Abtak Media Google News

સામાન્ય સભામાં ગાજેલા પ્રશ્ર્નોને પગલે લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ૧૦૦થી વધુ આરોગ્ય કર્મીઓની બદલીની પ્રક્રિયા શરૂ સમગ્ર પ્રક્રિયામાં વિવાદિત એવા ડો. ભંડેરીને રખાયા દૂર

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બદલી કરવામાં આવતી ન હોવાના પ્રશ્ને ભારે તડાપીટ બોલી હતી. જેના પગલે હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ બદલીની જાહેરાત થનાર છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ભેદી રીતે આરોગ્ય કર્મચારીઓની બદલી કરવામાં ન આવી હોવાનો પ્રશ્ન ગત સામાન્ય સભામાં ગુંજયો હતો. આ મુદ્દાને લઈને આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી ઉપર આક્ષેપવર્ષા પણ થઈ હતી. આ ઘટનાને પગલે હવે અધિકારીઓ જાગ્યા છે અને બદલીની પ્રક્રિયા હાથ ધરી છે. જો કે બદલીની આ પ્રક્રિયા કરવામાં આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીને સમાવવામાં આવ્યા નથી. આ પ્રક્રિયામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ અને આરોગ્યના વહીવટી અધિકારી ગોંડલીયાને રાખવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા લેબ ટેક્નિશયન, એમપીડબ્લ્યુ, એફપીડબ્લ્યુ અને નર્સ સહિતના કર્મચારીઓ કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે. તેઓની બદલીની તજવીજ શરૂ કરવામાં આવી છે. અંદાજે ૧૦૦થી ૧૫૦ જેટલા કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓની બદલી ન કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય અધિકારી ઉપર માછલાં ધોવાઈ રહ્યા હતા. હવે તેમને જ બાકાત રાખીને આરોગ્ય કર્મચારીઓની બદલીનો ઘાણવો ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ બદલીની જાહેરાત થનાર હોવાનું જિલ્લા પંચાયતના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.