Abtak Media Google News

દેશ-વિદેશના ૭૭ પતંગબાજોના કૌવત અને કરતબોને સુરતના પતંગ રસિયાઓએ મન ભરીને માણ્યા:  

અડાજણના સરિતા સાગર સંકુલ ગ્રાઉન્ડ ખાતે પતંગબાજી નિહાળવા સુરતના પતંગ રસિયાઓ ઉમટી પડ્યા :

યોગ, નવરાત્રિ અને પતંગોત્સવે આંતરરાષ્ટ્રીય સીમાઓ પાર કરી વિદેશોમાં પણ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે: મેયર ડો.જગદીશ પટેલ

49898526 2186808791569632 6015824450849603584 N

સુરતની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે સૂરતના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશવિદેશના ૭૭ બાહોશ પતંગબાજોના અવનવા પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે તાપીકિનારે અડાજણના સરિતા સાગર સંકુલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં પતંગબાજી નિહાળવા સુરતના પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા.

ખુશનુમા પ્રભાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, બલ્ગેરિયા, ફિનલેન્ડ,ક્રોએશિયા, બેલારૂસ, બ્રાઝીલ, ચીન, ઇસ્ટોનિયા, કેમરૂન, ઓસ્ટ્રેલીયા, ચિલી, આર્જેન્ટિના, કેનેડા, કંબોડિયા સહિતના ૧૫ દેશોના ૪૭ અને ભારતના કેરલ, આંધ્ર, બિહાર, કર્ણાટક,દિલ્હી, પ.બંગાળ સહિત ૮ રાજ્યોના ૩૦ પતંગબાજોએ  ભાગ લીધો હતો. તેમણે પતંગબાજીની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી. વિદેશી પતંગબાજોનું ભાતીગળ સાંસ્કૃતિક પરંપરાથી ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું. ભારતીય આતિથ્યભાવની પરંપરાથી વિદેશી પતંગબાજો પ્રભાવિત થયા હતા.

49579991 2186808808236297 2097203045686312960 N 1

 આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત તમામ પતંગબાજો અને શહેરીજનોને આવકાર્યા હતા.

મેયરશ્રી ડો.જગદીશ પટેલે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓના ઉત્સવપ્રિય મિજાજની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, યોગ, વિશ્વનો લોન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ નવરાત્રિ, પતંગોત્સવે આંતરરાષ્ટ્રીય સીમાઓ પાર કરી વિદેશોમાં પણ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે. પતંગ ઉત્સવ થકી દેશ-વિદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તેમજ પ્રવાસનમાં બહોળો વધારો થાય તેવા શુભ આશયથી આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

પટેલે જણાવ્યું કે, પતંગને  આકાશના સીમાડા નડતાં નથી. પતંગ આકાશને આંબવાની અને પ્રગતિની  પ્રેરણા આપે છે. દેશના નાગરિકોના આશા, અરમાનો, સંકલ્પો અને સપનાઓનો પતંગ વધુને વધુ ઉંચે ઊડે એવી તેમણે આકાંક્ષા વ્યક્ત કરી હતી.

49948533 2186808621569649 4379095470421573632 N

દેશ-વિદેશના ૭૭ પતંગબાજોના કૌવત અને કરતબોને સુરતના પતંગ રસિયાઓએ મન ભરીને માણ્યા:  પતંગ મહોત્સવમાં શાળાઓના બાળકો,દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ઉડે ઉડે રે પતંગ ગુજરાતનો.., ઊડી ઊડી જાય દિલ કી પતંગ, એ કાઈપો છે..’ જેવા ગાયનોના તાલે સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શના જરદોશ, ધારાસભ્ય સર્વ પૂર્ણેશ મોદી, વિવેક પટેલ, ડે.મેયર નીરવ શાહ, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન, અધિક નિવાસી કલેકટર સંજય વસાવા, શહેર પક્ષ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળા તેમજ સુરત મ.ન.પા.ના પદાધિકારીઓ-અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ,પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.