Abtak Media Google News

૨૧ જુન ‘વિશ્ર્વ યોગ દિન’ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન: ૭ વર્ષથી લઈ ૮૫ વર્ષ સુધીના બહેનો લેશે ભાગ: વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા તજવીજ

૨૧ જુનના રોજ ‘વિશ્ર્વ યોગ દિન’ ઉજવાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ યોગ ક્ષેત્રે સિદ્ધિ નોંધાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશમાં સૌપ્રથમ ‘એકવા યોગા’નું આયોજન ઘડી કાઢયું છે. જેમાં ૮૦૦ બહેનો ૪૫ મિનિટ સુધી સ્વીમીંગપુલમાં યોગાસન અને પ્રાણાયામ કરશે. કાર્યક્રમની વિગતો આપવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, વંદનાબેન નિતીનભાઈ ભારદ્વાજ, અલ્પાબેન શેઠ, આરતીબેન માંડલીયા, ભારતીબેન વસાણી, ભગવતી જોષી, ભગવતી સંખાવરા, ભારતીબેન મોણપરા, ભદ્રાબેન દેસાઈ, વિભા પુજારા અને સચી પુજારા સહિતના અબતકની મુલાકાતે આવ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્ર્વને યોગના વિચારો આપતા, યુનો દ્વારા ૨૧ જુનને ‘વિશ્ર્વ યોગ દિન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ વિશ્ર્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી ૨૧ જુન વિશ્ર્વ યોગ દિન નિમિતે શહેરના ચારેય સ્વિમિંગ પુલોમાં એકવા યોગા કરવામાં આવશે.

૨૧ જુન ૨૦૧૭ના રોજ વિશ્ર્વ યોગ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, મહર્ષિ દયાનંદ સ્નાનાગાર કાલાવડ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ અને પેડક રોડના છેડે આવેલા સ્વામી વિવેકાનંદ સ્નાનાગારમાં એકવા યોગ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૮૦૦ જેટલા બહેનો જોડાશે. એકવા યોગાનો સમય સવારે ૮:૩૦ થી ૯:૧૫નો રહેશે. આ કાર્યક્રમ ૪૫ મિનિટ સુધી ચાલશે. માત્ર બહેનો જ એકવા યોગનો આ કાર્યક્રમ નિહાળી શકશે. એકવા યોગમાં ભાગ લેનાર બહેનોને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવામાં આવશે.

એકવા યોગાના આ કાર્યક્રમમાં ૭ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીના બહેનો, યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધાઓ ભાગ લેશે. ૨૧ જુન નિમિતેનો આ એકવા યોગા કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.