દંપતીના ઝઘડામાં પત્ની, મામાજીની હત્યા કરી બે માસુમ બાળકો સાથે કર્યો આપઘાત

રાજકોટમાં ઘર કંકાસની હોળીમાં મુસ્લિમ પરિવારના પાંચ હોમાયા

છુટાછેડા માટે ચાલતા વિવાદમાં બાળકોનો કબ્જો રાખવા અંગે થયેલી બોલાચાલીના કારણે પત્ની અને મામાજી સસરાની સરા જાહેર કરપીણ હત્યા અને સાસુ પર ખૂની હુમલો કરી પુત્ર અને પુત્રી સાથે અગ્નિસ્નાન કરી જીવનનો અંત આણ્યો

ક્ષણિક ગુસ્સો ખરાબ પરિણામ લાવે છે ઉક્તિ રાજકોટમાં કરૂણ રીતે સાર્થક થઇ છે. દપંત્તી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે રોષે ભરાયેલા પતિએ અન્યાય થયાના અહેસાસ સાથે પત્ની અને મામાજી સસરાની સરા જાહેર હત્યા કરી સાસુ પર ખૂની હુમલો કર્યા બાદ બે માસુમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતા એક જ પરિવારના બે માસુમ બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નીપજતા મુસ્લિમ પરિવારમાં માતમ છવાયો છે.

લગ્ન જીવનના દસ વર્ષ બાદ અને બે સંતાનના માતા-પિતા વચ્ચે ચાલતા છુટાછેડા બાબતના કેસમાં માસુમ પુત્ર અને પુત્રીનો કબ્જો પત્નીને મળે તેમ હોવાથી પોતાને અન્યાય થયાના અહેસાસ સાથે ખૂની ખેલ ખેલ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

દપંત્તી વચ્ચે લાંબા સમયથા ચાલતા ઝઘડા અંગે ગઇકાલે બંનેને સમાધાન માટે મહિલા પોલીસ મથકે બોલાવી સમજાવ્યા હતા ત્યારે ત્યાંથી વકીલને સાથે લઇને આવશે તેમ કહી જતો રહેલા થોરાળાના ઇમરાન અલ્તાફ પઠાણના મગજમાં ઝનૂન સ્વાર થઇ ગયું હતું અને છરી સાથે પોતાની પત્ની નાઝીયાબેન, સાસુ ફિરોઝાબેન નુરમામદ પઠાણ અને મામાજી સસરા નાજીરભાઇ પર તૂટી પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પત્ની અને મામાજીના મોત નીપજ્યા હતા અને સાસુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઇમરાન પઠાણે પોતાની પત્ની અને મામાજી સસરાના ઢીમ ઢાળી પોતાના બંને બાળકો પુત્ર ઇકાન (ઉ.વ.૮) અને પુત્રી અલવીરા (ઉ.વ.૭)ને બાઇક પર પોતાના ઘરે લઇ જઇ શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતા ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ત્રણેયના મોત નીપજતા મુસ્લિમ પરિવારની પાંચ વ્યક્તિના ઘર કંકાસના કારણે થયેલા મોતથી મામત છવાયો છે.

ભગવતીપરાની નાજીયાબેન અને થોરાળા વિસ્તારના ઇમરાનના દસેક વર્ષ પૂર્વે લગ્ન બાદ ચારિત્ર્ય બાબતે દંપત્તી વચ્ચે ઝઘડા થતા નાજીયાબેન ત્રણ વખત રિસામણે જતી રહેતી ત્યાર બાદ ત્રણ વખત બંને વચ્ચે સમાધાન થતા ઇમરાન પોતાની પત્ની નાજીયાને પોતાના ઘરે લાવ્યો હતો ત્યાર બાદ ગઇકાલે ફિરોજાબેન પઠાણ પોતાની પુત્રી નાજીયાબેનના ઘરે ગયા હતા ત્યારે પતિ મારકૂટ કરી ત્રાસ દેતો હોવાની વાત કરી હતી ફિરોઝાબેન પોતાના ભાઇ નાઝીરને ત્યાં પોતાની પુત્રી નાજીયા સાથે ગયા હતા. ત્યાંથી ત્રણેય ઇકાન અને અલવીરા સાથે મહિલા પોલીસ મથકે ગયા હતા.

મહિલા પોલીસ મથકના સ્ટાફે દંપત્તી વચ્ચે સમાધાન કરાવવા સમજાવ્યા હતા ત્યારે બંને વચ્ચે છુટાછેડા લેવાનું નક્કી થયું હતું ત્યારે બંને બાળકોનો કબ્જો ઇમરાન પઠાણે માગ્યો હતો જ્યારે તેની પત્ની નાજીયાએ પણ પોતાના બંને બાળકો પોતાની પાસે રહેશે તેવી જીદ કરતા ઇમરાન મહિલા પોલીસ મથકે વકીલને પોતાની સાથે લઇને આવશે તેમ કહી જતો રહ્યો હતો.

મહિલા પોલીસ મથકેથી નાજીયાબેન તેના બે બાળકો ઇકાન અને અલવીરા, તેની માતા ફિરોઝાબેન અને મામા નાજીર રિક્ષામાં બેસી ભગવતીપરા જવા નીકળ્યા ત્યારે પોતાના બાળકો પોતાને નહી મળે તેમ સમજી રોષે ભરાયો હતો અને ઇમરાન પઠાણ રિક્ષાનો પીછો કરતા રૂખડીયાપરા રેલવે ફાટક પાસે રિક્ષાને આંતરી પત્ની નાજીયા અને મામાજી સસરા નાજીર પર તુટી પડતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પોતાની પુત્રી અને ભાઇને બચાવવા ફિરોજાબેન વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારી ઇમરાન પોતાના બંને બાળકો સાથે બાઇક પર થોરાળા તેના ઘરે જઇ અગ્નિસ્નાન કરી લેતા તે ત્રણેયના મોત નીપજતા એક જ પરિવારના પાંચ વ્યક્તિના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે ફિરોજાબેનની ફરિયાદ પરથી મૃતક ઇમરાન પઠાણ સામે ચાર હત્યા અને સાસુની હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.