમાં કાયદાઓ વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે. કાયદા વાસ્તવિક હોય તો પણ કાયદાનું પાલન કરાવનારની બેદરકારી અને ભ્રષ્ટાચારનું દૂષણ કાયદો ખોખલો કરી નાખે છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતના કાયદાઓ વધુ ગુંચવણભર્યા છે. વાસ્તવિકતાથી ઘણા દૂર છે તેવું સબરીમાલા મંદિરના ચુકાદા, વ્યભિચારના ચૂકાદા અને સજાતિયો સંબંધોના ચૂકાદાથી ફલીત થઈ ચૂકયું છે.

રાજકારણીઓ સામેના કેસ ૩-૩ દશકાઓથી ચાલતા હોવાનું નોંધાયું છે. વર્ષ ૨૦૧૪ની ૧૦ માર્ચના રોજ આ મામલે વડી અદાલતમાં કેસ ચાલ્યો હતો. જેમાં જે રાજકારણીઓ સામે ૨ વર્ષથી વધુ સજા પાત્ર ગુનો દાખલ થયો હોય તેનો એક વર્ષમાં દરરોજ સુનાવણી હાથ ધરી નિકાલ કરવાનો હુકમ અપાયો હતો.

રાજકારણીઓ સામેના કેસના ઝડપી નિકાલ માટે વિશેષ ૧૨ અદાલતો ઉભી કરાઈ હતી તે પણ આ મામલે ઝડપી કાર્યવાહી કરી ન શકી હોવાનું ફલીત થઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, બરોડાના એમએલએ સામે ૧૯૮૯ થી ૧૯૯૮ દરમિયાન ૧૦ કેસ નોંધાયા હતા.

પરંતુ પુરાવા રજૂ કરવા મામલે આ કેસ પેન્ડીંગ છે. બનાસકાંઠા-પાલનપુર જિલ્લાના એમએલએ સામે ૧૯૯૪ થી ૧૯૯૯ દરમિયાન ૨ કેસ નોંધાયા હતા. આ બન્ને કેસો પુરવાર થાય તો ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે તેમ છે. જો કે કેસ પુરાવા રજૂ કરવા મામલે હજુ પેન્ડીંગ છે.

ભ‚ચના ધારાસભ્ય સામે ૧૯૯૪માં આર્મ્સ એકટ અને ઈલેકટ્રીસીટી એકટ હેઠળ ૬ કેસ નોંધાયા હતા. જો કે, તમામ કેસ પુરાવાના અભાવે પેન્ડીંગ છે. પોરબંદરના રાજકારણીઓ સામે ૧૯૯૯ થી ૨૦૦૨ સુધી ટેરેરીસ્ટ એન્ડ ડીસ્પ્રુપટીવ એક્ટિવીટી એકટ હેઠળ ૫ કેસ છે. જેની સુનાવણી પર હાઈકોર્ટે સ્ટે મુકતા હજુ પેન્ડિંગ છે.

છત્તીસગઢ, ગોવા, પંજાબ, હરીયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ રાજકારણીઓ સામે ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન નોંધાયેલા કેસ પેન્ડિંગ છે. સૌથી વધુ પેન્ડિંગ કેસો મામલે ઉત્તરપ્રદેશનું નામ ઘોંચમાં છે. જયાં ૨૦૮ સીઝન કેસ અને ૮૨૦ મેજીસ્ટ્રેટ કેસ પેન્ડિંગ છે. ત્યારબાદ બિહાર, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશનો ક્રમ પણ આવે છે.

આંકડાનુસાર ૧૪માં નાણાપંચે વર્ષ ૨૦૧૫ થી ૨૦ દરમિયાન ગંભીર ગુનાઓના આક્ષેપોનો સામનો કરી રહેલા રાજકારણીઓ ઉપરના કેસ સહિતના કેસ પતાવવા માટે ૧૮૦૦ ફાસ્ટટ્રેક કોર્ટ ઉભી કરવા રૂ.૪૧૪૪ ફાળવવાનો નિર્ણય લીધો હતો. અલબત હજુ સુધી ફાસ્ટટ્રેક કોર્ટ ઉભી કરવામાં આવી નથી.

દેશમાં રાજકારણીઓ સામેના કેસ લટકી જતા હોવાના આક્ષેપો અવાર-નવાર થતાં હોય છે. આવા રાજકારણીઓને ચૂંટણી લડવા દેવા કે નહીં તેવી દલીલો થાય છે. વડી અદાલતમાં પણ આ મામલે સુનાવણી થઈ ચૂકી છે. લોકસભા અને વિધાનસભાઓમાં અનેક ચહેરા એવા છે.

જેમના પર ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. આવા કેસમાં સજા થવાની સરેરાશ નજીવી ગણી શકાય. પરિણામે ન્યાયપાલિકાને ત્તેજ અને સચ્ચોટ બનાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાનો હુકમ કરાયો હતો પરંતુ આ હુકમનો ઉલાળીયો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.