Abtak Media Google News

ગોકળગાયની ગતિએ ચાલતા પ્રોજેકટ, અંધેર વહિવટ, રોડના કામમાં ભ્રષ્ટાચાર મામલે કોર્પોરેટરો તુટી પડયા

જુનાગઢ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ગઇકાલે  યોજાયેલા બોર્ડમાં ડાયસ પર બેઠેલા અધિકારી પદાધિકારીઓ સામે શાસક અને વિપક્ષના કોર્પોરેટરોએ વિકાસ અને કોર્પોરેશનના રેઢા રાજ જેવા વહીવટ સામે રીતસરની પસ્તાળ પાડી હતી.

ગઇકાલે  જુનાગઢ કોર્પોરેશનના આ જનરલ બોર્ડમાં  ડેપ્યુટી કમિશનર, મૈયર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા  સહિતના અધિકારી, પદાધિકારીઓ સામે કોર્પોરેશનની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી, અંધેર વહીવટ, રોડના કામમાં ચાલતા ભ્રષ્ટાચાર, વ્હાલા દવલાની નીતિ, અધિકારી અને કર્મચારીઓ કોર્પોરેશનનું કામ બરાબર કરતા ન હોવાનો શાસક ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરોએ એક સૂરે અવાજ ઉઠ્યો હતો.

પૂર્વ મેયર કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂએ જુનાગઢ કોર્પોરેશન પાસે માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાની વાત ઉપર તંત્ર પર રીતસરનો આક્ષેપ કરીને અત્યારે કોરોનો મહામારીમાં કોર્પોરેશનની એકમાત્ર એમ્બ્યુલન્સ કોરોનાની કામગીરી માટે રાખવામાં આવી છે, ત્યારે લાખોની વસ્તી ધરાવતા જૂનાગઢમાં કોર્પોરેશન પાસે બીજી એમ્બ્યુલન્સ નથી, શબવાહિની પણ એક જ છે, આ મુદ્દે જનહિતમાં તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સ અને સબ વાહિની વસાવાનું જણાવ્યું હતુ.

ભાજપના શહેર પ્રમુખ શશિભાઈ ભીમાણી એ કોર્પોરેશનના વહીવટી તંત્રના વાંકે  ભાજપ પાર્ટીની પ્રતિષ્ઠા ઘસાતી હોવાનો મુદ્દો ઉઠાવીને નારાજગી વ્યક્ત કરી હતી અને આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, સરકાર ગ્રાન્ટ ફાડવે છે, મનપા કામો મંજૂર કરે છે, પરંતુ અધિકારી, પદાધિકારીઓની અણ આવડત તથા તંત્રના અધિકારીઓ વહીવટના કારણો આગળ ધરી કામો થતાં દેતા નથી અને સરકાર તથા સાશક બોડી બદનામ થાય છે, શહેરમાં જયશ્રી રોડની ગ્રાન્ટ બે મહિના પહેલા મંજૂર કરવામાં આવી છે પરંતુ કમિશનર અને તંત્ર આ કામ પૂરું કરવામાં બાના બાજી જ કરે છે.

તો ભાજપના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજય કોટડીયાએ  શહેરમાં ગટર, રસ્તા અને વીજળીના કામ થતાં નથી. લાઈટની સુવિધા પૂરતી આપી શકતા નથી તો દિવાબતી કર પણ ન લેવો જોઈએ,

સંજયભાઈ કોરિયાની આ વાત સાથે વિપક્ષ પણ સહમત થયું હતું અને શહેરમાં અત્યારે કોર્પોરેશનની ફરજમાં આવતા લાઈટ, પાણી, ગટર અને રોડના કામમાં પ્રજાને સંતોષ થાય તેવી પરિસ્થિતિ જ નથી, અમુક વિસ્તારોમાં લાઈટ નથી, જો આપણે લાઈટ આપી શકતા ન હોય તો, લાઈટ વેરો ના લેવો જોઈએ તેમ જણાવી, શહેરમાં ગરીબ માણસોના ઝૂંપડા તરત હટાવી દેવામાં આવે છે, નોટીસો આપી સામાન્ય માણસો પાસેથી પૈસા પડાવવા છે, પરંતુ મોટા બાંધકામો સામે કાર્યવાહી થતી નથી, સ્વ ભંડોળના નાણાં વધુ વપરાય છે, જો ભ્રષ્ટ્રાચાર થયો તો, અમે બધાને ખુલ્લા પાડીશું.

આમ આજે કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓના કારણે ભાજપનું શાસન બદનામ થતું હોવાનું ખુદ ભાજપના કોર્પોરેટર માથી સુરુ ઉઠ્યો હતો તથા કોર્પોરેશનમાં કર્મચારી અને ઇન્સ્પેક્ટર રાજ ચાલતું હોય તેમ પ્રજાના કામોમાં અધિકારી-કર્મચારીઓ કોઈ ખેવના ન દાખવતા હોય તેવી ફરિયાદ ઉઠી હતી. અને ગટર, લાઈટ, રસ્તાના કામો ચાલુ હોય ત્યાં અધિકારી કે કર્મચારીઓ જતા નથી તેમ શશીકાંત ભીમાણી એ ભર્યા બોર્ડમાં જણાવ્યું હતું. તો હિતેન્દ્ર ઉદાનીએ સફાઈ કામદારો ઓછા હોય, સફાઈ થતી નથી, વોર્ડમાં ગંદકી થઇ છે,. તંત્ર ધ્યાન આપતું નથી, ગ્રાન્ટ લખી દીધા બાદ માણસો ફાળવાતા ન હોવાની નારાજગી કાઢી હતી.

જનરલ બોર્ડમાં મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, વિપક્ષના નેતા અડ્રેમાનન ભાઈ પંજાની સાથે શાસક પક્ષના કોર્પોરેટરોને પણ ડાયસ પર બેઠેલા અધિકારી, પદાધિકારીઓ સામે રીતસરનો મોરચો ખોલ્યો હતો, અને કોર્પોરેશનના કામ ના થતાં હોય, વહીવટમાં શિથિલતા હોય, કોર્પોરેશનમાં કોર્પોરેટરોના કામ પણ થતા નથી અને વિપક્ષ તો ઠીક શાસક પક્ષના કોર્પોરેટરોને પણ વહીવટી તંત્ર સામે ભારોભાર અસંતોષ હોવાનો સૂર ઉઠ્યો હતો.

તો, વિપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા ૪ મહિના પહેલા ગ્રાન્ટ લખી આપી હોવા છતાં સબ મર્સિબલ પંપ નથી લાવતા, સ્ટ્રીટ લાઈટ બંધ છે, જેવા મુદ્દે ધારણા પર બેસી ગયા હતા, બાદમાં ખાતરી મળતા ઉભા થયા હતા. ગઇકાલનું જનરલ બોર્ડ એક તરફ શાસક અને વિપક્ષના તમામ કોર્પોરેટરો અને બીજી તરફ પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે લોકતાંત્રિક યુદ્ધ થયું હોય એવી પરિસ્થિતિ સર્જાઇ હતી, જૂનાગઢનું આજનું જનરલ બોર્ડ અધિકારી પદાધિકારીઓ વિરુદ્ધ નગરસેવકોનું સામૂહિક જંગ બની રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.